Dec 3, 2019

ભાગવત રહસ્ય-૧૨૮

ધ્રુવજી –નારદજીને પૂછે છે-કે-ત્યાં જઈને હું શું કરું ? મને કાંઇ આવડતું નથી. પરમાત્માની આરાધના કેવી રીતે કરવી ? નારદજી કહે છે-સવારે બ્રાહ્મ મુહુર્તમાં (સવારના ૪ વાગે) ઉઠજે. ધ્યાન કરતા પહેલાં ઠાકોરજીની માનસી સેવા કરજે.માનસી સેવાનો અતિ ઉત્તમ સમય સવારના ૪ થી ૫ સુધીનો છે.માનસી સેવામાં ખાલી મનની જ જરૂર છે.(પ્રત્યક્ષ સેવા માં અનેક વસ્તુઓની જરૂર પડે છે.)માનસી સેવા સવારે કોઈનું પણ મુખ જોયા પહેલાં કરવી જોઈએ.

સવારે ઉઠી મનથી ધ્યાન કરવાનું-કે-
--હું ગંગાજીને કિનારે બેઠો છું. મનથી પોતે-ગંગાજીમાં સ્નાન કરવાનું.તે પછી અભિષેક માટે ગંગાજળ લાવવાનું. ગંગાજળ મનથી જ લાવવાનું છે–તો સોના કે ચાંદીના લોટામાં જ કેમ ના લાવવું ?
--ઠાકોરજી(લાલાજી) જાગ્યા હોય –એટલે તેમને ગંગાજળનું આચમન કરાવવું.(ગંગાજળ પીવડાવવું) પછી--માખણ-મિસરી (સાકરવાળું માખણ લાલાને બહુ ભાવે) લાવવા અને ભોગ ધરાવવો.(માખણ મિસરી ખવડાવવા)
--લાલાજીને પછી થોડા ગરમ પાણીથી સ્નાન કરાવવું.
--લાલાજી ને પછી શૃંગાર કરો (સુંદર કપડાં પહેરાવડાવો) અને માથે તિલક કરો.
--તે પછી આરતી ઉતારો.(આર્ત બની ને આરતી ઉતારો)

સેવામાં દાસ્ય-ભાવ મુખ્ય છે.આરતી ઉતારો-ત્યારે હૃદય આર્દ્ર બનવું જોઈએ.
પહેલાં ત્રણ વાર ચરણ પર ,પછી ત્રણ વાર સાથળ,પછી ત્રણ વાર વક્ષ સ્થળ,ત્રણ વાર મુખારવિંદ પર અને પછી સર્વ-અંગોની ઉપર આરતી ઉતારવી. આરતી ઉતારો ત્યારે પ્રભુના દર્શન માટે આર્ત બની આરતી ઉતારો.પરમાત્માનું દર્શન કરતાં કરતા જપ કરવાનો. કદાચ મન છટકી જાય –તો પણ જપની ધારા અખંડિત રાખો.ધીરે ધીરે જપ કરતાં –પાપ ઓછાં થશે-એટલે મન સ્થિર થશે.

શ્રી હરિનું (લાલાજીનું) ધીર મનથી ધ્યાન અને જપ સાથે સાથે થાય તે ઉત્તમ છે.
જપ કરવા બેસો –ત્યારે જે દેવનો જપ કરો-તે દેવની મૂર્તિ ધ્યાનમાંથી ખસે નહિ.
જીભથી તે દેવનો જપ અને મનથી તે દેવનું –સ્મરણ ધ્યાન કરવું જોઈએ.
આંખથી તે દેવના દર્શન કરવાં –કાનથી તે દેવનું શ્રવણ કરવું.(આંખ સ્થિર થાય તો મનને સ્થિર થવું જ પડશે)
આ પ્રમાણે જપ કરવા.

માનસી સેવા માત્ર લાલાજીની જ કરવી તેવો કોઈ આગ્રહ નથી. પરમાત્માના કોઈ પણ સ્વરૂપની માનસી સેવા થઇ શકે છે.નારદજી ધ્રુવને કહે છે-બેટા,હું તને બાર અક્ષરનો એક મહામંત્ર આપું છું-
“ ॐ નમો ભગવતે વાસુદેવાય “આ મંત્ર નો તું સતત જપ કરજે. છ મહિનામાં તને પ્રભુના દર્શન થશે. 
મારા તને આશીર્વાદ છે.નારદજી આમ કહીને ત્યાંથી ઉત્તાનપાદ રાજા પાસે જવા નીકળ્યા.
ધ્રુવજી મહાન ભક્ત થવાનો છે-મારા શિષ્યનો પિતા સ્ત્રીમાં ફસાઈ રહે –તે યોગ્ય નથી. તેમ વિચારી રાજાને ઉપદેશ આપવા આવ્યા છે.ધ્રુવજી ના ગયા પછી-રાજા ઉત્તાનપાદને બહુ દુઃખ થયું છે. રાજાને પશ્ચાતાપ થયો છે. રાણી સુનીતિની માફી માગે છે.રાજા પસ્તાય છે. સ્ત્રીને આધીન થઇ ને રાજા દુઃખી બન્યો હતો. તે વખતે નારદજીનું આગમન થાય છે.
રાજા નારદજીને પૂછે છે-કે-આ અપરાધમાંથી હું છુટું અને મારો પુત્ર પાછો આવે તેવો ઉપાય બતાવો.

નારદજી કહે છે-છ માસ સુધી,મૌન રહી,કેવળ દૂધ-ભાતનો આહાર કરી,
“હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે, હરે રામ હરે રામ રામ રામ હરે હરે” ના મંત્રનો જપ કરી –
અનુષ્ઠાન કર.તો તને તારો પુત્ર મળશે. આમ કહી નારદજી વૈકુંઠલોકમાં પધાર્યા.

ઉપર નો મંત્ર-ઉપનિષદનો મંત્ર છે. ઉપનિષદનો અધિકાર સર્વને આપ્યો નથી.તેથી મહાપ્રભુજીએ મંત્રને ઉલ્ટાવ્યો છે.નેઆ મંત્ર પર સર્વનો અધિકાર છે. હરે કૃષ્ણ –પદ –પહેલું અને હરે રામ –પદ –બીજું.
આ મંત્રના જપનો કોઈ વિધિ નથી.નામ જપ સર્વકાળે થઇ શકે છે.
બીજા બધા મંત્રો એવા છે-કે-કોઈ ગુરુ દ્વારા –મંત્ર ગ્રહણ કરવા પડે છે. અને તો જ તેનું ફળ મળે છે.

રાજા ઉત્તાનપાદ મંત્રનો જપ કરે છે. પરમાત્માને પ્રાર્થના કરે છે.ધ્રુવજી વનમાં ગયા એટલે રાજાની બુદ્ધિ સુધરી છે. સુરુચિને પણ પસ્તાવો થયો-કે બધા અનર્થો નું મૂળ હું છું.
ત્યાગમાં એવી શક્તિ છે-કે- આજે સુરુચિનું જીવન પણ સુધર્યું છે.     
      PREVIOUS PAGE
       NEXT PAGE               
    INDEX PAGE