Nov 14, 2019

ભાગવત રહસ્ય-૧૦૯

જ્ઞાની પુરુષો –પરમાત્માના રૂપમાં એવા મળી જાય છે કે તે પછી તે કહી શકતા નથી-કે- હું જાણું છું-કે-નથી જાણતો.ખાંડની પૂતળી સાગરની ઊંડાઈ માપવા ગઈ –તે પાછી જ આવી નહિ. પરમાત્મા સાગર જેવા વિશાળ,વ્યાપક છે.ધ્યાન કરતાં-ધ્યાન કરનારો-ધ્યેય (ઈશ્વર)માં મળી જાય છે.-તેને જ મુક્તિ કહે છે.-આ જ અદ્વૈત છે. ધ્યાન કરનારનું 'હું પણું'
ભુલાય ત્યારે જીવ અને શિવ એક થાય છે.

તે પછી જીવનું જીવપણું ઈશ્વરમાં મળી જાય છે. જીવનું જીવ પણું રહેતું નથી. જેમ ઈયળ-ભમરીનું ચિંતન કરતાં કરતાં ભમરી બને છે-તેમ જીવ-ઈશ્વરનું ચિંતન કરતાં કરતાં ઈશ્વરમય બને છે. જીવ-ઈશ્વરનું મિલન થયું તે પછી જીવભાવ રહેતો નથી.

તુલસીદાસજીએ માનસમાં લખ્યું છે- એ-ને-(ઈશ્વરને) કોણ જાણી શકે ? 
જેના પર –એ-(ઈશ્વર) કૃપા કરે –તે-જ- એ-ને જાણી શકે.
ધ્યાન કરનારો જે સ્વરૂપનું ધ્યાન કરે છે-તે ધ્યેય(દેવ ની)ની શક્તિ –ધ્યાતા(ધ્યાન કરનારા) માં આવે છે.
શંકરાચાર્ય જીવનમાં કથા આવે છે.એક યવન શંકરાચાર્યને મળ્યો. કહ્યું-મારે ભૈરવ યજ્ઞ કરવો છે.પૃથ્વીના સાર્વભૌમ રાજાના મસ્તક ની આહુતિ તેમાં આપવી પડે છે.તે તો મળે તેમ નથી,માટે તમે તમારું મસ્તક મને આપો.તમે કહો છો-આત્મા –પરમાત્માથી –દેહ જુદો છે. દેહ આપવાથી તમે મરવાના નથી.તો તમારુ મસ્તક મને આપો.શંકરાચાર્યે કહ્યું-મારા મસ્તકથી તારું કામ થતું હોય તો લઇ જા. પણ શિષ્યોની હાજરીમાં મારું મસ્તક લેવા આવ્યો તો અનર્થ થશે.માટે શિષ્યો ન હોય અને હું ધ્યાનમાં બેસું ત્યારે આવીને મસ્તક લઇ જજે.

દેહાધ્યાસ દૂર થયો હતો. માથું આપવા તૈયાર થયા છે. મઠમાં કોઈએ તે જાણ્યું નથી. યવન મસ્તક કાપીને લઇ જવા આવ્યો.શંકરાચાર્યના શિષ્ય પદ્મપાદ હતા.તેઓ નૃસિંહ સ્વામીના ભક્ત હતા.પદ્મપાદને ગંગાકિનારે અનેક અપશુકન થાય છે.તે દોડતાં દોડતાં પાછા મઠમાં આવે છે. જોયું તો યવન તલવાર લઈને ગુરુદેવનું શિર કાપવા તૈયાર થયો છે. પદ્મનાભને એકદમ ક્રોધ આવ્યો છે, સિંહ બનીને તેમણે –યવનને ચીરી નાંખ્યો.
આ પ્રસંગ બતાવે છે-કે-ઉપાસકમાં ઉપાસ્ય ( નૃસિંહ સ્વામી) ની દિવ્યશક્તિ આવે છે.

શુકદેવજી વર્ણન કરે છે-મદિરા પીધેલાને જેમ દેહનું ભાન નથી રહેતું નથી-તેમ ધ્યાન કરતા જે દેહભાન ભૂલે છે તેની પાછળ પાછળ ભગવાન ભમે છે-પ્રભુપ્રેમમાં જે પાગલ થયો છે તે સુખી છે-બાકીના સર્વ દુઃખી છે.
ભગવાન વિના બીજું કંઈ નથી. હું જોનારો પણ ભગવદરૂપ થયો છું. આ અપરોક્ષ સાક્ષાત્કાર છે.
એવી તન્મયતા થાય તો ભક્તિ સુલભ છે.ભગવાનના પ્રેમમાં જે દેહભાન ભૂલે છે-તે જ્ઞાની મહાત્મા શ્રેષ્ઠ છે.

મનુષ્યમાં બ્રાહ્મણ શ્રેષ્ઠ છે.બ્રાહ્મણોમાં વેદ ભણેલો બ્રાહ્મણ શ્રેષ્ઠ છે. વેદ ભણેલા કરતાં જે –વેદનો અર્થ જાણે છે-તે શ્રેષ્ઠ છે.વેદાર્થ જાણનાર કરતાં ત્રણ વખત સંધ્યા કરનાર શ્રેષ્ઠ છે. પરંતુ ભગવાનના પ્રેમમાં જે જગતને ભૂલી ગયો છે-તે સહુથી શ્રેષ્ઠ છે.માતા ,આ સર્વ કરતાં શ્રીકૃષ્ણનું ધ્યાન કરતાં જે દેહભાન ભૂલે છે,તે સર્વથી શ્રેષ્ઠ છે. ભગવદભક્તો પ્રારબ્ધકર્મને મિથ્યા કરી શકે છે.

પ્રેમ અન્યોન્ય હોય છે.તમે ઠાકોરજીનું સ્મરણ કરશો તો ઠાકોરજી તમને ભૂલશે નહિ.
ભગવાન કહે છે-મારા નિષ્કામ ભક્તો કોઈ પણ પ્રકારની મુક્તિની ઈચ્છા –પણ- કરતા નથી. મારી સેવા વિના બીજી કોઈ ઈચ્છા તેઓ રાખતા નથી. એવા નિષ્કામ ભક્તોને મારી સેવાને છોડીને-(તેના બદલે) જો સાલોક્ય.સાષ્ટિ,સામીપ્ય,સારૂપ્ય અને સાયુજ્ય મુક્તિઓ આપવામાં આવે તો પણ તે લેતા નથી. (ભાગવત-૩-૨૯-૧૩)

      PREVIOUS PAGE
       NEXT PAGE               
    INDEX PAGE