Jan 31, 2013

ગીતા માં શું છે ?





ગીતાસાર -૧૮ અધ્યાય -૧૮ પાના માં વાંચવા માટે-INDEX-પાના પર જવા માટે -અહીં ક્લિક કરો.

અધ્યાય -૧ -માં ગીતા ની પ્રસ્તાવના  છે. કૌરવોએ પાંડવોનો રાજ્યભાગ નો અધિકાર ના મંજુર કર્યો,કૃષ્ણ ની સમજાવટ પણ નિષ્ફળ રહી.અને યુદ્ધ ના મંડાણ થયાં.  રણ ભૂમિ ની વચ્ચે  રથમાં અર્જુન સામા પક્ષમાં સગાં,મિત્રો અને ગુરૂ ને જોઈ શોક-વિષાદ  માં આવી જઈ, યુદ્ધ નહી કરવાનો નિશ્ચય કરે છે  


અધ્યાય -૨ -માં ગીતાનું બીજ રોપાય છે.શરીર અને આત્મા નું “જ્ઞાન “છે.  “સ્વ-ધર્મ" અને ક્ષત્રિય તરીકે ની
ફરજ નું વર્ણન છે.”કર્મ “ નું જ્ઞાન બતાવેલ છે.    સમતા રાખી,કામનાનો ત્યાગ કરી ફળ ની આશા કે ફળ પર અધિકાર નહી રાખવાનું શીખવે છે.સ્થિતપ્રજ્ઞ તા ના લક્ષણો બતાવેલા  છે.  ટૂંક માં અહીં જ્ઞાન યોગ અને કર્મ યોગ બંને નું વર્ણન કર્યું છે.

અધ્યાય -૩ -માં  માત્ર કર્મ યોગ વિષે વર્ણન છે.કર્મો પ્રકૃતિના ગુણો ને લીધે થાય છે,અને કોઈ પણ મનુષ્ય એક ક્ષણ પણ કર્મ કર્યા વગર રહી શકતો નથી.કર્મ કરવા પર નિષેધ નથી પણ   કર્મ કરતાં કરતાં થતી આસક્તિ (રાગ) અને દ્વેષ એ અધ્યાત્મ માર્ગ ના વિઘ્નો છે.રજો ગુણ થી ઉત્પન્ન થતો "કામ"(પોતાની પાસે જે નથી તે પામવાની ઈચ્છા ) વેરી છે.   ટુંકમાં અહીં કર્મ યોગ નું વર્ણન  કરી પાછું જ્ઞાન યોગ થી સમાપ્તિ  કરી છે કે-શરીર થી ઇન્દ્રિયો પર છે,ઇન્દ્રિયો થી મન પર છે,મન થી બુદ્ધિ પર છે,બુદ્ધિ થી પર આત્મા છે.  

અધ્યાય -૪ માં  જ્ઞાન અને કર્મ બંને ના સન્યાસ(ત્યાગ)વિષે કહ્યું છે.ઈશ્વર અધર્મ નો નાશ કરવા મનુષ્ય રૂપે (દેવરૂપે)અવતાર લે છે,જેને અજ્ઞાની લોકો ભગવાન માનવા તૈયાર નથી.જેથી તેનામાં  અસંખ્ય સંશયો પેદા થાય છે,જેને આત્મ જ્ઞાનની તલવારથી કાપી નાખી કર્મયોગ નું પાલન (યુદ્ધ)કરવાનું શીખવે છે..આત્મ -જ્ઞાની ને કર્મ નું બંધન રહેતું નથી.

અધ્યાય -૫ માં માત્ર કર્મ ના સન્યાસ(ત્યાગ) ની રીત શીખવવા યોગતત્વ નો પ્રારંભ કરેલો છે.પ્રકૃતિ (માયા)કાર્ય કરે છે,આ સમજી લઇ ,"હું કશું કરતો નથી પણ ઇન્દ્રિયો તેમના વિષયો માં પ્રવૃત   થાય છે" એમ વિચારવાનું કહે છે.ઇન્દ્રિયો ને તેમના વિષય માં થી કેમ પછી ખેંચી લેવી ,તે માટેની વિધિ નું વર્ણન કરેલ છે.  આમ જ્ઞાન થી જ કર્મ નો ત્યાગ કરી શકાય છે.

અધ્યાય -૬ -માં યોગ તત્વ પ્રાપ્ત કરવાન આસનો,અષ્ટાંગ યોગ,ચંચળ મન ને અભ્યાસ થી વશ કરવું ,આત્મા વડે આત્મા નો ઉદ્ધાર કરવો   વગેરે નું વર્ણન  કરેલ છે.ફળની આશા વગર પોતાનું કર્તવ્ય   કર્મ કરનાર તે સંન્યાસી અને યોગી છે.સંકલ્પ નો સંન્યાસ(ત્યાગ)કર્યા વિના યોગી થઇ શકતું નથી.યોગ પ્રાપ્તિ માટે યોગીને ‘કર્મ’ એ ‘સાધન’ છે.તે જ યોગી યોગ પ્રાપ્ત કરે પછી  કર્મત્યાગ એ ‘સાધન’ છે.કૃષ્ણ અર્જુન ને યોગી થવાનું કહે છે

અધ્યાય -૭ -.માં જે જાણીને  બીજું કંઇ  જ જાણવાનું બાકી ના રહે તે જ્ઞાન, વિજ્ઞાન સહિત કહેલું છે.પરા અને અપરા પ્રકૃતિ નું વર્ણન છે.દોરીમાં જેમ મણકા પરોવાયેલ છે તેમ સર્વ જગત   પરમાત્મા માં ગુંથાયેલું છે .ત્રિગુણાત્મક  માયા ને પાર  કરવા ઈશ્વર નું  શરણ તે એકમાત્ર ઉપાય છે.ચાર પ્રકારના જુદાજુદા ભક્તો નું વર્ણન છે.   યોગમાયા થી આવૃત થયેલા  પરમાત્મા    સર્વ ને દેખાતા નથી,અને અવ્યક્ત હોવા છતાં અજ્ઞાની ઓ પરમાત્મા  ને દેહ ધારી માને  છે.


અધ્યાય -૮ -માં બ્રહ્મ,અધ્યાત્મ,કર્મ,અધિભૂત,અધિદૈવ,અધિ યજ્ઞ ની વ્યાખ્યા આપી સમજાવ્યું છે.વળી
મરણ  સમયે પરમાત્મા નું સ્મરણ કરતાં કરતાં  શરીર છોડવું તે બતાવેલ છે.

અધ્યાય -૯ -માં અત્યંત ગુઢ માં ગુઢ જ્ઞાન નું વર્ણન છે.પરમાત્મા નું  અવ્યક્ત સ્વરૂપ છે, અને સકળ વિશ્વ તેનાથી વ્યાપ્ત છે.એનામાં સર્વ જીવો રહેલાં છે,પણ  તેમનામાં એ  સ્થિત નથી . જે રીતે સર્વ ગામી વાયુ આકાશ માં રહેલો છે,તેવી રીતે સર્વ જીવો તેના માં રહેલાં છે.પ્રકૃતિ નો આશ્રય લઇ કલ્પ ના અંતે તે
જીવોને ફરી પેદા કરે છે.દૈવી અને અસુરી પ્રકૃતિ ના મનુષ્યો નું વર્ણન છે.

અધ્યાય-૧૦-‘જ્ઞાન’ તથા ‘શક્તિ’  આદિનું મૂળ કારણ ઈશ્વર છે.સુખ દુઃખ જેવા અનેક વિવિધ ભાવો એનાથી જ ઉત્પન્ન થાય છે.જે જે વસ્તુ વિભૂતિ યુક્ત ,ઐશ્વર્યયુક્ત અને કાંતિ યુક્ત છે તે સર્વ તેના તેજ ના ‘અંશ’ થી ઉપજેલી છે.તેના  અંશ માત્ર થી સમગ્ર જગત ધારણ થયેલું છે.

અધ્યાય-૧૧ -માં કૃષ્ણે અર્જુન ને વિશ્વરૂપ-વિરાટ સ્વરૂપ નું દિવ્ય ચક્ષુ આપી દર્શન કરાવ્યું.કે જે માત્ર અનન્ય ભક્તિ વડે જ જોવાનું શક્ય છે.જે જોઈ અર્જુન હર્ષ અને ભય ને પામે છે.અને તેની વિનંતી થી કૃષ્ણ પાછા મૂળ
સ્વરૂપ ને ધારણ કરે છે.

અધ્યાય-૧૨ -માં બ્રહ્મ ના નિરાકાર કે સાકાર એ બંને માં કોણ શ્રેષ્ઠ છે?  અર્જુન ના પ્રશ્ન નો કૃષ્ણ જવાબ આપે છે.”મારામાં મન રાખીને, જે નિત્ય તત્પર રહીને શ્રદ્ધા થી મને ભજે છે,તે શ્રેષ્ઠ યોગી છે”ભક્તિ ને જ્ઞાન અને કર્મ ની પુરક બતાવી છે.અભ્યાસ કરતાં જ્ઞાન શ્રેષ્ઠ છે,જ્ઞાન કરતાં ધ્યાન શ્રેષ્ઠ છે,અને ધ્યાન કરતાં પણ કર્મ ફળોનો ત્યાગ શ્રેષ્ઠ છે એવું વર્ણન છે.

અધ્યાય-૧૩-માં ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ વિષે સમજાવતા કહે છે કે   શરીર ને ક્ષેત્ર કહેવાય છે,અને તેને જે જાણે છે તેને ક્ષેત્રજ્ઞ કહે છે.‘પ્રકૃતિ’  અને ‘પુરુષ’ ,બન્ને ને તું અનાદિ અને નિત્ય છે,, શરીરના રાગ-દ્વેષાદિ,સત્વ  આદિ  વિકારો ‘પ્રકૃતિ’ થી ઉત્પન્ન થયેલા છે.એવું વર્ણન છે.અંતે કહે છે કે જેમ સૂર્ય સર્વ લોકને પ્રકાશિત કરે છે તેમ એક જ  ‘ક્ષેત્રજ્ઞ’(આત્મા-પરમાત્મા),સર્વ ‘ક્ષેત્ર’ને(શરીરને)  પ્રકાશિત કરે છે

અધ્યાય-૧૪-માં પ્રકૃતિ,ગુણો અને ગુણાતીત વિષે સમજાવ્યું છે.અને કહે છે કે “મારી ‘મૂળ પ્રકૃતિ’(મહદ બ્રહ્મ પ્રકૃતિ) એ સર્વ ભૂતોની યોનિ સ્થાન (ગર્ભ સ્થાન) છે.તેમાં હું જ પિતા તરીકે ચેતન ના અંશ રૂપ બીજ મુકું છું અને હું જ માતા તરીકે ગર્ભ ધારણ કરું છું.જેના થી સર્વ ભૂતોની ઉત્પત્તિ થાય છે .સત્વ,રજસ અને તમસ એ ત્રણ ગુણો પ્રકૃતિ માં થી ઉત્પન્ન થયેલા છે,અને આ ત્રણ ગુણો, દેહમાં રહેલા અવિનાશી જીવાત્મા ને બાંધે છે.ભક્તિ યોગ થી આ ત્રણ ગુણો થી પર જઈ ગુણાતીત (બ્રહ્મ ભાવ) પામવા યોગ્ય બનાય છે.

અધ્યાય-૧૫-માં સંસાર રૂપી પીપળાના વૃક્ષ ના ‘મૂળ’ ઉપર છે અને શાખા ઓ નીચે છે,તથા તેનો કદી નાશ થતો નથી,એમ કહ્યું  છે.વેદ ના છંદો તેના પાંદડા છે,આ રહસ્ય ને જાણનાર વેદવેતા છે.અને
ક્ષર,અક્ષર અને પુરુષોત્તમ પુરુષો ને સમજાવી ગુહ્યત્તમ -અધ્યાત્મ શાસ્ત્ર સમજાવ્યું છે.

અધ્યાય-૧૬-માં દૈવી અને આસુરી સંપદ નું અને તેવા મનુષ્યો નું વર્ણન છે.પુરૂષ નો નાશ કરનાર -
કામ,ક્રોધ અને મોહ આ ત્રણ છે.એમ બતાવી .કરવા યોગ્ય કે ના કરવા યોગ્ય કર્મો નો નિર્ણય કરવામાં શાસ્ત્ર જ પ્રમાણ છે.માટે તેના મુજબ કરવા યોગ્ય કર્મ કરવા તે જ યોગ્ય છે.એમ કહ્યું છે.

અધ્યાય-૧૭-માં સાત્વિક,રાજસિક,તામસિક -ત્રણ પ્રકારની શ્રદ્ધા ,આહાર,યજ્ઞ,તપ,અને દાન નું
વર્ણન કરેલું છે.

અધ્યાય-૧૮-માં સન્યાસ અને ત્યાગ વિષે સમજાવતાં કહે છે કે --કામ્ય કર્મો (ફળની ઈચ્છા થી કરાતાં કર્મો)ના ત્યાગ ને જ્ઞાનીઓ ‘સંન્યાસ’ કહે છે.અને સર્વ કર્મોના ‘ફળ’ના ત્યાગ ને ‘ત્યાગ’ કહે છે.ત્યાગ ત્રણ પ્રકારનો છે,કર્તવ્ય તરીકે નિયત થયેલાં કર્મોનો મોહ-અજ્ઞાન વશ ત્યાગ તે તામસિક ત્યાગ   
કર્મો દુઃખરૂપ છે,એમ સમજી શારીરિક પીડાના ભયથી કર્મો નો ત્યાગ તે રાજસિક ત્યાગ ,
કર્તવ્ય કર્મ ને ધર્મ સમજી,આશક્તિ તથા ફળની ઈચ્છાનો ત્યાગ કરી કરેલો ત્યાગ તે સાત્વિક ત્યાગ. .
‘હું કર્તા છું’ એવો જેનામાં અહંકાર ભાવ નથી,અને ફળની ઇચ્છાથી જેની બુદ્ધિ લોપાતી નથી,તે જ્ઞાની સર્વ પ્રાણીઓને હણી નાખે,તો પણ ખરી રીતે તે મારતો નથી કે બંધન માં પડતો નથી.અંતે અર્જુન  કહે છે કે “આપની કૃપાથી મારો મોહ સંપૂર્ણ પણે દૂર થયો છે,અને હવે સંશય વગરનો થઇ આપના કહેવા પ્રમાણે જ કરીશ .”
જ્યાં યોગેશ્વર શ્રી કૃષ્ણ અને જે પક્ષમાં ધનુર્ધારી અર્જુન છે,ત્યાં લક્ષ્મી,વિજય,ઐશ્વર્ય અને અવિચળ નીતિ વાસ કરે છે(૭૮)

ગીતાસાર -૧૮ અધ્યાય -૧૮ પાના માં વાંચવા માટે-INDEX-પાના પર જવા માટે -અહીં ક્લિક કરો.