Aug 18, 2020

ભાગવત રહસ્ય -૩૬૪

એક ગોપબાળક,કનૈયા ને કહે છે કે-લાલા,મારી મા એ તારા માટે જલેબી બનાવી છે.મારી મા ને ખબર છે કે લાલાને જલેબી બહુ ભાવે છે.લાલા,હું તારા માટે જલેબી લાવ્યો છું.બીજો બાળક કહે છે કે-કનૈયા,મારી મા એ તારા માટે બરફી બનાવી છે.તો વળી ત્રીજો કહે છે-કે-મારી મા એ તારા માટે દહીંવડાં બનાવ્યા છે.
કનૈયો કહે છે કે-હું એકલો નહિ ખાઉં,આપણે સર્વ સાથે મળીને વહેંચીને ખાઈએ.કનૈયો મિત્રો ને સમજાવે છે કે-એકલા કદી ના ખાવ.થોડું થોડું સર્વને આપો.પાસે જો થોડું હોય તો પણ થોડો ભાગ બીજા માટે કાઢી રાખવો અને આપવો.

ભોજન કરતાં કરતાં શ્રીકૃષ્ણ બાળકોને બોધ આપે છે,સાથે સાથે વિનોદ પણ કરે છે.
આ પ્રમાણે હસતાં હસતાં –ગમ્મત કરતાં બધાં બાળકોને શ્રીકૃષ્ણ જમાડે છે.અને સાથે બેસીને જમે છે.
સ્વર્ગના દેવતાઓ પણ આશ્ચર્યચકિત થઈને ભગવાનની આ અદભૂત લીલા જોઈ રહ્યા છે.
મનથી આંખો બંધ કરી આ લીલાના દર્શન કરવાનાં,કે-“લાલો બાળમિત્રો સાથે જમે છે,હું ઝાડની ઓથેથી લીલા નિહાળી રહ્યો છું,કનૈયો હાથ ઉંચો કરી ને મને બોલાવે છેઅને લાલાને હું ફળ(દ્રાક્ષ-વગેરે)ખવડાવું છું.”

જપ કરતાં પણ કેવળ આવી ભાવના કરવાથી ભક્તિનો રંગ લાગે છે અને આવા ચિંતનથી સમાધિ જેવો 
આનંદ મળે છે. આવી ભાવનાથી ભક્તિ ફળે છે,કનૈયો કૃપા કરે છે.
તન (શરીર) ગમે ત્યાં હોય પણ મનથી વૃંદાવનમાં જવાનું અને લાલાની લીલાના દર્શન કરવાના.

જ્ઞાનીઓ માને છે –કે -બ્રહ્મ (ઈશ્વર) નિર્વિકાર-નિર્ગુણ છે.તે કંઈ ખાતું નથી,ચાલતું નથી,આવતું નથી કે જતું નથી. જે જ્ઞાનીઓ કહે છે કે પરમાત્મા ખાતા નથી તેમને પોતાને તો ખાવું જ પડે છે.
એટલે પરમાત્મા કહે છે કે આ જ્ઞાનીઓના ઘેર રહી ને મારે નિત્ય એકાદશી (ઉપવાસ) કરવો પડે છે.
જ્ઞાનીઓ પોતે જમે છે અને મને ભૂખ્યો રાખે છે.નિરાકાર પરમાત્મા ખાતા નથી એ વેદાંતનો સિદ્ધાંત પણ દિવ્ય અને સાચો છે,પરમાત્મા તો વિશ્વંભર છે તે જગતને જમાડે છે તે પણ સાચું છે,પણ પરમાત્મા (સાકાર સ્વરૂપે) કોઈ વખત જમે છે એ પણ સાચું છે.

આ વ્રજ બાળકોમાં મધુમંગલ નામનો એક બ્રાહ્મણનો છોકરો પણ આવતો હતો,તેની ઉંમર ચાર વર્ષની હતી.મધુમંગલ શાંડિલ્યઋષિ અને પૂર્ણમાસીનો પુત્ર છે.એક વખત કનૈયો મધુમંગલની પાછળ પડ્યો.અને તેને કહે છે-કે-તું રોજ અમારા ઘરનું ખાય છે પણ તારા ઘરનું કોઈ દિવસ ખવડાવતો નથી.મારે આજે તારા ઘરનું ખાવું છે.તારે ઘેર જા અને જે કંઈ હોય તે લઇ આવ.

ભક્તિ એની સફળ છે કે પરમાત્મા જેના ઘરનું માગી ને ખાય છે.શાંડિલ્યઋષિ મહાન તપસ્વી,ત્રિકાળ સંધ્યા કરનાર પવિત્ર બ્રાહ્મણ છે. સવારમાં બ્રાહ્મમુહૂર્તમાં ઉઠતા પણ રાતે આઠ વાગે તેમનું નિત્ય કર્મ પુરુ થાય.
પ્રાતઃસંધ્યા,ગાયત્રીની ચોવીસ માળા.પંચદેવોનો અભિષેક,ગણપતિનો અભિષેક,દેવો અને લક્ષ્મીનારાયણનું પૂજન ..ત્યાં બાર વાગી જાય.એટલે વિશ્વદેવ યજ્ઞ,હોમ,મધ્યાહ્ન સંધ્યા,તે પછી વિષ્ણુ સહસ્ત્રનો પાઠ,
ભાગવત નો પાઠ,અને એકવીશ હજાર નામ જપ કરે ત્યાં સુધી સંધ્યાનો સમય થઇ જાય.
જમવાનો સમય મળતો નથી એટલે રાતે એક વખત ફળાહાર-દૂધનો આહાર કરી સૂઈ જાય.
      PREVIOUS PAGE
     NEXT PAGE
   INDEX PAGE