Jan 7, 2022

Gujarati-Ramayan-Rahasya--ગુજરાતી-રામાયણ-રહસ્ય-૧૬૯

હનુમાનજી હજુ લંકામાં પ્રવેશ કરે જ છે ત્યાં-લંકિની નામની રાક્ષસીએ તેમને રોક્યા-'એઈ,વનચર,મારી રજા વગર ક્યાં જાય છે ચાલ,મારો કોળિયો થઇ જા'
હનુમાનજીએ પૂછ્યું કે-કોણ છે તું વળી?
લંકિની કહે-હું લંકાની અધિષ્ઠાત્રી દેવી છું,લંકાનું રક્ષણ કરવાની જવાદારી મારી છે,
હું કોઈ ચોરને લંકામાં ઘુસવા દેતી નથી,ચોરને પકડીને ખાઈ જવાનો મારો નિયમ છે.

હનુમાનજી કહે છે કે-હું તો માત્ર શહેર જોવા આવ્યો છું,જોઈને પાછો ચાલ્યો જઈશ મને જવાદે.
લંકિનીએ આ જવાબમાં હનુમાનજીને લપડાક લગાવીને ચોપડાવી-“ઉભો રહે ચોરટા”
મોટો ચોર તો રાવણ-કે જેને સીતાજીની ચોરી કરી અને તે ચોરની નોકરડીએ પોતાને ચોર કહીને લપડાક લગાવી,-તે હનુમાનજીથી કેમ સહન થાય? તેમણે તે લપડાકના જવાબમાં ડાબા હાથનો એક મુષ્ટિ-પ્રહાર કર્યો.
તે બીજા પ્રહારની જરૂર જ ના રહી,લંકિની ધૂળ ચાટતી થઇ ગઈ. તેના મુખમાંથી લોહી નીકળવા માંડ્યું.
ને જાણે એકદમ લંકિનીમાં કોઈ ફેરફાર થઇ ગયો,તે હાથ જોડી કરગરવા લાગી,ને કહેવા લાગી-
હે વીર,વાનર,તું મને હણતો નહિ.હું મારી હાર કબૂલ કરું છું.

હનુમાનજી એ તેને છોડી દીધી,પછી લંકિની કહેવા લાગી કે-મને બ્રહ્માજીએ એવું કહ્યું હતું કે-
કોઈ વાનર તને જીતે,ત્યારે જાણજે કે-રાક્ષસોનો કાળ પેદા થયો છે.તેમનો અંત નજીક હશે.
મને આજે ખાતરી થઇ ગઈ છે કે-સીતાજીનું હરણ કરીને રાવણે પોતાનો વિનાશ નોતર્યો છે.
તું રામનો દૂત છે અને તારા એક ઘડીના સત્સંગથી મારામાં રામ-ભક્તિ જાગી છે.

'તાત,મોર અતિ પુન્ય બહુતા.' મને આજે આનંદનો અનુભવ થયો છે.સ્વર્ગનું અને મોક્ષનું સુખ મને આની આગળ તુચ્છ લાગે છે.તું ખુશીથી લંકા-પુરીમાં દાખલ થા.તને ઉપદેશ કરવાને હું લાયક નથી,પણ ઘડીકના તારા સત્સંગથી હું ધન્ય થઇ છું,અને એ સત્સંગથી જે જ્ઞાન મારામાં સ્ફૂર્યું છે તે મને જે કહેવાનું કહે છે તે હું બોલું છું.
શ્રીરામને અંતરમાં રાખીને ડગલું ભરજે. શ્રીરામનું સ્મરણ કરતાં વિષ પણ અમૃતમય બની જશે,
શત્રુ-એ મિત્ર બની જશે,સમુદ્ર-એ ગાયની ખરી જેવડો થઈ જશે અને પહાડ એ રજ જેવડો બની જશે.

લંકિની, અહીં,આજે, હનુમાનજી ના “મુષ્ટિ-પ્રહાર” ને “સત્સંગ” કહે છે.
અને તે સત્સંગની અસર તો જુઓ!! હવે તે હનુમાનજીને ભલે ભોળા ભાવે –પણ-બોધ આપે છે.
પણ હનુમાનજી ને બોધ આપવા કોણ સમર્થ છે?હનુમાનજી તો સકળ વિદ્યાના આચાર્ય છે.
કદાચ લંકિનીના મનમાં એવું હશે કે-લંકામાં હનુમાન,રાક્ષસ-રાક્ષસીઓનો વિહાર જુએ તો,
એના આંખમાં વિકાર આવે,તેથી તેમને ચેતવવા બોધ આપે છે.

એકાંતમાં બેસી બ્રહ્મ-ચિંતન કરવું સહેલું છે,પણ સમાજમાં વિલાસી લોકોની વચ્ચે રહીને નિર્વિકાર રહેવું 
અઘરું છે.શરીરથી પાપ ના થાય તો આંખથી પાપ થવાનો સંભવ-કે-ભય રહે છે.
આંખ એ પાપનું પ્રવેશ-દ્વાર છે.માટે શાસ્ત્રોમાં આંખને ખૂબ સાચવવાનું કહ્યું છે.

હનુમાનજી સૂક્ષ્મ-રૂપે ઘેર ઘેર તપાસ કરે છે.તેમણે રાવણના બધા મહેલો જોઈ નાખ્યા.
પણ ક્યાંય સીતાજી દેખાયા નહિ.ત્યાંથી તે ઇન્દ્રજીતના મહેલમાં આવ્યા.ઇન્દ્રજીતની પત્ની
સુલોચનાને જોઈ તેમને થયું કે-કદાચ આ જ સીતાજી હશે.
શોધ સફળ થઇ-એવું વિચારીને તે ગેલમાં આવી ગયા,પણ તરત જ વિચારવા લાગ્યા કે-
રામના વિયોગમાં સીતાજી આમ પલંગમાં પોઢે નહિ.

એટલે પછી ફરીથી તેમણે તપાસ આદરી.સીતાજીને શોધ્યા વગર,જંપીને બેસવું નહિ તેવો તેમનો નિર્ધાર હતો,એવામાં એમને એક મકાન જોયું,કે જેના આંગણામાં તુલસી ક્યારો હતો,એમને એ મકાનમાં પ્રવેશ કર્યો.
તો ત્યાં તેમને “રામ-રામ” નો ઉચ્ચાર સંભળાયો.
તે ઘર વિભીષણનું હતું.,બ્રાહ્મ-મુહૂર્તમાં વિભીષણ ઉઠીને ભગવાનનું નામ લઈને પથારીનો ત્યાગ કરતા હતા,હનુમાનજીને થયું કે-આ તો કોઈ સાધુ-પુરુષ લાગે છે,આવાની તો સામે ચાલીને ઓળખાણ કરવી જોઈએ.કારણ સાધુપુરુષ કોઈને હાનિ કરતો નથી.

PREVIOUS PAGE         INDEX PAGE           NEXT PAGE