Nov 2, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-968

પોતાના શુદ્ધ ચૈતન્ય-સ્વરૂપમાં રહેનારા અને સદા નિર્લેપ રહેનારા સમાધિનિષ્ઠ પુરુષોને મનન કરવાનો કશો વિષય જ રહેતો નથી,તેથી તેમને મનનો અનુભવ જ થતો નથી.
માટે,આત્મતત્વના યથાર્થ જ્ઞાન દ્વારા જાગ્રત-સ્વપ્ન-સુષુપ્તિ-રૂપી અવસ્થાના વિભાગથી અનેક પ્રકારના અનંત ભાવોને ધારણ કરી રહેલા અને મિથ્યા-રૂપે જોવામાં આવતા આ સર્વ દૃશ્ય-વર્ગ (જગત)ને જ દુર કરી દો.અને તમે તમારા પોતાના નિર્વિકાર શુદ્ધ ચૈતન્યમાં જ સ્થિતિ રાખો.

પદાર્થોનું નિરૂપણ મનને આધીન છે,માટે મન જ બાહ્ય આકારે થયું હોય તેમ ભાસે છે પણ ખરી રીતે તેમ નથી,
એ તો એક જાતની ભ્રાંતિ જ છે.તે જ પ્રમાણે મનની સિદ્ધિ પણ પદાર્થોના જ્ઞાનને આધીન છે,તેથી તે પદાર્થો જ મનના આકારે થઇ રહેલ એમ ભાસે છે.પણ તે પણ ખરી રીતે તેમ નથી.એ પણ એક જાતની ભ્રાંતિ જ છે.
બાકી,એ બ્રહ્મ જ કોઈ કારણ વિના જાણે મન-રૂપે થઇ રહ્યું હોય,તેમ મિથ્યા-રૂપે ભાસ્યા કરે છે,અને,
તે મન પણ કારણ વિના પદાર્થો-રૂપે થઇ રહ્યું હોય તેમ મિથ્યા ભાસ્યા કરે છે.
આમ તે "મન અને પદાર્થો"-ભ્રાંતિ-રૂપે જ બ્રહ્મની અંદર અનુભવમાં આવે છે.

તે મન વીજળીના ઝબકારાના જેવું અસ્થિર અને ચપળ છે.તમે એ મનને પોતાના આત્મા-રૂપ સમજી આ સંસારમાં ભરમાઈ ગયા છો.પરંતુ તમે જો તમારા ખરા સ્વરૂપને ઓળખો તો,તમે મન-રૂપ નથી અને તે મનથી ભરમાયા પણ નથી.મન વડે જ આ આખો સંસાર ખડો થઇ જાય છે અને તત્વજ્ઞાન વડે શમી જાય છે.
પરમાત્માની અંદર ભ્રાંતિથી (મનથી) કલ્પાયેલા પદાર્થોથી મનુષ્યો નકામા જ દુખી થયા કરે છે.
"હું એવું કંઈ છે જ નહિ"એમ અભાવની ભાવના કરવી એ જ ખરું જ્ઞાન છે અને એ જ્ઞાનથી મોક્ષ છે.

શુદ્ધ ચિદાત્માની અંદર અજ્ઞાન-આદિનો કશો જ સંભવ નથી,છતાં જિજ્ઞાસુઓને પરસ્પર બોધ થવાને માટે અજ્ઞાન-દશામાં અવિદ્યા (અજ્ઞાન કે માયા) ની "કલ્પના" કરવામાં આવી છે.
મોક્ષના અધિકારી મહાત્મા પુરુષો,તત્વજ્ઞાન વડે,મૂળ અજ્ઞાનનો નાશ થયા પછી,પોતાના આત્મામાં જ લય પામી જાય છે,અને આત્માના અનુભવ વડે પોતાના સ્વરૂપનું અનંતપણું જણાય પછી નિરતિશય આનંદ વડે શાંત રહે છે,તથા ભ્રાંતિનો અભાવ હોવાને લીધે કશા વિક્ષેપને નહિ પામતાં તે નિરંતર સમાધિમાં જ વિશ્રાંત થઇ રહે છે.

(૪૪) સમાધિ-રૂપી-કલ્પવૃક્ષ તથા મન-રૂપી-મૃગનું વર્ણન

રામ કહે છે કે-મન-રૂપી-મૃગને વિશ્રાંતિ આપનાર સમાધિ-રૂપ-કલ્પવૃક્ષની સ્થિતિ વિષે આપ કહો.
   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE