Mar 5, 2015

Yog-Vashisth-Gujarati-યોગવાશિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-99



લીલા કહે છે કે-હે,દેવી,તમે આવી ખોટી વાત કેમ કરી? મને તો આ વાત ખોટી લાગે છે-કારણકે-
ક્યાં,પોતાના ઘરમાં રહેલો બ્રાહ્મણ નો જીવ અને ક્યાં અહીં રહેલા એવા અમે?
એ જોડાં ની અને અમારી એકતા સંભવે જ કેમ? વળી,
મેં સમાધિમાં જે નવી સૃષ્ટિ જોઈ,તે આ ઘરમાં બેસીને જ જોઈ છે.તો -એ વાત પણ કેમ સંભવે?

જેમાં મારા સ્વામી રહ્યા છે,તે પરલોક,તે પૃથ્વી,તે પર્વતો,અને દશે દિશાઓ -
આ ઘરની અંદર રહેલાં પણ સંભવે જ કેમ? હે દેવી,આ વાત મારા મનમાં ઠસતી નથી,
માટે તે તમે મારા મનમાં ઠસી જાય તેવી રીતે મને કહો.
(See Note at Bottom)

દેવી કહે છે કે-હે,સુંદરી,હું ખોટી વાત કરતી જ નથી.પણ યથાર્થ જ કહું છું.સાચું બોલવાના જે વેદોક્ત
નિયમો છે,તેણે અમે તોડીએ જ નહિ.જે મર્યાદા ને જો બીજો કોઈ તોડવા પ્રયત્ન કરે તો હું તે મર્યાદાને
સ્થાપિત કરું છું,પછી તે મર્યાદાને હું જ તોડું તો બીજું કોણ પાળે?

એ પહાડી ગામના બ્રાહ્મણ નો જીવ ચિદ્રુપ (ચિત્ત-રૂપ કે મન-રૂપ) છે અને
તે પોતાના હૃદયકાશમાં પોતાના ઘરમાં જ આ  મોટા દેશને જોઈ શકે છે.
હે,સુંદરી,જેમ જાગ્રત ની સ્મૃતિ લુપ્ત થઈને સ્વપ્નમાં બીજા પ્રકારની સ્મૃતિ થાય છે,
તેમ તમને આગળની સ્મૃતિ લુપ્ત (મરણ) થઈને -બીજા પ્રકારની સ્મૃતિ થઇ છે.
સ્મૃતિ નો લોપ થવો (લુપ્ત થવું) એ જ મરણ છે.

જેમ સંકલ્પમાં અને અરીસામાં આખી પુથ્વી રહે છે,તેમ પર્વતો,વનો અને નગરવાળી આ પૃથ્વી -તે-
બ્રાહ્મણ ના ઘરની અંદર જ રહી છે.આ તારું ઘર પણ એ બ્રાહ્મણ ના ઘરના આકાશમાં જ રહ્યું છે.
હું,તું અને બ્રહ્માંડ એ સઘળાં કેવળ ચિદાકાશ-રૂપ (ચિત્ત-આકાશ કે મન-આકાશ) જ છીએ. એમ સમજ.

સઘળા પ્રપંચ (માયા) નું "મિથ્યા-પણું" સમજવામાં તથા અધિષ્ઠાન -ચૈતન્ય નું "સત્ય-પણું" સમજવામાં-
સ્વપ્ન સંબંધી "ભ્રમ","સંકલ્પ" અને પોતાના "અનુભવ"ની પરંપરા એ જ મુખ્ય "સાધન" છે.

એ બ્રાહ્મણ નો જીવ પોતાના ઘરમાં રહ્યો છે,અને જેમ ભ્રમર કમળમાં રહે છે.
તેમ સમુદ્રો અને પૃથ્વી -વગેરે -તેના હૃદયકાશ માં રહેલી છે.
પૃથ્વી ના કોઈ એક નાનકડા ખૂણા ના કોતરમાં -એ  નગર અને શરીર -વગેરે રહેલ છે.
હે,સુંદરી,એ પૂર્વ ની સૃષ્ટિ અને આ સૃષ્ટિ-તે ઘરની અંદર એકઠી થઇ છે,છતાં પણ ઘર એમનું એમ જ છે.
તો એ ઉપરથી આપણે એક ત્રસરેણુ ની અંદર પણ અનેક બ્રહ્માંડો રહેવાની સંભાવના કરીએ -તેમાં
આશ્ચર્ય શું? આમ ચિદાકાશ ના એક પરમાણુમાં અનેક બ્રહ્માંડો રહેલા છે તેમાંય શંકા શી છે?

