Oct 21, 2015

Yog-Vaasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-318



બ્રહ્મ-સ્વ-રૂપ -એ-સર્વ-રૂપ છે,સર્વ-વ્યાપક છે,અને અંત વગરનું છે.તેનાથી જુદું કંઈ જ સંભવતું નથી.
બ્રહ્મ થી ઉત્પન્ન થયેલું જે 'માનવામાં' આવે છે તે પણ બ્રહ્મ જ છે.બ્રહ્મ-તત્વ વિના બીજું કંઈ હોવું સંભવતું નથી.'જે કંઈ આ જગત છે તે બ્રહ્મ જ છે' એમ સમજવું તે જ વાસ્તવિક (સત્ય) છે.
હે,રામ,ઘણો-ખરો આવા પ્રકારનો  સિદ્ધાંત જયારે -તમારી બુદ્ધિમાં લાગુ થશે,
ત્યારે -જ તમારી પાસે (તમને) આ સિદ્ધાંત સંબંધી અનેક રહસ્યો કહેવામાં આવશે.

જગતમાં 'માયા' વગેરે કોઈ પણ પદાર્થો બ્રહ્મ થી ભિન્ન ઉત્પન્ન થયા નથી,તો પણ જયારે તમને તે વિષયનું અજ્ઞાન મટશે ત્યારે,સઘળાં રહસ્યો સંપૂર્ણ રીતે તમારા જાણવામાં આવશે.
જેમ, રાત્રિના અંધારા નો ક્ષય થાય ત્યારે,સ્થાવર-જંગમ-જગત સ્ફુટ (નરી આંખે) જોવામાં આવે છે,
તેમ,મિથ્યા પદાર્થો નો બાધ થાય ત્યારે,બ્રહ્મ-તત્વ યથાર્થ રીતે જાણવામાં આવે છે.

હે,રામ,જયારે અજ્ઞાનથી દૂષિત થયેલી દૃષ્ટિ વડે -જ આ સઘળું જગત સઘળી દિશાઓમાં વિસ્તીર્ણ (ફેલાયેલું) જોવામાં આવે છે-તેનો અને અજ્ઞાન નો જયારે નાશ થશે
ત્યારે 'નિર્મળ દર્પણ જેવા અને વાસ્તવિક સત્યતા-વાળા નિર્મળ પદમાં' તમને અખંડ નિર્મળતા જ જણાશે.
એ વાતમાં કશો સંશય નથી.

(૪૧) અનિર્વચનીય માયા -એ  અવિચારણીય  અને ટાળવા યોગ્ય છે.

રામ કહે છે કે-હે,બ્રહ્મન,શીતલ,નિર્મળ,પ્રકાશમાન અને અત્યંત ગંભીર -એવી
આપની વિચિત્ર ઉક્તિઓ (વાક્યો) થી,હું ક્ષણ-માત્રમાં અંધારામાં પડેલા જેવો થઇ જાઉં છું,અને ક્ષણ-માત્રમાં અજવાળામાં આવેલા જેવો થઇ જાઉં છું.

જેમ,ચોમાસામાં વાદળો ના આમતેમ ફરવાથી દિવસ જરાવારમાં અંધારાવાળો ને
જરા વારમાં અજવાળા-વાળા જેવો થઇ જાય છે,
તેમ હું પણ આપનાં વચનો ના અભિપ્રાય ને કંઈક સમજુ છું,ત્યારે પ્રકાશ-વાળો થાઉં છું,
અને તે વચનોમાં પરસ્પર વિરોધ આવવા ને લીધે,જયારે સંશયમાં પડી જાઉં છું-
ત્યારે અંધારા-વાળો થઇ જાઉં છું.

પરમાત્મા અનંત છે,કોઈ પ્રમાણો ના માપમાં આવે તેમ નથી,પૂર્ણ છે,એક છે,સ્વયં-પ્રકાશ છે અને
તેનો પરમાર્થ પ્રકાશ કદી બંધ નહિ પડે તેવો છે,તો તેમાં અ જગતની કલ્પના-રૂપ વિચાર કેમ આવ્યો?
એ સંશયમાં હું હજી પણ ગૂંચવાયા કરું છું.

વસિષ્ઠ કહે છે કે-હે,રામ,આમ જે તમને થાય છે (આમ તમે જે વિચારો છો)
તે મારાં વાક્યોમાં દોષ હોવાથી થતો નથી-
પણ મારાં 'વાક્યો નું તાત્પર્ય નહિ સમજવા-રૂપ તમારા દોષ' થી જ થાય છે.

મારાં વાક્યો યથાર્થ છે.અને મુખ્ય વિષય પ્રત્યેના કોઈ પણ દોષ -વાળાં પણ નથી,
મુખ્ય વિષયના સંબંધ વગરનાં પણ નથી અને આગળ-પાછળના વિરોધ વાળાં પણ નથી.
જયારે તમારાં'જ્ઞાન-ચક્ષુ' નિર્મળ થશે,અને બોધનો ઉદય વિસ્તીર્ણ થશે (ફેલાશે)
ત્યારે પ્રાપ્ત થયેલ તમારા સ્વસ્થ-પણાથી
'મારાં આ વાક્યો તથા મારા વિચારો-બીજાઓનાં વાક્યો થી અને વિચારોથી કેટલાં પ્રબળ છે'
એ સંપૂર્ણ રીતે તમે જાણશો (સમજશો)


   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE