Sep 30, 2019

ભાગવત રહસ્ય-૭૯

એકનાથ મહારાજના ગુરૂ –જનાર્દન સ્વામીએ –તેમને કહેલું કે-જયારે શેષનાગ આવી તારા માથા પર છત્ર ધરે-ત્યારે માનજે કે તું પૂર્ણ થયો છું. અને એવું જ બન્યું.
મહારાજ શિલભંજન પર્વત પર તપશ્ચર્યા કરવા ગયા અને અનુષ્ઠાનમાં બેસે છે-ત્યારે એક મોટો નાગ આવે છે અને તેમને કરડવા જાય છે, પરંતુ મહારાજના હાથ નો સ્પર્શ થતાં તે નાગ શાંત થઇ જાય છે.અને પછી તો રોજ આવી ને એકનાથ મહારાજના માથા પર છત્ર ધરે છે. મહારાજને સર્વમાં સર્વેશ્વર દેખાય છે. એકનાથ મહારાજ –પૂર્ણ જ્ઞાની-પૂર્ણ ભક્ત છે.

આવા એકનાથ મહારાજ પાસે એક ભક્ત આવ્યો. અને મહારાજ ને પૂછ્યું-કે-મહારાજ તમે ચોવીસ કલાક સ્મરણ ચિંતન કરી પ્રભુમાં તન્મય રહો છો, પણ મારું મન તો અડધો કલાક પણ પ્રભુમાં સ્થિર થતું નથી, મન ને સ્થિર કરવાનો કોઈ ઉપાય બતાવો.મહારાજે વિચાર્યું-કે ઉપદેશ ક્રિયાત્મક હોવો જોઈએ. તેથી ભક્તને કહ્યું –આ વાત હમણાં જવા દે.પણ મને કહેતાં દુઃખ થાય છે ,કે,મને લાગે છે કે તારું મૃત્યુ સમીપ છે,આજથી સાતમે દિવસે તું મરવાનો છું. સાત દિવસ પછી તું આવજે. ત્યારે હું તારા પ્રશ્નનો જવાબ આપીશ.

મૃત્યુનું નામ સાંભળી ભક્તના હોશકોશ ઉડી ગયા. દોડતો દોડતો ઘેર ગયો. બધો કારભાર બીજાને સોંપી દીધો. ખુબ જપ,પ્રાર્થના,કિર્તન કરે .સાત દિવસ પછી એકનાથ મહારાજ પાસે પાછો આવ્યો.
મહારાજે પૂછ્યું-બોલ આ સાત દિવસમાં તે શું કર્યું ?તારા હાથે કંઇ પાપ થયું ? ભક્ત જવાબ આપે છે-મને તો મરણ એવી બીક લાગી કે હું તો સર્વ છોડીને ને ઈશ્વરના ધ્યાનમાં લાગી ગયો. આ સાત દિવસમાં મારું મન ચંચળ થયું નથી. કુટુંબની ચિંતા ભૂલી ગયો. બધું ભૂલી ગયો. પ્રભુ સ્મરણમાં તન્મય થયો.

એકનાથ મહારાજે કહ્યું-‘મારી એકાગ્રતાનું એ જ રહસ્ય છે. હું મૃત્યુને રોજ યાદ રાખું છું. સાવધાન થઇ હું સતત ઈશ્વર સ્મરણ કરું છું.એટલે મારું મન સર્વ વિષયોમાંથી હટી જાય છે.
તેં સાત દિવસ પ્રભુના જપ કર્યા એટલે તારું આયુષ્ય વધ્યું છે. જા,મૃત્યુ માથે છે-તે સતત યાદ રાખજે’

શરીર એ પાણીનો પરપોટો છે.તે ક્યારે ફૂટી જશે-તે ખબર પડશે નહિ. પાણીના પરપોટા ને ફૂટી જતાં વાર લાગતી નથી. તેમ જીવન નો અંત આવતાં વાર લાગતી નથી.
પરમાત્મા માં મન તન્મય ના થાય તો વાંધો નહિ-પણ જગત સાથે તન્મય ના થાવ.

ધ્યાનમાં ધ્યાન કરનારો (ધ્યાતા)-‘હું ધ્યાન કરું છું’ એ પણ ભૂલી જાય છે-ત્યારે પ્રભુના સ્વરૂપમાં (ધ્યેય) લીન થાય છે.ધ્યાતા-ધ્યાન-અને ધ્યેય –આ ત્રિપુટીનો પરમાત્મામાં લય થાય એ જ-મુક્તિ-એ જ-અદ્વૈત.(બીજું નામ-કૈવલ્ય મુક્તિ પણ છે)

લોકો ઈશ્વરને –આપે છે-ધન- પણ ઈશ્વર સૌની પાસે માગે છે મન. વ્યવહાર કરો-પણ ઈશ્વરમાં મન રાખી કરો.
પનિહારીઓ પાણી ના બેડાં ભરીને ઘેર આવતી હોય –ત્યારે રસ્તામાં એકબીજી સાથે અલક મલકની વાતો કરે-પણ તેઓનું ધ્યાન સતત માથા ઉપરનાં બેડાંમાં જ હોય છે.-આવી રીતે-સંસારના વ્યવહારમાં -તેનામાં આસક્તિ વગર -ઈશ્વરમાં મન- રાખીને કરો.પણ સંસારમાં આસક્ત-વિષયાનંદી ને બ્રહ્માનંદનો આનંદ સમજાતો નથી. બ્રહ્માનંદનું કોઈ વર્ણન કરી શકતું નથી.

ધ્યાન કરનારો ધ્યેયમાં મળી જાય-તેને જ મુક્તિ કહે છે. આ સિદ્ધાંત સમજાવવા –ઉપનિષદમાં એક દ્રષ્ટાંત આપ્યું છે.‘ખાંડ ની પૂતળી-સાગરનું ઊંડાણ માપવા ગઈ-તે સાગરમાં વિલીન થઇ ગઈ-પાછી જ ના આવી.’ઈશ્વરમાં મળેલા મનને કોઈ જુદું કરી શકતું નથી. જીવમાં જીવ પણું રહેતું નથી. આ જીવ ખાંડની પૂતળી જેવો છે. અને પરમાત્મા સમુદ્ર જેવા વ્યાપક છે,વિશાળ છે. આ બ્રહ્મતત્વને જાણનારો,બ્રહ્મ સાથે એકરૂપ થાય છે.
જેવી રીતે ઈયળ –ભમરીનું ચિંતન કરતાં કરતાં –ભમરીરૂપ બની જાય છે. આને કૈવલ્ય મુક્તિ કહે છે.(અદ્વૈત)

પણ ભક્તો આવી કૈવલ્ય મુક્તિ ઇચ્છતા નથી. તેઓ ઈશ્વરની સેવા-પૂજા કરવા માટે અને તેનો રસાસ્વાદ માનવા માટે થોડું –દ્વૈત-રાખે છે. આવા પરમાત્મા ની સેવામાં જેને આનંદ છે-તેવા –ભક્તો-ભાવાત્મક શરીર-ધારણ કરી પ્રભુના ધામ માં જાય છે.ભક્તો માને છે કે-જીવ ઈશ્વરમાં ડૂબી ગયા પછી-ઈશ્વરના સ્વરૂપનો રસાનુભવ કરી શકતો નથી.(ઈશ્વર રસ રૂપ છે-ઉપનિષદ)

આ બંને સિદ્ધાંતો (દ્વૈત અને અદ્વૈત) સત્ય છે. ખંડન-મંડનની ભાંજગડમાં પડવા જેવું નથી. જે ખંડન કરે તેનામાં દ્વેષ ઉત્પન્ન થાય છે.ગૌરાંગ પ્રભુ પણ ભેદાભેદ-ભાવ (ભેદ અને અભેદ બે મિશ્ર) માં માને છે.
લીલામાં- ભેદ- માને છે- પરંતુ તત્વ દૃષ્ટિથી-અભેદ છે. તેમ છતાં –અભિન્ન હોવાં છતાં-સૂક્ષ્મ ભેદ છે.
આ ભાગવતી મુક્તિનું રહસ્ય(સિદ્ધાંત)–સમજાવવા-એકનાથ મહારાજે-ભાવાર્થ રામાયણમાં –સરસ ઉદાહરણ આપ્યું છે.

અશોકવનમાં સીતાજી –રામનું અખંડ સ્મરણ ધ્યાન કરે છે. રામમાં તન્મય થયાં છે.સર્વત્ર રામ દેખાય છે. –આખું જગત –રામમય અને અંતર પણ રામ મય. સીતાજીને અનેક વાર થાય છે-કે હું જ રામ રૂપ છું. તે સ્ત્રીત્વ ભૂલી જાય છે.આ વાત એક વાર તેમણે ત્રિજટાને કહી.‘ મેં સાંભળ્યું છે કે ઈયળ ભમરીનું ચિંતન કરતાં ભમરી બની જાય છે-તેમ રામજીનું ચિંતન કરતાં હું રામ બની જઈશ તો ?’
ત્રિજટા કહે છે-એ તો ઘણું સારું. તમે પોતે રામ બની જાવ પછી રામજી માટે રડવાનું નહિ રહે. જીવ અને શિવ એક થાય તો જીવ કૃતાર્થ થાય છે.

સીતાજી કહે છે-તો પછી રામજીની સેવા કોણ કરશે ? રામજીની સેવામાં જે આનંદ છે-તે રામ રૂપ થવામાં નથી. મારે તો બસ રામજીની સેવા કરવી છે. અમારું જોડું ખંડિત થાય તો જગતમાં સીતા-રામની જોડી રહે નહિ.ત્યારે ત્રિજટા એ કહ્યું-પ્રેમ અન્યોન્ય હોવાથી-રામજી તમારું ચિંતન કરતાં કરતાં સીતારૂપ થઇ જશે. તમારી જોડી કાયમ રહેશે.બસ આ જ ભાગવતી મુક્તિ નું રહસ્ય છે.
       
      PREVIOUS PAGE
       NEXT PAGE               
    INDEX PAGE