Mar 2, 2020

ભાગવત રહસ્ય-૨૦૬

સૂર્યવંશમાં રઘુનાથજી પ્રગટ થયા છે અને ચન્દ્રવંશમાં શ્રીકૃષ્ણ.
રામ પહેલાં આવે છે,અને તે પછી શ્રીકૃષ્ણ આવે છે. રામ -ના -આવે ત્યાં સુધી કૃષ્ણ આવતા નથી.ભાગવતમાં મુખ્ય કથા શ્રીકૃષ્ણની છે.પણ રામને પધરાવ્યા પછી જ શ્રીકૃષ્ણ આવે છે.રામજીની મર્યાદા(વિવેક)ને બતાવવાનો ઉદ્દેશ છે.
આ મર્યાદા (વિવેક)નું પાલન થાય તો જ કૃષ્ણલીલાનું રહસ્ય સમજમાં આવે.
પણ,મનુષ્ય ને થોડી સંપત્તિ,અધિકાર મળે એટલે તે વિવેક ભૂલે છે.

રામજીની ઉત્તમ સેવા એ જ છે કે –રામજીની મર્યાદાનું પાલન કરો,રામના જેવું વર્તન રાખો.
આરંભમાં રામ ચરિત્રનું વર્ણન કર્યું છે. પછી દશમ સ્કંધમાં કૃષ્ણ કથા આવશે.
રામજીનું ચરિત્ર –રામજીની લીલા -સર્વથા અનુકરણીય છે,
શ્રીકૃષ્ણ લીલાનું અનુકરણ કરવાનું નથી,પણ કૃષ્ણ લીલાનું ચિંતન કરીને તન્મય થવા માટે છે.
રામજી- કરે- તે કરવાનું અને કૃષ્ણ- કહે- તેમ કરવાનું.

રામજી પૂર્ણ પુરુષોત્તમ હોવાં છતાં મનુષ્યને આદર્શ બતાવે છે.
રામજીનો માતૃપ્રેમ,પિતૃપ્રેમ,બંધુપ્રેમ,રામજી નું એકપત્નીત્વ,વગેરે સઘળું જીવનમાં ઉતારવા જેવું છે.
શ્રીકૃષ્ણ કરે તે આપણાથી ન થાય.

--શ્રીકૃષ્ણ તો કાલીય નાગ ઉપર નાચતા હતાઆપણને તો નાગનું નામ લેતા જ ગભરામણ થાય છે.
--શ્રીકૃષ્ણ ટચલી આંગળી પર ગોવર્ધન પર્વત ધારણ કરે છે.આપણે ઘરની નાની થાળી પણ આંગળી પર 
સમતુલનાથી રાખી શકીએ નહિ.
--શ્રીકૃષ્ણના ચરિત્રનો પ્રારંભ થાય છે પૂતના-ચરિત્રથી. પહેલું ઝેર પી ગયા છે.
આપણે તો ઝેર ને દુરથી નમસ્કાર કરીએ છીએ.
ઝેર પચાવતા આવડે તો ઝેર પચાવ્યા પછી શ્રીકૃષ્ણના ચરિત્રનું અનુકરણ થાય.??!!.

રામજીએ પોતાનું ઐશ્વર્ય છુપાવ્યું છે,મનુષ્ય જેવું નાટક કર્યું છે.
સાધકનું વર્તન રામજી જેવું હોવું જોઈએ. સિદ્ધ પુરુષનું વર્તન શ્રીકૃષ્ણ જેવું હોઈ શકે !!
રામજીનો જન્મ રાક્ષસોને મારવા માત્ર નથી થયો,પણ મનુષ્યોને માનવ ધર્મ બતાવવા થયો છે.
રામજી જીવ માત્રને બોધ આપે છે.રામજી એક પણ મર્યાદાનો ભંગ કરતા નથી.

રામજીની લીલા સરળ છે,જયારે શ્રીકૃષ્ણ લીલા ગહન છે,અટપટી છે.
રામજીની મર્યાદા સમજવી સહેલી છે,પણ તેનું આચરણ કરવું અઘરું છે.
શ્રીકૃષ્ણની લીલાનું રહસ્ય સમજવું અઘરું છે.

રામજી કુટિલ સાથે પણ સરળ વ્યવહાર કરે છે,
ત્યારે શ્રીકૃષ્ણ સરળ સાથે સરળ અને કુટિલ જોડે કુટિલ વ્યવહાર રાખે છે.
રામજી મર્યાદા પુરુષોત્તમ છે જયારે કૃષ્ણ એ પુષ્ટિ પુરુષોત્તમ છે.
કૃષ્ણ એ માખણ ચોર એટલે કે મૃદુ મનનો ચોર છે,તે સર્વસ્વ માગે છે.
રામજીનું નામ સરળ અને એમની લીલા પણ સરળ.રામજીના નામ માં એકે જોડાક્ષર નથી.
જયારે શ્રીકૃષ્ણના નામ માં એકે સરળ અક્ષર નથી,બધા જોડાક્ષર છે.

શ્રીકૃષ્ણ લીલા અતિ મધુર છે,જયારે રામ-નામ અતિ મધુર છે.
રામનામનો મહિમા બહુ વર્ણવ્યો છે-જયારે કૃષ્ણ લીલામાં સર્વને આનંદ મળે છે.
રામજી દિવસના બાર વાગે આવે છે (જન્મે છે) જેથી બધાંને દર્શન થાય.
શ્રીકૃષ્ણ કહે છે-હું તો માખણચોર છું,એટલે રાતે બાર વાગે આવું છું.(જન્મું છું)
રામજી દશરથજીના રાજમહેલ માં આવે છે.જયારે કૃષ્ણ કંસના કારાગૃહમાં.
ટૂંકમાં રામ એ મર્યાદા (વિવેક) છે અને શ્રીકૃષ્ણ એ પ્રેમ છે.
      PREVIOUS PAGE       
       NEXT PAGE               
    INDEX PAGE