Nov 15, 2019

ભાગવત રહસ્ય-૧૧૦

એક વખત નારદજી વૈકુઠલોકમાં આવ્યા. લક્ષ્મીજીને જોયા પણ ભગવાન ન દેખાયા.
શોધતાં શોધતાં છેવટે-ભગવાનને - ધ્યાનમાં બેઠેલા જોયા.નારદજી પૂછે છે-તમે કોનું ધ્યાન કરો છો ? ભગવાન કહે છે-હું મારા લાડીલા ભક્તોનું ધ્યાન કરું છું.નારદજી કહે-શું આ વૈષ્ણવો તમારાં કરતા પણ શ્રેષ્ઠ છે?કે જેથી તમે તેનું ધ્યાન કરો છો ?
ભગવાન કહે કે-હા,તે મારા કરતા શ્રેષ્ઠ છે. નારદજી કહે-તે સિદ્ધ કરી આપો.

ભગવાન પૂછે છે-જગતમાં મોટામાં મોટું કોણ ? નારદજી-કહે-પૃથ્વી.
ભગવાન-કહે-પૃથ્વી શાની મોટી ? પૃથ્વી તો શેષનાગના ફણા ઉપર રહેલી છે. નારદજી-તો શેષનાગ મોટા.
ભગવાન-અરે-એ શેષનાગ શાના મોટા ? એ તો શંકરના હાથ નું કડુ છે. એટલે શેષનાગ કરતાં શિવજી મોટા થયા.પણ તેમનાથી રાવણ જબરો –કે જેણે-શિવજી સાથે કૈલાસને ઉઠાવેલા. ત્યારે રાવણ મોટો. અરે રાવણ શાનો મોટો ? વાલી રાવણને બગલ માં દબાવી સંધ્યા કરતો. માટે વાલી મોટો ? 
નારદ-કહે-વાલી શાનો મોટો ? વાલીને રામજી એ મારેલો-એટલે આપ જ સર્વથી શ્રેષ્ઠ છો.

ભગવાન-કહે છે-કે-ના હું પણ શ્રેષ્ઠ નથી.મારા કરતા મારા ભક્તો શ્રેષ્ઠ છે.કારણ આખું જગત મારા હૈયામાં,પણ હું રહું છું ભક્તના હૈયામાં. મને હૈયામાં રાખીને જે ભક્તો વ્યવહાર કરે છે,એવા જ્ઞાની ભકતો મારાથી પણ શ્રેષ્ઠ છે.મારા ભક્તો મારા પ્રેમરૂપ –અપ્રાકૃત સ્વ-રૂપને પામે છે. ત્યારે દેહમાં આસક્ત પુરુષ અધોગતિ પામે છે.

કપિલ ભગવાન કહે છે-મા, વધુ શું કહું ? ઈશ્વરથી વિખુટા પડેલા જીવને સુખ નથી. પરમાત્માથી જે વિમુખ છે તે સંસારમાં રખડતો જ રહે છે. જે પરમાત્મા સાથે પ્રેમ કરતો નથી તે ભલે સુખી દેખાય પણ તેને અંદરથી શાંતિ નથી.જે ઈશ્વર ને ભૂલ્યો છે,તે ભૌતિક સુખ ભલે ભોગવે,પણ તેને અંદરની શાંતિ મળતી નથી.મા, વૃદ્ધાવસ્થામાં આ શરીર ઘરડું બને છે પણ મન અને બુદ્ધિ તો જુવાન રહે છે. જુવાનીમાં ભોગવેલા સુખનું મન વારંવાર ચિંતન કરે છે. મન ભગવાનનું ચિંતન કરતું નથી.વૃદ્ધાવસ્થામાં દુઃખ ભોગવવું પડે છે.કોઈ સેવા કરતું નથી.વૃદ્ધાવસ્થામાં શરીર દુર્બળ થવા છતાં –સત્સંગ અને ભજન ન કરે તો –મન અને જીભ જુવાન બને છે.સારું સારું ખાવાનું મન થાય છે.

ડોસીને ખાવાની ઈચ્છા થાય છે-ત્યારે તે બાબાનું નામ દે છે –કહે-કે- આજે તો બાબાની ઈચ્છા છે-કે-પાનાનાં ભજીયાં કરો.ખાધેલું પચે નહિ-પણ વારંવાર ખાવાની ઈચ્છા –વૃદ્ધાવસ્થામાં થાય છે. લૂલી બહુ પજવે છે.
તેલ-મરચાના ગરમ ગરમ પદાર્થ ખાય,ઉપર ઠંડું પાણી પીવે પછી ક્યાં જાય ? કફ વધે,રાત્રે ઉધરસ આવે, શ્વાસમાં ઘરડ-ઘરડ અવાજ થાય છે. છોકરો કહે છે-કે બાપા તમને પચતું નથી.તો શું કામ વધારે ખાઓ છો? તમારી ઉધરસથી અમને ઊંઘ આવતી નથી.તમારી પથારી બહાર કુતરાંની પાસે કરશું.

ડોસાની પથારી બહાર કુતરાની જોડેજોડે થાય તો પણ ડોસો સંતોષ માને છે.
છોકરાંઓ તિરસ્કાર કરે-પણ ડોસાની –નફ્ફટ જેવી વૃત્તિ થાય છે-તે માને છે- અને કહે છે –કે-
‘આ છોકરાં છે તો -તે-કહે છે-જેને છોકરાં નથી એને કોણ કહેવાનું હતું ?’
વૃદ્ધાવસ્થામાં શરીર દુર્બળ બને છે, રોગનું ઘર બને છે.શરીર સારું છે –ત્યાં સુધી બાજી તમારાં હાથમાં છે. શરીર સારું છે ત્યાં સુધી પ્રભુને રાજી કરો તો બેડો પાર છે.

પથારીમાં ડોસો પડ્યો છે. અતિ પાપીને નરકનું દુઃખ પથારીમાં જ ભોગવવું પડે છે. પથારીમાં જ મળ-મૂત્ર થાય તે નરક જેવું જ દુઃખ છે. આવી પથારીમાં જ જયારે યમદૂત દેખાય છે, ત્યારે જીવ બહુ ગભરાય છે.
જે લોકો માટે પૈસાનું પાણી કર્યું હોય-તે-લોકો જ –ડોસો જલ્દી મરે તેવી –ઈચ્છા રાખતા હોય છે.
પોતાના થોડા કોઈ –કદીક –મને કંઈક આપશે તેવી ઇચ્છાથી સેવા કરે છે. બધાં સ્વાર્થ ના સગાં ભેગા થાય છે. છોકરીઓ પણ લાલચુડી હોય છે,-મારા બાપાએ મારા માટે પંદર-વીસ તોલા જુદું રાખ્યું હશે. દોડતી દોડતી આવશે-બધા ડોસાને ઘેરીને બેઠા છે.‘બાપા,મને ઓળખી ? બાપા હું તમારી મણી....’ પણ મણીબેન નું કંઈ અજવાળું પડતું નથી. એ ડોસો જવાની તૈયારી માં છે.તે બોલી શકતો નથી.

વાણીનો લય મનમાં થાય છે,મનનો લય પ્રાણ માં થાય છે. ત્યારે જીવાત્માના હૃદય માં પ્રકાશ દેખાય છે.
તેના મનમાં જે વાસના હોય છે, તે પ્રમાણે –તે પ્રકાશમાં ચિત્ર થાય છે. તે સંસ્કાર જાગે છે તે પ્રમાણે તેને નવો દેહ મળે છે.    
      PREVIOUS PAGE
       NEXT PAGE               
    INDEX PAGE