Aug 16, 2020

ભાગવત રહસ્ય -૩૬૨

એક વખતે શ્રીહરિ ગોપબાળકો સાથે જમુના કિનારે વનમાં વાછરડાં ચરાવવા આવ્યા.અને જમુના કિનારે તેઓ બાળમિત્રો સાથે જાતજાતની રમતો રમવા લાગ્યા.
આ ગોપ-બાળો પણ કેવા બડભાગી છે? તેમના ભાગ્ય નું કોણ વર્ણન કરી શકે ?જેનાં દર્શન યોગીઓ ને પણ દુર્લભ છે,તે પરબ્રહ્મ પરમાત્મા સાથે તેઓ રમી રહ્યા છે !!!!
શ્રીકૃષ્ણ બાળમિત્રો સાથે રમી રહ્યા હતા તેવે વખતે “અઘાસુર” નામનો રાક્ષસ મોટા અજગરનું રૂપ લઇને સર્વને ગળી જવાની ઈચ્છાથી માર્ગમાં આવી,મોઢું ફાડીને બેઠો છે.અઘાસુરનું મુખ પર્વતની ગુફા જેવું લાગે છે.જે જોઈને-

એક ગોપબાળ બોલ્યો કે-આ ગુફા લાગતી નથી, આમાંથી શ્વાસ નીકળે છે,આ કદાચ અજગર હશે.
બીજો ગોપબાળ બોલ્યો-કે-અજગર હશે તો કનૈયો તેને મારશે.ચાલો અંદર જઈ જોઈએ.
બાળકોનો નિયમ છે કે-તે શ્રીકૃષ્ણ સિવાય ક્યાંય જતા નથી.કૃષ્ણ સાથે હોય તો તેમને બીક લાગતી નથી.

આજકાલ લોકો પાસે પૈસા (લક્ષ્મી) રાખે –તો તેમને શાંતિ મળે છે, તો પરમાત્માને (લક્ષ્મી-પતિને) રાખવાથી કેવી શાંતિ મળે? લોકો પૈસા સાથે રાખે છે પણ પરમાત્મા ને સાથે રાખતા નથી.
પરમાત્મા ને સાથે રાખવાના એટલે તેમની મૂર્તિ સાથે લઈને ફરવાનું તેવું નથી,પણ પરમાત્માના 
સાનિધ્યનો સતત અનુભવ કરવાનો છે.મનથી પરમાત્માનું સતત સ્મરણ કરવાનું છે.પરમાત્માને સાથે 
રાખી જે કામ કરે તેને પરમાત્મા શક્તિ આપે છે,સદ-બુદ્ધિ આપે છે.અને જેથી દરેક કાર્ય સફળ થાય છે.

બાળકોને નિષ્ઠા હે કે-અમારો કનૈયો અમારી સાથે હોય તો કોઈ ભય નથી,કોઈ વાંધો આવવાનો નથી.
શ્રીકૃષ્ણના મુખ સામે જોતાં,હસતાં અને તાળીઓ પાડતાં,ગોપબાળકો અજગરના મુખમાં,
(તે અજગર નું મુખ એક ગુફા છે,એમ સમજીને) પેસી ગયાં.
ગોપબાળકોને બચાવવા ભગવાન શ્રીકૃષ્ણે પણ અઘાસુર અજગરના પેટમાં પ્રવેશ કર્યો.
લખ્યું છે કે-અઘાસુરના પેટમાં પ્રવેશ કર્યો ત્યારે બાળકો તાળી પાડતાં પાડતાં ગયાં.

ભાગવતમાં સમાધિ ભાષા મુખ્ય છે,લૌકિક ભાષા ગૌણ છે. એટલે-
ભાગવતનો અર્થ –જેને સમાધિનો અભ્યાસ છે તે વધુ સારી રીતે સમજી શકે છે.
વિલાસીને ભાગવતનો અર્થ સમજવો થોડો મુશ્કેલ છે.
તાળી એ “નાદબ્રહ્મ” છે. તાળી પાડતાં બાળકો પહેલાં નાદબ્રહ્મમાં લય પામે છે અને પછી પરબ્રહ્મમાં.
નાદબ્રહ્મ અને નામબ્રહ્મ એક થાય એટલે પરબ્રહ્મ પ્રગટ થાય.

અઘાસુરના પેટમાં જઈ ભગવાને મહિમા-શક્તિથી શરીર વધાર્યું.અઘાસુરના પ્રાણ વ્યાકુળ થયા.
બ્રહ્મરંઘ્ર ફાડીને તેના પ્રાણ બહાર નીકળ્યા.અને બાળકો સાથે શ્રીકૃષ્ણ બહાર આવ્યા.
પરમ આશ્ચર્ય થયું છે,અઘાસુર શ્રીકૃષ્ણના ચરણમાં લીન થયો છે.
અઘાસુર નો અર્થ જોઈએ તો- અઘ=પાપ,અસુ=પ્રાણ અને -ર=રમે.
અઘાસુર એટલે કે પાપમાં જેના પ્રાણ રમે છે તે. અઘાસુર એ પાપનું સ્વરૂપ છે.
પાપ કરવામાં જે સુખ માને છે તે બધા અઘાસુર છે.

કેટલીકવાર જોવામાં આવે છે કે પાપી જીવ સુખી દેખાતો હોય અને પુણ્યશાળી જીવ દુઃખી દેખાતો હોય.
પણ એ કોઈ પૂર્વજન્મના પુણ્ય કે પાપ નું ફળ છે એમ માનવું.બાકી પાપનું પરિણામ –દુઃખ જ છે.પાપ કરનારો કોઈ દિવસ સુખી થયો નથી અને થવાનો નથી.પુણ્ય નું ફળ કદી પણ - દુઃખ નથી.
પાપ અને પુણ્ય નાં ફળ કાળાંતરે પણ મળે છે.
      PREVIOUS PAGE
     NEXT PAGE
   INDEX PAGE