Nov 1, 2014

પતંજલિના યોગસૂત્રો-19-Yogsutra of Patanjali-Gujarati

  • विशोका वा ज्योतिष्मती  (૩૬)

અથવા--- શોક-માત્ર થી પર એવી "જ્યોતિ" નુ ધ્યાન કરવાથી,(સમાધિ પ્રાપ્ત થાય છે.) (૩૬)

આ સમાધિ માટેની એક બીજા પ્રકારની રીત છે.યોગીઓ કહે છે કે-હૃદય ની કમળ-રૂપે કલ્પના કરો,
અને તે કમળ ની અંદર એક ઝળહળતી "જ્યોત" છે તેવી કલ્પના કરી તે જ્યોતનું ધ્યાન કરો.
કલ્પના કરો કે-હૃદય-કમળ ની વચમાં થી સુષુમ્ણા જાય છે,અને તે કમળ ની પાંખડીઓ નીચેની
બાજુ ઢળેલી (શ્વાસ ને અંદર લેતી વખતે) છે.અને શ્વાસ ને બહાર કાઢતી વખતે,તે કમળ ની પાંખડી ઓ
ઉંચી (ઉર્ધ્વ-મુખી) થઇ છે.ને તે કમળ ની મધ્યમાં "જ્યોતિ" રહેલી છે તેનું ધ્યાન કરો.
કોઈ યોગીઓ બે ભ્રમર ની મધ્યમાં (કપાળમાં) જ્યોતિ ની કલ્પના કરવાનું કહે છે.

  • वीतरागविषयं वा चित्तम् (૩૭)

અથવા---વિષયો પ્રત્યે વિતરાગ બનેલા હૃદય પર ધ્યાન કરવાથી,(સમાધિ પ્રાપ્ત થાય છે)  (૩૭)

યોગીઓ કહે છે કે-કોઈ પવિત્ર-વિતરાગી એવા સંત-મહાત્મા કે જેમની તરફ તમને પૂજ્ય-ભાવ હોય,
તેમના પવિત્ર હૃદય નું ચિંતન પોતાના હૃદયમાં કરવાથી હૃદય આસક્તિ-રહિત થાય છે,
અને આવા આસક્તિ રહિત હૃદય નું ધ્યાન કરવાથી,મન શાંત થઇ સમાધિ પ્રાપ્ત થાય છે.
જો આમ ના બની શકે તો "ધ્યાન" નો બીજો પ્રકાર નીચે મુજબ છે.

  • स्वप्ननिद्राज्ञानालम्बनं वा  (૩૮)

અથવા---સ્વપ્નમાં જે જ્ઞાન આવે છે તેના પર ધ્યાન કરવાથી, (સમાધિ પ્રાપ્ત થાય છે)  (૩૮)

કેટલીક વાર મનુષ્યને એવું સ્વપ્ન આવે-કે જાણે દેવતાઓ તેની તરફ આવી રહ્યા છે,કે વાતો કરી રહ્યા છે,
અથવા તો કોઈ એવી આનંદ-સભર  ભાવ અવસ્થામાં હવામાં લહેરાતું કોઈ સંગીત પોતે સાંભળી રહ્યો છે,
અને પોતે કોઈ એવી આનંદમય અવસ્થામાં ડૂબેલો છે,કે જેમાંથી તે જાગી ઉઠે તો તે અવસ્થા ઘણી ઊંડી
અસર મુકતી જાય છે.આવી આનંદ-મય અવસ્થા ને યાદ કરી તેના પર ધ્યાન કરી શકાય.

  • यथाभिमतध्यानाद् वा (૩૯)

અથવા મન-ગમતી કોઈ પણ વસ્તુ પર ધ્યાન કરવાથી.(સમાધિ પ્રાપ્ત થાય છે) (૩૯)

મનગમતી વસ્તુ એટલે કોઈ અનિષ્ટ વસ્તુ નહિ,પણ ગમતી હોય તેવી શુભ (સારી) વસ્તુ,શુભ વિચાર કે
કોઈ નૈસર્ગિક દૃશ્ય-એવી કોઈ પણ વસ્તુ કે બાબત જે મન ને એકાગ્ર કરે તેની પર ધ્યાન કરી શકાય.

  • परमाणु परममहत्त्वान्तोऽस्य वशीकारः (૪૦)

આ રીતે ધારણા કરતુ યોગીનું મન પરમાણુથી માંડી ને પરમ-મહત્ સુધી
કોઈ પણ વસ્તુ પર ધ્યાન કરી શકે છે.(૪૦)
અભ્યાસથી આમ મન નાનામાં નાની વસ્તુથી માંડીને મોટામાં મોટી વસ્તુ સુધી
સહેલાઈ થી ધ્યાન કરી શકે છે.અને તેથી-મન ની વૃત્તિઓ ક્ષીણ થતી જાય છે.

  PREVIOUS PAGE           
        NEXT PAGE       
     INDEX PAGE