લીલા બોલી-હે,પરમેશ્વરી,તમે કહો છો કે એ બ્રાહ્મણ આજ થી આઠમે દિવસે મરી ગયો છે,પણ અમારા
જન્મ ને તો વરસો વીતી ગયા છે.તો એ બ્રાહ્મણ-બ્રાહ્મણી માંથી અમારી ઉત્પત્તિ કેવી રીતે સંભવે?

દેવી કહે છે કે-હે,સુંદરી,હ્રદયાકાશમાં જેમ દેશ ની લંબાઈ નથી,તેમ કાળ ની પણ લંબાઈ નથી જ.
એ વિષે હું ન્યાય ને અનુસરીને કહું છું તે તું સાંભળ.
જેમ આ જગતની સૃષ્ટિ પ્રતિભાસ માત્ર જ છે,તેમ ક્ષણ અને કલ્પ પણ પ્રતિભાસ માત્ર છે.
તુંપણા અને હુંપણા ના અધ્યાસ ને લીધે-જેમને પોતાનો જન્મ થયાની ભ્રાંતિ છે,તેમને જ -
ક્ષણ-કલ્પ વગેરે સઘળું જગત ભાસે છે. અને હવે આ પ્રતિભાસ થવાનો ક્રમ કહું છું તે તું સાંભળ.


   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE                 


NOTE-

-યોગ-વશિષ્ઠ એ-અદ્વૈત તત્વજ્ઞાન-પર આધારિત છે.અને અદ્વૈત મા એક -પુરુષ કે બ્રહ્મ-કે પરમાત્મા જ સત્ય છે-બાકીનું બધું અસત્ય
અને બાકીનું બધું જે "અસત્ય-કે મિથ્યા" (જગત) જે નરી આંખે દેખાય છે-તે બ્રહ્મ જ છે.

હવે,આ વસ્તુ -માત્ર જ્ઞાન થી સમજી શકાય તેવી નથી.માત્ર અનુભવ થી જ સમજાય છે.તેમ છતાં તેને જ્ઞાન થી સમજાવવાનો વારંવાર -પ્રયાસ -
અહીં વશિષ્ઠજી જુદી જુદી રીતે કરે છે.અને એ માટે સ્વપ્ન નું  અને આકાશ નું -ઉદાહરણ વારંવાર આપે છે.

હવે,આ નરી આંખે જે જગત દેખાય છે તેને જુઠું કે મિથ્યા -કેમ માની શકાય?બસ,આ સમજાવવાની જ અહીં માથાકૂટ કર્યે જાય છે.
વશિષ્ઠ જી ની સમજાવવાની -રીત તે જમાના ને અનુરૂપ છે.પણ અહીં અત્યારના સમય મુજબ જોઈએ તો -
સાંખ્ય-નો જે સિદ્ધાંત છે-કે જે "દ્વૈત" પર આધારિત છે-અને હાલના સમયમાં -માત્ર જેને સમજવું જ છે (અનુભવ નથી કરવો) તેને માટે -
તે સાંખ્ય ને સમજવાથી કદાચ આ અદ્વૈત ને સમજવામાં સરળતા રહે????

સાંખ્યો -પુરુષ અને પ્રકૃતિ (દ્વૈત) એમ જુદા પાડે છે.અને પ્રકૃતિ જે નરી આંખે દેખાય છે -તેનું અસ્તિત્વ બતાવે છે.અને પાછા કહે છે કે-
પુરુષ જ અધિષ્ઠાન ની દૃષ્ટિ એ સત્ય છે.એવું જ કંઈ "અદ્વૈત" વાળા -પ્રકૃતિ ને માયા તરીકે ઓળખાવે છે અને કહે છે કે-તે સ્વપ્ન કે અરીસા જેવી છે,
હવે ફરીથી જો સાંખ્ય-જ્ઞાન તરફ જઈએ-તો-તે કહે છે કે-૨૪ તત્વો માંથી જગતની "સ્થૂળ-શરીરની " ઉત્પત્તિ થઇ.
જો આમાં પાંચ મહાભૂતો ના હોય -તો સ્થૂળ- નહિ પણ સૂક્ષ્મ-એટલેકે "લિંગ-શરીર" કહે છે-આ લિંગ શરીર -નજર થી દેખી - શકાય નહિ.

બસ,આટલું સમજીને હવે લીલાવતી ની સ્ટોરી પર પાછા ફરીએ.લીલાવતી એ ઉપર પ્રમાણે જે પ્રશ્ન અને શંકા કરી છે-તેને સમજવા નો પ્રયત્ન કરીએ.
--લીલાવતી અને પદ્મરાજા -એ તેમનો વર્તમાન નો જન્મ છે.
--પદ્મરાજા મરીને "વિદુરથ-રાજા" થયો તે તેનો બીજો અવતાર છે-(અને વર્તમાન મા પણ છે-લીલા હજુ મરી  નથી એટલે તેનો બીજો અવતાર હજુ સુધી થયો નથી)
--ભૂતકાળમાં આ બંને ની જોડી -વશિષ્ઠ અને અરુંધતી -(રામાયણ વાળા નહિ) ના અવતાર તરીકે હતી.

અહીં આગળ વધતાં પહેલાં -ભારતીય તત્વ જ્ઞાન માં વારંવાર આવતા બે શબ્દો "દેશ અને કાળ" ને
સમજવા જરૂરી છે."દેશ"-એટલે અમુક ચોક્કસ સ્થાન કે જગ્યા અને "કાળ" એટલે અમુક ચોક્કસ સમય.

ઉદાહરણ થી આ વાત સમજીએ તો-
જો કોઈ વ્યક્તિ -તેના પ્રિયતમ ની રાહ જોતો હોય-તો તેને માટે એક ક્ષણ પણ મહિનાઓ જેવી લાગે છે અને પોતે ક્યાં છે તેનું (સ્થળ) નું ભાન પણ ભૂલી જાય છે,

આ રીતે જયારે દેવી કહે છે કે-બ્રાહ્મણ ને મર્યે-આઠ જ દિવસ થયા છે-
તો-ત્યારે પદ્મરાજા તો ઘણી ઉંમર નો થઈને મર્યો હતો-તો માત્ર આઠ દિવસ જ કેમ ગણાય?તો આ ના જવાબ માં ઉપર બતાવેલ પ્રિયતમ ના ઉદાહરણ થી તર્ક થી સામાન્ય સમજ આવી શકે અને સાંખ્ય-મુજબ-તે બ્રાહ્મણ નું -પાંચ મહાભૂત નું સ્થૂળ શરીર -ના હોતાં "લિંગ શરીર" જ છે.એમ સમજી શકાય.
તો વળી અદ્વૈત મુજબ અહીં "તે બ્રાહ્મણ મર્યા પછી તે ઘરના "આકાશમાં" હૃદયકાશ રૂપે-રહ્યો "
એમ સમજી શકાય.અને જેને અહીં -માત્ર સમજવા માટે- જ-"જૂની સૃષ્ટિ" તરીકે પણ ઓળખાવી છે.

હવે અદ્વૈત તો કહે છે કે-જગત (સૃષ્ટિ) તો છે જ  નહિ-એટલે તેને "દેશ અને કાળ" નું બંધન લાગી શકે નહિ.આમ-આઠ દિવસ એ અનંત થઇ જાય !!!!
હાલની સૃષ્ટિ માંથી પદ્મરાજા -નવી સૃષ્ટિ માં ગયો છે (અને તે પણ કંઈ તરત જન્મેલો નથી!!!)
અદ્વૈત મુજબ તેણે "નવું હૃદયકાશ" બનાવ્યું છે.(દ્વૈત મુજબ એણે સ્થૂળ શરીર ધારણ કર્યું)

લીલા જયારે "નિર્વિકલ્પ-સમાધિ" કરે છે ત્યારે તેમાં-સમજવા માટે સાંખ્યના (દ્વૈત ના) તર્ક નો- ઉપયોગ કરીએ તો-આ સમાધિમાં દેહ ભૂલાઈ જાય છે-
એટલે તે "લિંગ શરીર" (પાંચ મહાભૂત વગરનું) ધારણ કરે છે.અને જો અદ્વૈત ના તર્ક થી સમજીએ તો તે સમાધિ માં -આકાશ -રૂપ -થઇ જાય છે.
અને આ આકાશ-રૂપે તે બ્રાહ્મણ ને અને નવા વિદુરથ બનેલા-તેના બંને પતિઓ ને જોઈ શકે છે.
સામાન્ય -તર્ક થી આ રીતે સમજવામાં આવે તો -આગળ સમજી શકાય??