May 3, 2020

ભાગવત રહસ્ય -૨૬૩

વિભીષણ વાનરસેના પાસે આવ્યા છે.વિભીષણ વિચારે છે-કે- રામજી મને સ્વીકારશે કે નહિ ?રાવણનો ભાઈ માની મારો તિરસ્કાર કરશે તો? ના,ના,તેઓ તો અંતર્યામી છે,મારો શુદ્ધ ભાવ છે,તેઓ મને જરૂર અપનાવશે.સુગ્રીવે રામજી પાસે આવી સમાચાર આપ્યા કે-રાવણનો ભાઈ વિભીષણ આવ્યો છે,લાગે છે-કે-રાક્ષસોની આ માયા છે.અને તે આપણો ભેદ જાણવા આવ્યો હોય તેમ લાગે છે.

રામજી તો બધું જાણે છે,પણ તેઓ સુગ્રીવને પૂછે છે-કે-શું કરીશું ? સુગ્રીવે કહ્યું-કે રાજનીતિ એમ કહે છે-કે-શત્રુનો વિશ્વાસ રાખવો નહિ.આ શત્રુનો ભાઈ છે. એટલે તેના પર વિશ્વાસ રાખી શકાય નહિ.
રામજી કહે છે-કે- તે શું બોલે છે-તે મને કહો. સુગ્રીવે કહ્યું કે-તે તો કહે છે-કે-“શરણં ગતઃ”(શરણે આવું છું)
હનુમાનજીએ આવી વકીલાત કરી છે.કહે છે-કે-આ કપટથી બોલતો નથી,તેનો સ્વર આર્ત છે.
તેના હૃદયમાં છળ-કપટ નથી,તે શરણે આવ્યો છે-તેનો સ્વીકાર કરવો જોઈએ.

રામચંદ્રજીએ કહ્યું કે-કોઈ પણ જીવ મારી પાસે આવીને કહે કે “હું શરણે આવ્યો છું” તેની ઉપેક્ષા હું કરતો નથી.તેને હું અપનાવું છું. સુગ્રીવ કહે છે-કે-એ,કદાચ, કપટથી બોલતો હશે.
રામજી કહે છે-કે-એ કપટથી બોલે કે ભાવથી બોલે,પણ તે બોલે છે “શરણં ગતઃ”(શરણે આવ્યો છું)
જીવનો ધર્મ છે,શરણે આવવું અને મારો ધર્મ છે-કે શરણે આવેલાનું રક્ષણ કરવું.
વિભીષણના સ્વર ઉપરથી લાગે છે-કે તે દુઃખી થઇ આવ્યો છે,રાવણે તેને લાત મારી છે.

રામજીએ વિચાર્યું,સુગ્રીવ કિષ્કિંધાનો રાજા બન્યો છે,વિભીષણ લંકાનો રાજા થવાનો છે.
રાજાનું સ્વાગત રાજા કરવા જાય તે યોગ્ય છે.રામજી એ સુગ્રીવને આજ્ઞા આપી,
“તમે વિભીષણ નું સ્વાગત કરી મારી પાસે લઇ આવો.
જયારે જીવ મારી સન્મુખ થાય છે,ત્યારે તેના કરોડો જન્મોના પાપ નાશ પામે છે.
જે મનુષ્ય નિર્મળ મનનો હોય તે મને પ્રાપ્ત કરે છે,મને છળ-કપટ ગમતાં નથી.”

સુગ્રીવ અને હનુમાન વિભીષણને લઇ આવ્યા.વિભીષણ કહે છે-નાથ,તમારા શરણે આવ્યો છું.
કોઈ જીવ રામજીને શરણે આવે તો રામજી ઉઠીને ઉભા થાય છે.રામજી ઉભા થયા છે,તેમનું સન્માન કર્યું છે.પ્રેમની મૂર્તિ રામે પ્રથમ મિલનમાં વિભીષણને કહ્યું છે-કે-તુ મને મારા ભાઈ લક્ષ્મણ સમાન પ્રિય છે.સમુદ્રનું જળ લઇ આવો,મારે અત્યારે જ વિભીષણને લંકાનો રાજા બનાવી તેનો રાજ્યાભિષેક કરવો છે.


સુગ્રીવને આ ગમ્યું નહિ. તે વખતે તે બોલ્યો છે-કે-રાજ્યનીતિ કહે છે-કે-યુદ્ધના સમયે રાજા સેનાપતિને આધીન હોય છે,તમારા સેવક તરીકે નહિ પણ એક સેનાપતિ તરીકે કહું છું કે,આપનો સ્વભાવ બહુ ઉતાવળીયો છે,આપે બહુ ઉતાવળ કરી છે.વિભીષણ આજે શરણે આવ્યો,તેને લંકાનું રાજ્ય આપી દીધું, પણ જો બે ચાર દિવસ પછી રાવણની મતિ સુધરે અને તે આપને શરણે આવે અને સીતાજીને પાછા સોંપે -તો,પછી રાવણને શું આપશો ? વિભીષણ ને પાછો ગાદી ઉપરથી ઉઠાડશો ? માટે હું કહું છું કે વિભીષણને લંકાનું રાજ્ય અત્યારે ના આપો.

રામજી એ કહ્યું-કે –હું બહુ વિચારીને એક જ વાર બોલું છું.મારી ત્રણ પ્રતિજ્ઞાઓ છે.
એકવચની,એક્બાણી,એકપત્નીવ્રતધારી.ભરતજીએ પિતાજીનું રાજ્ય હજુ લીધું નથી,અયોધ્યાની ગાદી હજુ ખાલી છે, રાવણ જો હવે શરણે આવશે તો –હું ભરતને સમજાવીશ,અને અયોધ્યાનું રાજ્ય રાવણને આપીશ.પણ આજે તો લંકાનું રાજ્ય વિભીષણને આપ્યું છે.
તે જ સમયે વિભીષણનો રાજ્યાભિષેક કર્યો છે.વિભીષણનો સંકલ્પ પુરો થયો.
      PREVIOUS PAGE
     NEXT PAGE
   INDEX PAGE