Aug 22, 2015

Yog-Vaasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-258


આ સ્પંદ-મય અને વિસ્તાર-વાળા “પરમાત્મા-રૂપી-સમુદ્ર” માં,ચૈતન્ય-રૂપી જળ રહેલું છે,
અને તે જળના “ચિત્ત-સંવેદન-રૂપી” કેટલાક મોજાં
બ્રહ્મા-વિષ્ણુ-મહેશ-મનુષ્ય-દેવ-વગેરે પણાને પણ પામેલા છે.
ચપળ એવાં તે મોજાં નાશ પામે છે,ઉત્પન્ન થાય છે અને થોડા સમય માટે સ્થિર પણ રહે છે.
(૧૨) મોહ થી થયેલી વિચિત્રતા ની વિવર્તતા
કાળ,ભૃગુઋષિને  કહે છે કે-
હે,મુનિ,દેવતા,દૈત્ય,મનુષ્ય- વગેરેના આકારનું જે આ જ્ઞાન છે તે –“બ્રહ્મ-રૂપી-સમુદ્ર” થી અભિન્ન છે,
એ વાત તદ્દન સત્ય છે,માટે એને ભિન્ન માનવું તે મિથ્યા છે.
જેઓ પોતાના વિકલ્પથી કલંકિત થયા છે,તેઓ મિથ્યા ભાવના કરીને
“હું બ્રહ્મ નથી” એમ અંતઃકરણમાં નિશ્ચય કરીને અધોગતિ ને પામી ગયા છે.
બ્રહ્મ-રૂપી-સમુદ્રમાં ગયા હોય તો પણ,
બ્રહ્મ થી જુદાપણાનું ભાન રાખનાર ભયંકર ભવાટવી માં મોહ થી ભમ્યા કરે છે.
દેહાત્મ-ભાવ નું વારંવાર અનુસંધાન કરવાથી બ્રહ્મ-સંબંધી જ્ઞાન કલંકિત થાય છે,
કે જે પાપ અને પુણ્ય ની પ્રવૃત્તિ ના બીજ રૂપ છે.

અંતઃકરણમાં કલ્પનાઓ કરીને,કર્મ-જાળ-રૂપી બીજ થી
આ જગતમાં શરીર-રૂપી પંક્તિઓનો વિસ્તાર થયેલો છે.
અને તે એમ ને એમ જ સ્થિતિ પામે છે,હાસ્ય કરે છે,રુદન કરે છે કે નૃત્ય કરે છે.
જેમ,સ્પંદન ધર્મ થી પવન રહેલો છે,
તેમ બ્રહ્મ-લોકથી તરણા સુધી,જગતમાં વિસ્તાર પામેલા સર્વ પદાર્થો-
ઉલ્લાસ પામે છે,પ્રકાશ પામે છે,લય પામે છે કે કરમાઈ જાય છે.
તેમાંના કેટલાક
--હરિ (વિષ્ણુ) હર (શંકર) વગેરે જ્ઞાન તથા ઐશ્વર્ય ના ઉત્કર્ષ-પણાથી "અતિ-સ્વચ્છ" હોય છે,
--મનુષ્ય-દેવતા વગેરે "અલ્પ-મોહ"માં રહેલા હોય છે,
--વૃક્ષ-તૃણ વગેરે "અત્યંત-મોહ"માં રહેલાં હોય છે.
--કેટલાંક અજ્ઞાન માં મૂઢ થવાથી,કૃમિ-કીટ-પણાને પામેલ છે.

આ પ્રમાણે,સંસરણના ક્રમથી,મનુષ્ય વગેરે ના ભાવને પામ્યા પછી,
તેઓ સંસારની વિશ્રાંતિ ના કારણ-ભૂત--એવા જ્ઞાનનો શાસ્ત્ર દ્વારા જાણવા પ્રયત્ન કરે છે,
છતાં પણ જેમ જેમ જન્મ થાય છે,તેમ તેમ કાળ-રૂપી,ઉંદર તેને ખોતર્યા જ કરે છે.
હરિ (વિષ્ણુ),બ્રહ્મા,હર (શંકર) વગેરે કેટલાક "બ્રહ્મ-તત્વ-રૂપી-મોટા-સમુદ્ર" ની વચ્ચે આવીને,પોતાના
દેહ સહિત જીવન-મુક્ત-પણાને પામી ગયા છે.
કેટલાક અલ્પ-મોહ વાળા (દેવતા-મનુષ્ય) "બ્રહ્મ-રૂપી સમુદ્ર" નો પાર ના પામવાથી,
સમાધિનું અવલંબન કરીને રહેલા હોય છે.
અને જેમણે કરોડો જન્મો ભોગવ્યા છે અને હજી,કરોડો જન્મ ભોગવવાના છે,તેવી ભૂત-જાતિઓ –
ઉચ્ચ દેહને પ્રાપ્ત કરીને પ્રકાશમાન છે છતાં,કામાંધતા ને લીધે,તામસી અને નિષ્ફળ છે.
જેમ,હાથમાંથી ફળ નીચે પડે છે,તેમ કેટલાક ઉચ્ચ-પણાથી નીચ-પણાને પામે છે.તો કેટલાક
ઉચ્ચ થી ઉચ્ચ થાય છે.આ પ્રમાણે સુખ-દુઃખ થી ભરેલ આ “જીવ-પણું” એ "પરમ-પદનું વિસ્મરણ”
થવાથી પ્રાપ્ત થાય છે.અને પરમ-પદ નું સ્મરણ કરવાથી જીવ-પણાની શાંતિ થાય છે.


   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE