Nov 6, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-972

તે વિવેકી-પુરુષ,સર્વ વ્યવહારોમાં અંદર શીતળ રહે છે,શમ-દમ-સંતોષ-આદિ સદગુણો-રૂપી પાંદડાઓ પર તે પોતાના આત્માને વિશ્રાંતિ આપે છે."શાસ્ત્રથી અનુસરીને પ્રવૃત્તિથી થનારી બ્રહ્મલોક સુધીની ઉત્તમ ગતિ,કે સ્વાભાવિક વૃત્તિથી થનારી અધમ ગતિ -એ અજ્ઞાન દશામાં જ છે" એમ તે સમજી લે છે.અને તેને અધોગતિ તરીકે જ જોતો રહી,પોતે સમાધિ-વૃક્ષ પર જ સ્થિરતાથી બેસી રહે છે તથા આનંદિત રહ્યા કરે છે.સ્ત્રી-પુત્ર-કુટુંબી જનો-મિત્ર-ધન-વગેરેને સ્વપ્ન-સમ દેખી, જાણે તે બીજા જન્મનાં હોય તેમ તેને તે દેખે છે.

રાગ-દ્વેષ-ભય-ઉન્માદ-માન-મોહ અને મહત્તાવાળા જે વ્યવહારો જોવામાં આવે તેને તે નટના વ્યવહારો જેવા જાણે છે.આ સંસાર-રૂપી ઝાંઝવાના જળની નદીઓ,તેને પાસે દેખાતી હોય,તો પણ તેને,તે મિથ્યા સમજે છે.
પોતે જીવતા છતાં શબના જેવો નિઃ સંકલ્પ તથા નિશ્ચેટ  થઈને રહે છે ને કોઈ ઈચ્છા કરતો નથી.
તેની દ્રષ્ટિ તો કેવળ અદ્વિતીય-ઉચ્ચ-શુદ્ધ એવા જ્ઞાનમય મોક્ષ-રૂપી-ફળમાં જ લાગેલી રહે છે,
તેથી તે કેવળ,તે વૃક્ષની ઉપરની બાજુ જ (પાંચમી ભૂમિકા તરફ જ) ચડે છે.

ત્યાં તે સંતોષ-રૂપી-અમૃત વડે પોષણ પામે છે અને પહેલાંની આપત્તિઓને સ્મરણમાં લાવીને,અનર્થ-રૂપ-અર્થોનો
નાશ થયેલો જોઈને પ્રસન્ન થાય છે.અને વ્યવહારોમાં ગુમાવેલા સમાધિ-સુખના ભંગથી દુઃખી પણ થાય છે.
ઘણા લાંબા કાળથી પોતાના અજ્ઞાન વડે આવી પડેલ જન્મ-મરણના શ્રમ વડે થાકી જઈ,
તે નિરંતર રહેનારી વિશ્રાંતિને ઈચ્છે છે.હવે,તેનો અહંકાર દૂર થવાને લીધે તે આત્મામાં જ શાંત થાય છે.

પરમાર્થ-રૂપી-ફળને આપનારી મહા-પદવી (પાંચમી ભૂમિકા) મેળવાય પછી,
તે શબ્દથી વર્ણવી ના શકાય તેવી,કંઇક અનિર્વચનીય એવી યોગ-ભૂમિકા (છઠ્ઠી ભૂમિકા) ને મેળવે છે.
ત્યારે કોઈ પ્રયત્ન વિના જ,કોઈ દૈવયોગથી આવી પડેલા ભોગો વિષે તેને (સંપૂર્ણ-પણે) વૈરાગ્ય આવી જાય છે.
અને કેમ જાણે, મદોન્મત હોય તેમ દેહાભિમાનથી રહિત,વૈરાગ્યને લીધે ક્ષીણ થયેલ વિષયો તરફ ઉદાસીન,
સંસાર-સંબંધી-વ્યવહારોનું કશું અનુસંધાન જ ન રાખનાર,અંદર જ્ઞાનને લીધે  પૂર્ણપણા-વાળો
અને મૌન ધારણ કરી રહેલો તે મનો-મૃગ--કોઈ અનિર્વચનીય સ્થિતિને પ્રાપ્ત થઇ જાય છે.

જેમ કોઈ પક્ષી વૃક્ષની ટોચ પર જઈને બેસે,તેમ,અનિર્વચનીય એવા રૂપને ધારણ કર્યા પછી,
તે યોગભૂમિકાના ક્રમ-પૂર્વક,છેવટે પરમાર્થ-રૂપી ફળની નજીક આવી પહોંચે છે.
પછી તે,પહેલાંની સર્વ-બુદ્ધિનો,વાસનાઓનો અને મનનો પણ નાશ કરી દઈ,
(સાતમી ભૂમિકામાં) આકાશના જેવો અસંગ અને નિર્વિકાર થઈને રહે છે.
આ સાતમી ભૂમિકામાં તે પરમાર્થ (બ્રહ્મ-ભાવ) રૂપી ફળને ગ્રહણ કરે છે
અને તેનો આસ્વાદ લઈ છે ને આનંદ વડે તૃપ્ત થઇ જાય છે.
   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE