Dec 15, 2014

પતંજલિના યોગસૂત્રો-63-Yogsutra of Patanjali-Gujarati

  • ततः क्लेशकर्मनिवृत्तिः (૩૦)

કે જેનાથી કલેશ અને કર્મ ની નિવૃત્તિ થાય છે. (૩૦)

જયારે "ધર્મ-મેઘ" સમાધિ પ્રાપ્ત થાય છે,ત્યારે યોગી ને પતન નો ભય રહેતો નથી.કોઈ પણ વસ્તુ તેને
નીચે ખેંચી શકતી નથી.એને માટે કશું અનિષ્ટ રહેતું નથી.કે કશું દુઃખ રહેતું નથી,

  • तदा सर्वावरणमलापेतस्य ज्ञानस्याऽनन्त्याज्ज्ञेयम् अल्पम् (૩૧)

ત્યારે સર્વ આવરણ અને મળ દૂર થતાં જ્ઞાન અનંત થાય છે અને તેથી જ્ઞેય અલ્પ બને છે (૩૧)

જ્ઞાન તો પોતે ત્યાંજ રહેલું છે પણ તેના પર નું આવરણ દૂર થાય છે.અને તેથી,
જ્ઞેય-વિષયો સાથેનું સમસ્ત જગત પુરુષ ની પાસે નહીવત થઇ જાય છે.
સાધારણ મનુષ્ય પોતાને બહુ જ અલ્પ માને છે,કારણકે તેને મન જ્ઞેય-વિશ્વ અનંત લાગે છે.

  • ततः कृतार्थानां परिणामक्रमपरिसमाप्तिर्गुणानाम् (૩૨)

ત્યારે લક્ષ્યમાં પહોંચી ગયેલા હોવાને લીધે,ગુણો ની પરિણામ-પરંપરા સમાપ્ત થાય છે.(૩૨)

  • क्षणप्रतियोगी परिणामापरान्तनिग्रार्ह्यः क्रमः (૩૩)

ક્ષણો ની સાથે સંબંધિત અને પરિવર્તનો ની પરંપરાને બીજે  છેડે જેનો અનુભવ થાય છે તેને ક્રમ કહે છે (૩૩)

"ક્રમ" ની વ્યાખ્યા આપતાં પતંજલિ કહે છે કે-ક્રમ એટલે ક્ષણો ની સાથે સંબંધિત થઈને રહે છે તે પરિવર્તનો.
જયારે મનુષ્ય વિચાર કરે છે ત્યારે -તે અરસામાં ઘણી ક્ષણો ચાલી જાય છે,અને ક્ષણ ની સાથે વિચાર પણ
બદલાય છે.અને આ ફેરફારો ને માત્ર "એક-પરંપરા" ના "છેડે"પારખી શકાય છે.કે જેને ક્રમ કહે છે.

પરંતુ જે ચિત્ત સર્વ-વ્યાપકતા ની સ્થિતિએ પહોંચ્યું હોય તેને માટે ક્રમ હોતો જ નથી.
તેને માટે સર્વ-કંઈ વર્તમાન બની ગયું છે,તેની પાસે એક માત્ર વાતમાં ની જ હયાતિ છે.
ભૂતકાળ અને ભવિષ્યકાળ અદૃશ્ય થઇ જાય છે,કાળ સ્થગિત થઇ રહે છે,અને
સઘળું જ્ઞાન એક ક્ષણમાંજ થઇ જાય છે.સર્વ કંઈ એક ચમકારા ની પેઠે જણાય છે.

  • पुरुषार्थशून्यानां गुणानां प्रतिप्रसवः कैवल्यं, स्वरूपप्रतिष्ठा वा चितिशक्तिरेति (૩૪)

"કૈવલ્ય" એટલે "પુરુષ" (આત્મા) માટેની ઉપયોગિતાથી રહિત થયેલા ગુણો નો ઉલટા ક્રમમાં લય (પ્રતિલોમ) -અથવા- "ચિત્ત શક્તિ ની પોતાના સ્વરૂપમાં પ્રતિષ્ઠા"

હવે હેતાળ માતા -પ્રકૃતિ નું નિસ્વાર્થ કાર્ય પુરુ થયું,કે જે તેણે પોતાને માથે લીધું હતું.
પોતાના સ્વરૂપ ને વિસરી ગયેલા જીવાત્મા નો જાણે કે હાથ ઝાલીને તેણે જુદાંજુદાં શરીરો દ્વારા
ઉંચો ને ઉંચો લઈ જઈને જગતમાં ના સઘળાં અનુભવો કરાવી,સઘળા રૂપો બતાવ્યા.અને-
અંતે-તેનો ભૂલાઈ ગયેલો મહિમા તેને પ્રાપ્ત કરાવ્યો.સ્વ-રૂપ ની સ્મૃતિ કરાવી.

ત્યાર પછી તે હેતાળ મા જે રસ્તે થઈને આવી હતી તે જ રસ્તે પછી વળી ગઈ અને જિંદગીના વેરણ રણમાં
ભુલા પડી ગયેલ બીજા જીવાત્માઓને માર્ગ દર્શન કરવામાં લાગી ગઈ.
અને આ રીતે અનાદિ કાળથી તે અનંત-કાળ સુધી આમ કામ કર્યા જ કરે છે.

આ રીતે સુખ-દુઃખમાં થઈને,શુભાશુભ માં થઈને જીવાત્માઓના અનંત પ્રવાહ -
પૂર્ણત્વ ના મહાસાગર માં -આત્મ-સાક્ષાત્કાર ના મહાસાગરમાં વહ્યા જ કરે છે.

જેમણે પોતાના સ્વ-રૂપ નો સાક્ષાત્કાર કર્યો છે તેમનો જય હો..
આપણા સર્વ પર તેમના આશીર્વાદ હો.......



કૈવલ્યપાદ સમાપ્ત


   PREVIOUS PAGE     
        NEXT PAGE       
     INDEX PAGE