Oct 8, 2020

ભાગવત રહસ્ય -૪૧૨

જે સ્વરૂપ ને અંદર છુપાવી રાખે તે અંતર્હિત....
ગોપીઓને અંદરનો આનંદ આપવા-વિયોગનો આનંદ આપવા,પ્રભુ અંતર્હિત થયા છે.
વિયોગમાં થોડું દુઃખ થાય તો પછી સંયોગમાં આનંદ થાય છે.
શ્રીકૃષ્ણના આનંદ-સ્વ-રૂપનો આસ્વાદ લેનાર ગોપી છે.પ્રભુ અંદરથી,તો ગોપીઓનું  હિત કરવા તેમની સાથે રમતા હતા.પણ જ્યાં શ્રીકૃષ્ણે જોયું કે ગોપી હવે મને જોતી નથી,પણ પોતાને જુએ છે,તેને હવે ક્યાં મારી જરૂર છે ?

એટલે ત્યાંથી અંતર્ધાન થયા છે.ભગવાન તો ત્યાંજ હતા,પણ ગોપીઓને તે દેખાતા નથી.
અંતર્ધાન થયા એટલે શ્રીકૃષ્ણે ગોપીઓના હૃદયમાં પ્રવેશ કર્યો.જે પરમાત્મા બહાર રમતા હતા તેમણે હૃદયમાં પ્રવેશ કર્યો,પણ ગોપી હવે ત્યાં હૃદયમાં શોધવાને બદલે શ્રીકૃષ્ણને બહાર શોધવા લાગી.!!!!

જવું અને આવવું એ ક્રિયા ઈશ્વરથી થઇ શકતી નથી.કારણકે તે તો સર્વવ્યાપક છે.
જે સર્વવ્યાપક છે તે ક્યાં જાય? અને ક્યાં આવે?
ઈશ્વર આપણી પાસે જ છે પણ “વાસના” તેમના સ્વ-રૂપને ઢાંકે છે.
જીવ ઈશ્વરની સન્મુખ જો ના આવે તો પરમાત્મા તે જીવને કેવી રીતે અપનાવે ?

ગોપીઓ જેવી પરમાત્માથી વિમુખ થાય છે તો પરમાત્મા તેમને દેખાતા નથી.
ગોપીઓની ભૂલ છે કે-તે શ્રીકૃષ્ણ ને બહાર શોધે છે.તેઓ ઝાડ ને લતાને પૂછે છે કે કૃષ્ણ ક્યાં છે ?

વિયોગમાં ધ્યાનમાં તન્મયતા થાય છે,તન્મયતા થયા પછી ઈશ્વરનું એક જ સ્વરૂપ દેખાય છે.
વિયોગ એટલે વિશિષ્ટ-યોગ.બહિરંગમાં વિયોગ પણ અંતરંગમાં સંયોગ.
ગોપીઓનું મન શ્રીકૃષ્ણમાં છે,વૃત્તિ કૃષ્ણાકાર હોવાથી અંતરંગમાં સંયોગ છે,બહિરંગમાં વિયોગ છે.

વ્યાકુળ થયેલી ગોપીઓ શ્રીકૃષ્ણની લીલાઓનું ચિંતન કરે છે.શ્રીકૃષ્ણનું કીર્તન કરતાં કરતાં,
હવે તેને ઝાડ,લતા અને સર્વમાં કૃષ્ણના દર્શન થાય છે.અને શ્રીકૃષ્ણમાં એવી તન્મય થઇ ગઈ છે કે-
એ તન્મયતામાં તેને ભાન થાય છે કે-“હું જ કૃષ્ણ છું,સર્વ કૃષ્ણ છે,બીજું કાંઇ નથી.”
“લાલી દેખન મૈ ગઈ,મૈ ભી હો ગઈ લાલ”
આ જ્ઞાનની ભૂમિકા છે.આ ધ્યાનની પરાકાષ્ઠા છે.ધ્યાનનું ફળ છે.
ધ્યાન કરતાં કરતાં સંસારનું વિસ્મરણ થાય છે,અને ધ્યાનમાં તન્મયતા આવે ત્યારે “હું પણું” ભુલાય છે.
પછી ધ્યાતા (ધ્યાન કરનાર),ધ્યાન (ઈશ્વર નું ધ્યાન) અને ધ્યેય (ઈશ્વર) એક બને છે,તે જ મુક્તિ છે.

પહેલાં ગોપીઓએ શ્રીકૃષ્ણ ને કહેલું કે અમે તમારી દાસીઓ છીએ.એટલે પહેલાં “દાસોહમ” થયું  હતું.
પણ હવે જયારે ગોપીઓ કહે છે કે “હું જ કૃષ્ણ છું” એટલે હવે “કૃષ્ણોહમ” થયું.
જે સર્વમાં શ્રીકૃષ્ણના દર્શન કરે છે તેને પોતાનામાં પણ (પોતાની અંદર) કૃષ્ણ દેખાય છે.

દરેક દેવોએ પશુઓને પોતાના વાહન કેમ બનાવ્યા હશે ?
મનુષ્ય ને પશુ-પક્ષીમાં પણ ઈશ્વરની ભાવના કરવાની સમજ પડે - તે માટે,
પહેલાં તો દરેક માં (સર્વમાં) ઈશ્વરની ભાવના કરવાની,સર્વમાં ઈશ્વરનો અનુભવ કરવાનો,
અને આવો અનુભવ કરનાર પોતે પણ ઈશ્વરમય બની ઈશ્વર બને છે.
ગોપીના મુખ પર શ્રીકૃષ્ણ ના જેવું જ તેજ આવ્યું છે.

      PREVIOUS PAGE
     NEXT PAGE
   INDEX PAGE