Nov 5, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-971

જ્ઞાનેન્દ્રિયો (નેત્ર-આદિ) વડે અનુભવતા વિષયો (રૂપ-આદિ)ના નિમિત્તને લીધે આવી પડતાં,દુઃખ-રૂપી-બાણોની વર્ષા  થવાથી તે મન-રૂપી-મૃગ સદાકાળ ભયભીત જેવો જ લાગ્યા કરે છે.કામ-ક્રોધ-આદિ શત્રુઓ પોતાની પાછળ પડેલા હોવાથી તે ગભરાઈ જાય છે.અનાદિ-કાળના દુઃખના અનુભવો અને સ્વર્ગ-નરકની ચડ-ઉતર કરવાને લીધે તે અતિશય લોથપોથ (થાકેલો) રહે છે.કામ,ભય,ક્રોધ,તૃષ્ણા-આદિ અનેક વિકારો-રૂપી પાષાણોના પ્રહારોથી તે નિરંતર ઘવાયા કરે છે.અને પોતાની બુદ્ધિ પ્રમાણે જ આચરણ કરે છે,માયાને જાણી લેવામાં ચતુર હોતો નથી.

વારંવાર વિષયોમાં ભટકી ભટકીને તે અનંત ચિંતા,શોક-આદિ પ્રબળ દુઃખો વડે તે અંદર બળ્યા  કરે છે.
આત્માને વળગેલ વાસનાઓના અંશને લીધે,તથા ભોગના લોભથી સુંદર દેખાતા વિષયોનો આનંદ પામવા,
તે ભોગો ભોગવવા દોડાદોડ કરે છે.સ્ત્રી-પુત્ર આદિમાં મોહ-રૂપી ઝાકળને લીધે તેની આંખે કશું દેખાતું નથી.
કપટ અને કુકર્મ-રૂપી ખાડાઓમાં તે વારંવાર પછડાયા કરે છે.અભિમાન-રૂપી-સિંહના પંજાની બીકથી
તે હૃદયમાં ભયાતુર રહે છે,અને મરણ-રૂપી વાઘથી એ મૃગ સદાકાળ ડરતો રહે છે.

ઇન્દ્રિયો-રૂપી-વંટોળિયો એ મન-રૂપી-મૃગને,નરકમાં અને સ્થાવર-આદિ યોનિઓમાં વારંવાર ફેંકી દે છે,
પરંતુ કોઈ વખત ઘણા જન્મ વડે સંચિત થયેલા પુણ્યોનો પાકટ-કાળ આવતાં એનો ભાગ્યોદય થાય છે.
ત્યારે તે સમાધિ-રૂપી-વૃક્ષની નીચે વિશ્રાંતિને પામીને શાંતિને (મોક્ષને)પામે છે.

(૪૫) સમાધિ-રૂપી વૃક્ષ પર ચડવાનો ક્રમ

વસિષ્ઠ કહે છે કે- હે રામચંદ્રજી,આમ એ મન-રૂપી-મૃગ,સમાધિ-રૂપી-કલ્પવૃક્ષમાં જ વિશ્રાંતિ મેળવી,
ત્યાં જ આનંદમાં રહેવા લાગે છે અને બીજા વૃક્ષો તરફ તે જતો જ નથી.
તે સમયમાં,વિવેક-રૂપી-અંકુરમાંથી વૃદ્ધિ પામેલું,સમાધિ-રૂપી-કલ્પવૃક્ષ,પણ પોતાની અંદર રહેલ પોતાના આત્મા-રૂપે અનુભવમાં આવતા 'મોક્ષ-રૂપી-ફળ'ને ધીરે ધીરે ભૂમિકાના ક્રમ પ્રમાણે સારી રીતે પ્રગટ કરે છે.

વિવેકી પુરુષનો મન-રૂપી-મૃગ તે સમાધિ-વૃક્ષની છાયા નીચે સ્થિર ઉભો રહીને તે જયારે ફળને દેખે છે,
ત્યારે,બીજા વૃક્ષ તરફ જવાનો વિચાર માંડી વાળે છે અને તે ફળનો સ્વાદ કરવા તે વૃક્ષની પર ચડે છે.
પ્રથમ તો,તે સમાધિ-વૃક્ષ ઉપર દૃઢ રીતે પગ ભરાવે છે,અને પછી સંસાર-રૂપી-ભૂમિમાં નીચે લાગેલી,
દેહાદિક વિષેની અહંતા-મમતા વગેરે વૃત્તિને છોડી દે છે.આમ ઉન્નત-પદને (ઉત્તમ-ફળને) પામ્યા પછી,
તે પાછો નીચે દૃષ્ટિ પણ કરતો નથી. અને ઉત્તમ ફળ માટે પોતાના પૂર્વ-સંસ્કારોને છોડી દે છે.

આમ પોતાના આત્માને ઉચ્ચ-પદ પર આરૂઢ થયેલો જોઈને "આટલા કાળ સુધી વિષયના સુખમાં આનંદ માણનારો હું કૃપણ કોણ હતો?" એમ પોતાના આત્માને પૂર્વ-દશાનું સ્મરણ થતાં,તે હસે  છે.
તે વૃક્ષની કરુણા-આદિ બીજી ડાળીઓમાં તે ફરતો ફરે છે અને લોભ-રૂપી-સર્પને નીચે ફગાવી દે છે.

સદબુદ્ધિને ઢાંકનાર-દ્વૈતની ભ્રાંતિ પેદા કરનારી બુદ્ધિને અને બંધનમાં નાખનારી તૃષ્ણાઓને તે દિવસે દિવસે છોડતો જાય છે.તે,ઈશ્વરેચ્છાથી જે કંઈ પ્રાપ્ત થાય તેની ઉપેક્ષા કરતો નથી કે જે મળેલું નથી તેને તે ઈચ્છતો નથી.
   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE