Nov 20, 2017

પતંજલિના યોગસૂત્રો-2-Yogsutra of Patanjali-Gujarati

"મન" ની આ ક્રિયા સામે "બુદ્ધિ" પ્રતિ-ક્રિયા કરે છે.
અને આ "પ્રતિક્રિયા" ની સાથે-સાથે "હું" (અહમ) એવી "ભાવના" નું "સ્ફુરણ" થાય છે.
(અહીં આપેલા ઉદાહરણ મુજબ "મેં દૃશ્ય જોયું" "હું દૃશ્ય ને જોઈ શકું છું" તેમ)

હવે, આ ક્રિયા (મનની) અને પ્રતિક્રિયા (બુદ્ધિની) -એ બંને નું મિશ્રણ-"પુરુષ" (આત્મા) ની આગળ રજુ થાય છે,અને તે (આત્મા) આ મિશ્રણ ને "પદાર્થ-રૂપે" અનુભવે છે.



એટલે એમ પણ કહી શકાય કે-જેને "ચિત્ત" કહેવામાં આવે છે-તે
તે ઉપર દર્શાવ્યા મુજબ-અંતઃકરણ (ઇન્દ્રિયો-મન-બુદ્ધિ-અહંકાર) એટલે
અંતર-દ્રવ્યો (કેમિકલ) ની જુદી જુદી પ્રક્રિયાઓ જ છે.(જોવું-સાંભળવું-વગેરે-પ્રક્રિયાઓ)
આ થઇ ચિત્ત ની સાદી સમજ....

હવે "વૃત્તિઓ"  એટલે શું?
વૃત્તિ નો સાદો અર્થ થાય છે "વમળ" કે "તરંગ" (Wave)
"ચિત્ત" ની અંદર ઉઠતા "વિચાર તરંગો" ને "વૃત્તિઓ" કહેવામાં આવે છે.

હવે પ્રશ્ન થાય કે-"વિચાર શું છે? વિચાર તરંગો શું છે?"

તો-"વિચાર" એક "બળ" (શક્તિ) છે.
(જેવી રીતે ગુરુત્વાકર્ષણ-બળ છે તેવું-એક બળ-શક્તિ)
કુદરત (પ્રકૃતિ) માં રહેલા "બળ (શક્તિ) ના અનંત ભંડાર" માંથી,
"ચિત્ત" (મન)  થોડુંક "બળ" લઈને પોતાનામાં સમાવે છે,
ને તે બળને "વિચાર-રૂપે"  (વિચાર-રૂપી તરંગ-રૂપે) બહાર કાઢે છે.

સામાન્ય રીતે "અન્ન" દ્વારા આપણે (શરીર) શક્તિ (બળ) મેળવીએ છીએ,
અને તે બળમાંથી શરીર હાલવા-ચાલવા જેવી શક્તિ (બળ) કરે છે.(બળ ને બહાર કાઢે છે)
એવી જ રીતે -મન-વધુ સૂક્ષ્મ બળો ને જેને આપણે "વિચાર" કહીએ છીએ-
તે વિચાર-રૂપે બહાર કાઢે છે.

આમ મન એ ચેતનવંતુ નથી પણ તે એક-સાધન છે,કે જે બાહ્ય જગતને (બળને) ગ્રહણ કરે છે,
ચેતનવંતુ બને છે (તરંગ-મય બને છે) અને ચેતનવંતુ હોય તેવું દેખાય છે.
વળી શરીરની અંદર "આત્મા" પણ તે (મન) ની પાછળ રહેલો છે,તેથી પણ તે ચેતનવંતુ દેખાય છે.

જેવી રીતે શાંત પાણીમાં પથ્થર ફેંકવાની "ક્રિયા" કરવામાં આવે તો,
પાણીમાં "પ્રતિ-ક્રિયા" રૂપે "તરંગ" પેદા થાય છે.
તેવી રીતે બાહ્ય-જગત કે જે "સત્યમાં" એક "અજ્ઞાત-કે અજ્ઞેય" છે.
(અનુભવ ના હોય ત્યાં સુધી અસ્તિત્વ વિનાનું છે,જેમ કે બાળક ને માટે ચૂલાનો અગ્નિ  એ અજ્ઞાત
હોવાથી તે ચૂલામાં હાથ નાખે છે.)
તે  બાહ્ય-જગત  (સંસાર) કોઈ વસ્તુ ને "સૂચન-રૂપે"  (ક્રિયા-રૂપે) મન પર આઘાત (પથ્થર) ફેંકે છે.
અને મન તેની પ્રતિક્રિયા કરે છે.અને જગત (સંસાર) નુ અસ્તિત્વ પેદા થાય છે.