Nov 30, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-996

વસિષ્ઠ કહે છે કે-પછી,પ્રાણીઓના સમૂહો-વાળા આકાશના પ્રદેશોને છોડીને હું બહુ દૂર ચાલ્યો ગયો અને અત્યંત વિસ્તરેલા એક શૂન્ય તથા એકાંત પ્રદેશમાં પહોંચ્યો.તે પ્રદેશમાં પવન અતિ-મંદ હતો,અને કોઈ પ્રાણી જોવામાં આવતું નહોતું.તે શુભ-અશુભ ચિહ્નોથી રહિત હતો,અને સંસારીઓ માટે તે અગમ્ય હતો,તેમ સમજો.ત્યાં,અત્યંત મનોહર લાગતી એવી એક કોટડી મેં સત્ય-સંકલ્પ વડે રચી દીધી.

તેમાં મેં ચિત્ત વડે પ્રાણી-માત્રથી અગમ્ય-પણું કલ્પી લીધું.અને તે પ્રદેશમાં હું નિર્વિકલ્પ સમાધિમાં સ્થિર થયો.ત્યારે મેં પદ્માસન વાળ્યું હતું,ચિત્ત શાંત રાખ્યું હતું,પરમ મૌન ધારણ કર્યું હતું,અને "સેંકડો વરસ પછી સમાધિમાંથી ઉઠીશ" એવો મેં નિર્ણય કર્યો હતો.વળી હું,કેમ જાણે આકાશમાંથી જ રચાયો હોઉં,તેવો આકાશની જેમ સ્વસ્થ અને નિરાકાર થઇ રહ્યો હતો,સર્વ બાબતમાં સમાન રહ્યો હતો અને કેમ જાણે નિંદ્રા-રૂપ મુદ્રાને પ્રાપ્ત થયો હતો.

હે રામચંદ્રજી,ચિત્ત,ઘણા કાળ સુધી જે વિષયનું અનુસંધાન રાખે છે,તે ક્ષણવારમાં જ જોવામાં આવે છે.
પછી,ઘણે કાળે,સેંકડો વર્ષોના અંતે જયારે મારું ચિત્ત આશાની જેમ અને પવનની જેમ ફેલાયું,
ત્યારે કોઈ કાળે "જાગ્રત થવામાં નિમિત્ત-રૂપ" એવું "કર્મ" મારા હૃદયમાં વિકાસ પામીને ફેલાઈ ગયું.
એટલે મારો જીવ સતેજ થયો અને સ્ફૂર્તિ પણ સચેત થઇ.

એ સમાધિમાં મારા સેંકડો વર્ષો,એક પલકારાની જેમ વીતી ગયાં,કેમ કે એકાગ્ર ચિત્ત-વાળા પુરુષને કાળની ઘણી લાંબી ગતિ પણ ટૂંકી લાગે છે.પછી,મારો જ્ઞાનેન્દ્રિયોનો ક્રમ પણ,બહાર જઈ,વિકાસને પ્રાપ્ત થયો.
હવે પાંચ પ્રાણવાયુઓ અને ઇન્દ્રિયો વડે યુક્ત થઇ રહેલા જીવ-ચૈતન્યનો આવિર્ભાવ થવાથી,સ્ફૂર્તિમાન થઇ રહેલા દેહને "હું (સુષુમણાદ્વારા બ્રહ્મરંઘ્રમાંથી)પ્રાપ્ત થયો છું" એમ જાણવામાં આવતાં,"ઈચ્છા-રૂપી-પિશાચી"થી આલિંગન કરાયેલો "અહંકાર-રૂપી-પિશાચ" ક્યાંથી મારી પાસે આવી ખડો થઇ ગયો.

(૫૭) વિવેકી તથા અવિવેકીના અહંકારનું વર્ણન

રામ પૂછે છે કે-હે મુનિ,જ્ઞાન-સંપન્ન એવા તમને પણ અહંકાર-રૂપી-પિશાચ કેમ બાધ કરે છે?

વસિષ્ઠ કહે છે કે-જ્ઞાનવાન અને અજ્ઞાની-એ બંનેના દેહની સ્થિતિ અહંભાવ વિના ઘટતી જ નથી,
કેમ કે,આ લોક (કે લોકો)ની અંદર આધેય (આધાર રાખનારી) વસ્તુ (અહંકાર)આધાર (દેહ)વિના રહી શકતી નથી.પરંતુ,તેમ છતાં પરમાત્મામાં શાંત ચિત્ત-વાળા થયેલ તત્વવેત્તા પુરુષમાં જે કંઈ વિશેષતા છે તે તમે સાંભળો.
કે જે સાંભળવાથી તમારો અહંભાવ (અહંકાર)રૂપી પિશાચ શાંત પડી જશે.
   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE