Sep 2, 2020

ભાગવત રહસ્ય -૩૭૯

હવે ગોવર્ધનલીલાનો પ્રારંભ થાય છે.ગોવર્ધનલીલા પછી રાસલીલા આવે છે.શ્રીકૃષ્ણે સાતમે વર્ષે ગોવર્ધનલીલા અને આઠમે વર્ષે રાસલીલા કરી એવું ભાગવતમાં લખ્યું છે.
ગોવર્ધન લીલા ના થાય ત્યાં સુધી ભગવાન રાસ રમતા નથી.ગો એટલે ભક્તિ-ગો એટલે જ્ઞાન. જ્ઞાન અને ભક્તિ ને વધારનારી લીલા એ –ગોવર્ધનલીલા.

મનુષ્યમાં જ્ઞાન વધ્યું છે .....એવી કેવી રીતે ખબર પડે ? તો કહે છે કે-જયારે દ્રવ્યની આસક્તિ છૂટે,કામસુખની મનથી ધૃણા આવે,સ્ત્રીત્વ અને પુરુષત્વનું ભાન ભુલાય –ત્યારે જ્ઞાન વધ્યું છે તેમ જાણવું.જ્ઞાન અને ભક્તિ વધે ત્યારે દ્રવ્યનો મોહ છૂટે છે,શરીરનો મોહ છૂટે છે, શરીરનું ભાન ભુલાય છે-
અને ત્યારે જ રાસલીલા માં પ્રવેશ મળે છે.ગોવર્ધનલીલામાં જ્ઞાન અને ભક્તિ વધારવાના ઉપાયો બતાવ્યા છે.

કેટલાક બહુ પુસ્તકો વાંચે છે,પણ વાંચેલું વિચારતા નથી,વિચારીને જીવન માં ઉતારતા નથી.તે જ્ઞાન નથી.
કેટલાક કથા બહુ સાંભળે છે, પણ કોઈ સાધન કરતા નથી,માત્ર સાંભળેલું જ્ઞાન નકામું છે.
ઘણા લોકો હવાફેર કરવા હિલ-સ્ટેશન જાય છે, ને હવાફેર કરવાથી જેમ શરીરમાં શક્તિ વધે છે,
તેમ-વિલાસી લોકો નો સંગ છોડવાથી અને વિરક્ત મહાત્માઓનો સત્સંગ કરવાથી,ભક્તિ વધે છે.
વિરકત મહાત્માઓના સત્સંગથી વૈરાગ્ય આવે છે.

જ્ઞાન ને ભક્તિ વધારવા ધીમે ધીમે પ્રવૃત્તિ ઓછી કરીને થોડી થોડી નિવૃત્તિ લેવાની.
મહાત્માઓ કહે છે-કે-વરસના અગિયાર મહિના ભલે નોકરી ધંધો કરો પણ એક માસ નર્મદા કિનારે કે 
ગંગા કિનારે રહી જપ-ધ્યાન-કીર્તન કરો.એકાંતમાં રહીને ધ્યાન કરવાથી,કે કોઈ સાધન કરવાથી,
તે સાધન તમારું રક્ષણ કરશે, અને ધીરે ધીરે સંસારિક સુખો પર ધૃણા આવશે.
જ્ઞાન અને ભક્તિ વધારવા ગોપ-ગોપીઓ ઘર છોડી ગિરિરાજમાં ગયા છે.

ગૃહસ્થના ઘરની ભૂમિ - એ ભોગ ભૂમિ છે.ગૃહસ્થના ઘરમાં કામના પરમાણુઓ ફરતા હોય છે.
ગૃહસ્થને ઘરમાં,પત્નીમાં,પુત્રમાં,પુત્રના પુત્રમાં,દ્રવ્યમાં-વગેરેમાં મમતા (આસક્તિ) હોય છે.
મમતા હોય ત્યાં વિષમતા આવે છે. (આ મારું છે-આ તારું છે).વિષમતા આવે એટલે પાપ થાય છે.
ઘરમાં ભક્તિ થાય છે પણ ભક્તિ વધતી નથી.સાત્વિક ભૂમિમાં ભક્તિ વધે છે.
ઘરમાં કામ ના –વાસનાના પરમાણુઓ ફરે છે,તેથી મન ચંચળ થાય છે.મન ચંચળ થાય એટલે ભક્તિ થતી નથી. ગૃહસ્થાશ્રમનું વાતાવરણ જ્ઞાન-ભક્તિ-વૈરાગ્યમાં વિઘ્ન કરનારું છે.

તેથી મહાત્માઓ કહે છે કે-વર્ષમાં એકાદ મહિનો કોઈ પવિત્ર તીર્થ-સ્થળમાં જાવ,
સાદું ભીજન લઇ સતત ભક્તિ કરો.ઘરની ચિંતા કરશો નહિ,ઘરને યાદ કરશો નહિ.
ભગવાન માટે ઘરને છોડીને જાવ –ત્યારે ભગવાન પર સંપૂર્ણ વિશ્વાસ રાખો.
“મારું કંઈ ઓછું થવાનું નથી,કશું લુંટાઈ જવાનું નથી,પરમાત્મા મારું રક્ષણ કરશે”
મનુષ્ય ,મનુષ્યનો વિશ્વાસ રાખે છે પણ પરમાત્માનો વિશ્વાસ રાખતો નથી,તેથી દુઃખી થાય છે.

      PREVIOUS PAGE
     NEXT PAGE
   INDEX PAGE