Jul 20, 2018

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1212

પ્રથમ સૃષ્ટિથી માંડીને (શબલ)બ્રહ્મમાં જગતનો જે ભાવ 'કલ્પાયેલો' છે તે ભ્રાંતિ વડે જ થયેલો છે
અને સાવ મિથ્યા છે-એટલે સ્વપ્નમાં દીઠેલા વાધની જેમ તેને જોતાં તે નિઃશેષ (મિથ્યા) થઇ જાય છે.
જેમ સ્વપ્નની અંદર એક જ જીવ ચૈતન્યનું ભાન અનેક પ્રકારે થાય છે,તેમ બ્રહ્મમાં પણ સૃષ્ટિના
આદિકાળમાં તેના એક જ તત્વનું ભાન અનેક જુદાજુદા પદાર્થોની રૂપે થઇ જાય છે.
જેમ,અનેક દીવાવાળા ઘરની અંદર રહેલ અનેક કાંતિઓ પણ એક જ જેવી ભાસે છે,
તેમ સર્વ-શક્તિમાન-પરમાત્માથી એક 'માયા-શક્તિ' અનેક રૂપે ભાસે છે.

Jul 19, 2018

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1211

(૧૭૯) બ્રહ્મનું પ્રતિપાદન

વસિષ્ઠ કહે છે કે-આમ આ ત્રણે લોક એક શુદ્ધ તત્વમય ચિદ-રૂપ છે.અવિવેકીઓને સાકાર-રૂપે
પ્રતીતિમાં આવતાં એવાં કોઈ પણ પ્રાણીઓ અહીં નથી જ તો પછી સાવયવ શરીર-આદિ ક્યાંથી હોય?
આ જે કંઈ (શરીર-આદિ) દેખાય છે તે નિરાકાર બ્રહ્મ જ ચોતરફ પ્રસરી રહેલું છે.
ચિદાકાશ-એ ચિદાકાશની અંદર રહેલું છે,એ શાંત તત્વ પોતાના શાંત-સ્વરૂપમાં જ સમાન-પણે સ્થિર છે.
સર્વ શાંત,સત્ય અને ચિદાકાશ-રૂપ છે.આ સર્વ સ્વપ્નની જેમ જાગ્રત અવસ્થામાં પણ નિરવયવ-રૂપે રહેલું છે.
તો પછી સાકાર વસ્તુની સ્થિતિ ક્યાંથી હોય? દેહના અવયવો કે આંતરડાંમાં વીંટાયેલી નાડી પણ ક્યાંથી હોય?
(વિવેકથી યુક્તિ વડેવિચાર કરી) આ દેહ પણ આકાશ જેવો નિરાકાર છે-એમ તમે સમજો.

Jul 18, 2018

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1210

વશિષ્ઠ કહે છે કે-આગળ ઉત્પત્તિ-પ્રકરણમાં વર્ણવેલ એવા કોઈ દૃશ્ય-પ્રપંચની અંદર,તપ,વેદ અને કર્મના આશ્રય-રૂપ
એવો એક દ્વિજ હતો કે જે ઈંદુ-વિપ્ર નામે કહેવાતો હતો.તેના દશ પુત્રો હતા કે જે ઉદાર ચિત્તવાળા,
મહાશય અને સત્પુરુષોના આશ્રય-રૂપ હતા.કાળવશ જયારે તે ઈંદુ બ્રાહ્મણનું મૃત્યુ થયું ત્યારે,તેના દશે પુત્રો
તેની ઉત્તર-ક્રિયા કરી,દુઃખ વડે વ્યાપ્ત થઇ ગયા હોવાથી વ્યવહારને મૂકી દઈ સમાધિ માટે વનમાં ચાલ્યા ગયા.
'સર્વ ધારણાઓમાં ઉત્તમ સિદ્ધિ આપનારી કોઈ ધારણા હશે કે જેના બળથી આપને સર્વેશ્વર થઇ જઈએ'
એ પ્રમાણે વિચાર કરી તે દશે જણ,પદ્માસન વાળીને ગુફાની અંદર ધારણા કરવા લાગ્યા.