Sep 21, 2019

ભાગવત રહસ્ય-૭૦

પરીક્ષિત દિગ્વિજય કરી રહ્યા છે. ફરતાં ફરતાં –પ્રાચી સરસ્વતી નદીના કિનારે આવ્યા. ત્યાં તેમણે એક કૌતુક જોયું.એક બળદના ત્રણ પગ કોઈએ કાપી નાખ્યા છે. એક ગાય માતા ત્યાં ઉભી છે અને રડે છે.
બળદ એ ધર્મનું સ્વરૂપ છે. ગાય એ ધરતી માતાનું સ્વરૂપ છે.ધર્મ ના ચાર મુખ્ય અંગો છે.-સત્ય-તપ-પવિત્રતા-દયા. આ ચાર સદગુણોનો સરવાળો(સમન્વય)-એને જ ધર્મ કહે છે.
આ ચારે તત્વો જેનામાં પરિપૂર્ણ હોય-તે ધર્મી છે.

ધર્મ –ત્રણ પગ પર ટકી રહ્યો –એટલે તે યુગનું નામ પડ્યું-ત્રેતાયુગ.(અહીં સત્ય-ગયું)
ધર્મ -બે પગ પર ટકી રહ્યો –એટલે તે યુગનું નામ પડ્યું –દ્વાપરયુગ.(અહીં-સત્ય અને તપ ગયાં)
ધર્મ -જયારે માત્ર એક પગ પર ટકી રહ્યો-તે યુગનું નામ-કળિયુગ. (અહીં –સત્ય-તપ-પવિત્રતા ગયાં)
કળિયુગ માં દયા-દાન એક જ બાકી રહ્યું છે. એક જ પગ પર ધર્મ ટક્યો છે.(દાનમ એકમ કલિયુગે)

સત્ય –સત્ય એ જ પરમાત્મા છે. સત્ય દ્વારા નર-એ નારાયણ પાસે જઈ શકે છે. હિતભાષી,મિતભાષી-હોય તે સત્ય ભાષી બની શકે છે.

તપ—તપ કરો. ભગવાન સર્વ પ્રકારનું સુખ આપે-તો પણ એ સર્વ પ્રકારનું સુખ ભોગવશો નહિ. બહુ સુખ ભોગવવાથી તન અને મન બગડે છે. થોડું દુઃખ ભોગવી રોજ તપ કરો.સમજીને થોડું દુઃખ સહન કરો. દુઃખ સહન કરી પરમાત્માની આરાધના કરો.ઇન્દ્રિયો માગે-તે –તેને આપી ને –ઇન્દ્રિયોના ગુલામ થશો નહિ.ઇન્દ્રિયોના સ્વામી આત્મા છે. ભગવાનના માટે-ભગવાન ને પામવા માટે-દુઃખ સહન કરવું-કષ્ટ ભોગવવું તે તપ. વાણી અને વર્તનમાં સંયમ અને તપ જોઈએ.

પવિત્રતા—કળિયુગમાં પવિત્રતા રહી નથી.બહારથી બધા સ્વચ્છ-પવિત્ર લાગે છે.પણ અંદરથી બધા મલિન થયા છે. કપડાંને પડેલો ડાઘો જશે-કાળજાને પડેલો ડાઘો જશે નહિ. જીવાત્મા બધું છોડીને જાય છે-પણ મન ને સાથે લઇ જાય છે. પૂર્વજન્મનું શરીર રહ્યું નથી-પણ મન રહ્યું છે. લોકો અનાજ-વસ્ત્ર-અથાણાં- ના બગડે તેની કાળજી રાખે છે-પણ મર્યા પછી જે સાથે આવવાનું છે-તે મનની કાળજી રાખતા નથી. સંસાર-વ્યવહારના કાર્યો કરતાં કરતાં-માતા જેમ બાળકની કાળજી રાખે છે-તેમ-વ્યવહારનાં કાર્ય કરતાં-ઈશ્વરનું
અનુસંધાન રાખો. કાળજી રાખો કે- મારું મન બગડે નહિ. આચાર અને વિચારની શુદ્ધિ જરૂરી છે.

દયા—ધર્મ નું ચોથું અંગ છે દયા.પ્રભુએ તમને આપ્યું હોય તો હાથ લંબાવો. બીજાને જમાડીને જમો. પ્રભુએ બહુ આપ્યું ના હોય –તો બીજા માટે શરીર ઘસાવો. લક્ષ્મી ચંચળ છે-અમુક પેઢીએ તે જવા ની જ. લક્ષ્મીનો સદુપયોગ કરો.દાન કરો.


ધર્મના ચાર ચરણોમાં –સત્ય-સર્વોપરી છે.
મહાભારતમાં સત્યદેવ રાજાની કથા આવે છે.એક દિવસ-સવારે સત્યદેવ ઉઠયા-ત્યારે તેમણે જોયું તો તેમના મહેલમાંથી કોઈ સુંદર સ્ત્રી બહાર જઈ રહી હતી.તેમણે પેલી સ્ત્રીને પૂછ્યું –કે આપ કોણ છો ? સ્ત્રીએ જવાબ આપ્યો-કે-મારું નામ –લક્ષ્મી-હું અહીંથી જવા માગું છું.રાજાએ કહ્યું-આપ જઈ શકો છો.
થોડીવાર પછી-એક સુંદર પુરુષ બહર નીકળ્યો.રાજાએ પૂછ્યું-આપ કોણ છો ? પુરુષે જવાબ આપ્યો-મારું નામ -દાન- છે.લક્ષ્મી ચાલી ગઈ –એટલે તમે દાન કયાંથી કરી શકશો ? એટલે તેની સાથે હું પણ જવાનો. રાજાએ કહ્યું-આપ જઈ શકો છો.

થોડીવારે એક ત્રીજો પુરુષ નીકળ્યો-રાજાએ પૂછ્યું-તમારું નામ ? પુરુષે જવાબ આપ્યો-મારું નામ સદાચાર- લક્ષ્મી અને દાન ગયાં-તો હું પણ જાઉં છું. રાજાએ કહ્યું-આપ જઈ શકો છો.ત્યારબાદ એક ચોથો પુરુષ નીકળ્યો. રાજાએ તેનું નામ પૂછ્યું. તેને કહ્યું-મારું નામ યશ છે.-લક્ષ્મી-દાન-સદાચાર ગયાં-તેમની સાથે હું પણ જાઉં છું. રાજાએ કહ્યું-આપ જઈ શકો છો.

છેલ્લે એક સુંદર યુવાન પુરુષ બહાર નીકળ્યો.રાજાએ તેનું પણ નામ પૂછ્યું. તે પુરુષે કહ્યું- મારું નામ –સત્ય-છે. આ બધાં ગયાં તેની સાથે હું પણ જઈશ.સત્યદેવ કહે છે-કે- મેં તમને કોઈ દિવસ છોડ્યા નથી.તમે મને છોડીને શું કામ જાઓ છો ? અરે તારા માટે મેં તેઓ સઘળાં –લક્ષ્મી-યશ- વગેરેનો ત્યાગ કર્યો.તમને હું નહિ જવા દઉં. તમે જાવ તો મારું સર્વસ્વ જાય.
સત્ય ન ગયું. સત્ય રહી ગયું-એટલે બહાર ગયેલાં બધાં પરત આવ્યાં.માટે સત્ય એ જ સર્વસ્વ છે.

પરીક્ષિત ત્રણ પગ કપાઈ ગયેલા બળદને જોઈ વિચારે છે-મારા રાજ્યમાં આવું કોણ કરી શકે ? ત્યાં તેણે જોયું કે-એક કાળો શુદ્ર પુરુષ હાથમાં લાકડી લઇ તે બળદને મારતો હતો. તે બળદ એક જ પગ પર ઉભો હોવાથી દુઃખી હતો.રાજા એ બળદને પૂછ્યું-કે- તારા આ ત્રણ પગ કોણે કાપ્યા ?
ધર્મરૂપી બળદ કહે છે-કે- રાજન –મને કોણ દુઃખ આપે છે-તેનો નિર્ણય હજુ થયો નથી. કેટલાક માને છે કાળ થી જીવ સુખી-દુઃખી થાય છે.કેટલાક માને છે કે કર્મથી તો કેટલાક માને છે –સ્વભાવથી મનુષ્ય સુખી-દુખી થાય છે. તમે જ વિચાર કરો.

રાજા સમજી ગયા- આ શુદ્ર પુરુષ એ જ કળિપુરુષ છે.તેનો જ બળદને ડર છે અને તે જ બળદને ત્રાસ આપે છે. એટલે રાજા કળિને મારવા તૈયાર થયા. કળિ શરણે આવ્યો –અને દયાની પ્રાર્થના કરી પરીક્ષિતના ચરણ ને સ્પર્શ કર્યો.જેવો કળિએ ચરણ નો સ્પર્શ કર્યો-કે રાજાની બુદ્ધિ બગડી છે. પરીક્ષિત જાણતા હતા કે –આ પાપી છે.તેને સજા કરવી જોઈએ.અતિ પાપી જીવ પર દયા બતાવવામાં આવે તો તે વધારે પાપ કરે છે. દુષ્ટ ને મારવો એ રાજાનો ધર્મ છે-તેમ છતાં –દુષ્ટ કળિ પર રાજા દયા બતાવે છે.
       
      PREVIOUS PAGE
       NEXT PAGE               
    INDEX PAGE