Mar 26, 2016

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-461

ઉદ્દાલક સ્વગત કહે છે કે-સઘળાં અંગો હોવા છતાં,પણ શબ કંઈ ક્રિયા કરી શકતું નથી,માટે આત્મા જુદો છે.
શરીરથી જુદો,નિત્ય અને જેનો પ્રકાશ બંધ પડતો નથી એવો આત્મા હું છું.હું વ્યાપક હોવાને લીધે,સૂર્યના મંડળમાં પણ રહ્યો છું,મને અજ્ઞાન નથી,મને દુઃખ નથી,મને કોઈ અનર્થ નથી,મને કોઈ અડચણ પણ નથી.શરીર રહે તો પણ ભલે અને પડી જાય તો પણ ભલે,હું તો પરમ ધીર થઈને રહ્યો છું.

જ્યાં "આત્માનું જ્ઞાન" છે ત્યાં મન પણ નથી,ઇન્દ્રિયો પણ નથી અને વાસનાઓ પણ નથી.જેમ,રાજાની પાસે પામર-લોકો રહે જ નહિ,તેમ આત્માના પ્રકાશ ની પાસે મન-ઇન્દ્રિયો કે વાસનાઓની સ્થિતિ સંભવે જ નહિ.હું, એવા એ "બ્રહ્મ-પદ"ને પામ્યો છું,કેવળ છું,સર્વથી શ્રેષ્ઠ છું,શાંત છું,અંશોથી રહિત છું,ક્રિયાઓથી રહિત છું,અને ઇચ્છાથી પણ રહિત છું.

જેમ તલમાંથી જુદા પાડેલ તેલ ને તલના કૂચાથી સંબંધ નથી,
તેમ હવે મને મન-ઇન્દ્રિય-દેહ-આદિ સાથે સંબંધ નથી.
હું જયારે,મારા બાકી રહેલ પ્રારબ્ધ ના ભોગ ભોગવવા-રૂપી-લીલા કરવા માટે,સમાધિમાંથી ચલિત થઈશ,
અને પૂર્વ ની વાસના,મારી બુદ્ધિને બ્રહ્માકાર-પણાથી કંઇક જુદી પાડશે,
ત્યારે આ દેહ-ઇન્દ્રિયો વગેરે પદાર્થો મારા પરિવારની જેમ મને કદાચ વિનોદ આપશે.તો પણ તે વખતે,
તે સર્વ પદાર્થો પ્રત્યે અનાસકત રહી,સર્વ માં બ્રહ્મ-દૃષ્ટિ રાખી,વિવેકથી અને સમતાથી રહીશ.

સર્વ કાળમાં,સર્વ દેશમાં અને સર્વ પ્રકારે,સઘળું દ્વૈત કલ્પનાથી જ થાય છે,માટે હું કલ્પનાને જ ત્યજી દઈશ,
મારો,સઘળા વિષયો પરનો રાગ-દ્વેષ અને તેનાથી થતા સુખ-દુઃખો દુર થઇ ગયા છે.મારો મોહ ટળી ગયો છે.
મન નાશ પામ્યું છે,અને ચિત્ત સંબંધી વિકલ્પો દેખીતી રીતે જતા રહ્યા છે.
માટે,હવે, હું દૃશ્ય-પણાને (જગતના પદાર્થોને) ત્યજી દઈને શીતળ પરમાત્મામાં શાંત થાઉં છું.

(૫૪) ઉદ્દાલક છેવટે સમાધિમાં જ શાંત થયો

વસિષ્ઠ કહે છે કે-હે,રામ,એ ઉદ્દાલક મુનિ,પ્રૌઢતા-વળી બુદ્ધિ થી -એ પ્રમાણે નિશ્ચય કરીને,પદ્માસન વાળીને,
નેત્રો ને અડધાં ઉઘાડાં રાખીને બેઠો.
"ॐકાર પરબ્રહ્મ નું નામ છે,તથા તેમનું સ્વરૂપ છે અને જે ॐકાર નું ઉચ્ચારણ કરે છે તેને પરબ્રહ્મ ની પ્રાપ્તિ
અવશ્ય થાય છે"એમ નિર્ણય કરીને,ઊંચા સ્વરથી તે મુનિ ॐકાર નું ઉચ્ચારણ કરવા લાગ્યો.

એ ઉદ્દાલક નું-"ॐ કાર-વૃત્તિ માં પ્રતિબિમ્બિત થયેલું ચૈતન્ય" અને "કૂટસ્થ જીવ-ચૈતન્ય"
ॐકાર ની છેલ્લી અર્ધ-માત્રાની ઉપર પ્રકટ થયેલા "નિર્મળ પરબ્રહ્મ "માં -
જ્યાં સુધી તલ્લીન થાય ત્યાં સુધી,તે ઉદ્દાલકે ॐકાર નું જ ઉચ્ચ સ્વરે ઉચ્ચારણ કર્યા કર્યું.

   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE