Dec 19, 2011

ભાગવત-૪

સ્કંધ-૧  (ભાગ-૨)


   PREVIOUS PAGE            NEXT PAGE                INDEX PAGE                           

અત્યંત વિચક્ષણ અને ઉચ્ચ બુદ્ધિ-જ્ઞાન ધરાવનાર વ્યાસે કૌશલ્યતાથી મહાભારત ના વિવિધ પ્રકારના પાત્રો સર્જી
વાર્તા રૂપે વેદ ના ગૂઢ જ્ઞાન ને સમજાવ્યું.જેમાં સતત પ્રવૃત્તિ માર્ગ નું (કર્મ) નું પ્રાધાન્ય બતાવ્યું છે.

મહા જ્ઞાની  હોવા છતાં વ્યાસને સમય જતા પુત્રેષણા થયેલી અને પુત્ર શુકદેવ ના આગમન પછી પુત્ર ની આશક્તિ પણ થયેલી.વળી જેને પોતે જ-- જે બ્રહ્મનું -દેવ- 'કૃષ્ણ' રૂપે અવતરણ કર્યું હોય , તેના પ્રતિ 'ભક્તિ' ની કમી રહી ગયેલી.અને પોતે આટ આટલા પ્રયત્નો અને લખાણ પટ્ટી કર્યા પછી પણ સામાન્ય માનવી માં ભક્તિભાવ પેદા કરી શક્યા નથી,કે પોતાનું જ્ઞાન લોકો ને સમજાવી શક્યા નથી તેનો અસંતોષ પેદા થઇ વ્યાકુળ થયાં છે.

નારદ જી નું આગમન થયું છે,કહે છેકે-
"તમે બધું કર્યું પણ ભગવાનના યશગાન ગાયા નથી.હરિ કીર્તન વગર હરિ પ્રસન્ન થતાં નથી,અને જ્ઞાન અધૂરું રહે છે.તમે એવી કથા લખો કે કન્હૈયો સર્વ ને વહાલો લાગે.અને સંસાર ની આશક્તિ છૂટે."
આમ કહી તે પોતાનો પૂર્વ ઇતિહાસ કહે છે.અને 'ભક્તિ' અને 'હરિકિર્તન' ની પ્રાધાન્યતા બતાવે છે.

વ્યાસજી હવે નદીકિનારે બેસી કૃષ્ણલીલા (ભક્તિ) પર લખવા બેસી 'ભાગવત' નું સર્જન કરે છે.
અને આ ભાગવત કથા તેમણે પોતાના નિવૃત્તિ પરાયણ પુત્ર શુકદેવ ને ક્રમ થી ભણાવી.

હવે જે ચાર શ્લોકો છે,તે આખા ભાગવત નો સંક્ષિપ્ત માં અર્થ છે.

"ભક્તિ યોગ વડે સારી રીતે નિશ્ચલ કરેલા મનમાં -પ્રથમ ઈશ્વરનું અને પછી તેના આશ્રયે રહેલી માયા નું તેમણે દર્શન કર્યું.
તેમણે જોયું કે-માયા વડે મોહિત થયેલો -જીવ -એ- પોતે માયાના ત્રણ ગુણો વગરનો હોવા છતાં ત્રણે ગુણો વાળો માની લે છે.અને
પોતાનું  'સ્વ'રૂપ ભૂલી જાય છે.---પાછું -આવું માનવાથી થતા-અનર્થો પણ પોતે કરેલા છે.એવું ય માને છે.આવા અનર્થો થી
શાંતિ માટે એક માત્ર ઉપાય ભક્તિ યોગ છે.--આ સમજાવવા માટે તેમણે ભાગવત ની રચના કરી" (ભા/૧/૭/૪-૫-૬)

હજુ ભાગવત ની કથાની શરૂઆત થઇ નથી,પણ જેમાં થી શ્રી કૃષ્ણ ની અનેક કથા ઓ નીકળે તે મહાભારત ના અંત ભાગ નું થોડુંક વિવરણ કરી,પરીક્ષિત સુધીની પૂર્વ ભૂમિકા નું વિવરણ ચાલુ છે.

--મહાભારત નું યુદ્ધ ખતમ થયું છે,ત્યારે અશ્વસ્થામા દ્રૌપદી ના બધા પુત્રો ની હત્યા કરે છે.શોક માં ડૂબેલી દ્રૌપદી ને અર્જુન આશ્વાસન આપી ,અશ્વસ્થામા ને પકડી તેની સમક્ષ હાજર કરે છે,ત્યારે દ્રૌપદી ના કહેવાથી અને કૃષ્ણ ની સલાહ થી અર્જુન તેન મસ્તક નો મણિ અને કેશ કાપી માનભંગ કરી જવા દે છે.
--અભિમન્યુ ની પત્ની ઉત્તરા ના પેટમાં રહેલા ગર્ભ (પરીક્ષિત) ની કૃષ્ણ બ્રહ્માસ્ત્ર થી રક્ષા કરે છે.
--બાણશૈયા પર સુતેલા ભીષ્મે પાંડવોને ધર્મોપદેશ કર્યો.અને કૃષ્ણ ની સ્તુતિ કરી દેહત્યાગ કર્યો.
--કૃષ્ણ પછી દ્વારકા પધારે છે.
--વિદુરના ઉપદેશ થી ધૃતરાષ્ટ્ર વનમાં જાય છે.અને પાંડવો રાજ્ય સંભાળે છે.
--પાંડવોના એક માત્ર વંશજ -પરીક્ષિત નો જન્મ થાય છે.
--પાંડવો હિમાળે હાડ ગાળવા જાય છે અને કૃષ્ણ માનવ શરીર નો ત્યાગ કરે છે.
--પરિક્ષિત રાજ્ય ચલાવે છે.
--એક દિવસ રાજા ના વેશ માં 'કલિયુગ' જયારે ગાય અને બળદ ને મારતો હોય છે ત્યારે પરિક્ષિત કલિયુગને શિક્ષા કરવા તલવાર ઉગામે છે.કલિયુગ શરણે આવી -ક્યાંક રહેવા માટે જગા ની માગણી  કરી અભય વચન માગેછે.
--ઉદાર પરિક્ષિત તેને રહેવા પાંચ સ્થાન આપે છે.
૧/ જુગાર (માં અસત્ય રૂપે)--૨/ મદિરાપાન(માં મદ રૂપે)--૩/ સ્ત્રી(માં કામ રૂપે)--૪/ હિંસા(માં દયાનાશક ક્રૂરતા રૂપે)--૫/ સોનું(માં વેર રૂપે)
--આમ તો શ્રી કૃષ્ણે પૃથ્વી પર થી વિદાય લીધી ત્યારેજ 'કલિયુગ' નું આગમન થઇ ચૂક્યું હતું, (ભા/૧/૧૮/૬)
પણ દ્વેષ થી મુક્ત પરિક્ષિત ના રાજ્ય માં તેનું કંઇ ઉપજતું નહોતું. પણ હવે તેને મોકળાશ મળી.

--એક દિવસ મૃગયા કરતાં પરિક્ષિત ને તરસ લાગી ત્યારે તે જંગલમાં સમીક ઋષિના આશ્રમે ગયો ત્યારે
સમીક ધ્યાન માં બેઠેલા હતા અને પોતાને માનપાન ના મળતા ગુસ્સાથી તેમના ગળે સર્પ લગાવી રાજા ત્યાંથી નીકળી ગયો. સમિક ના પુત્ર શૃંગી એ આ જોયું અને ગુસ્સા થી પરિક્ષિત ને શ્રાપ આપ્યો કે-
'સાતમે દિવસે તક્ષક નાગ કરડી તારું મૃત્યુ થશે'
--આમ સાત  દિવસ માં આવનારા મૃત્યુ ના વિચાર થી પરિક્ષિત માં વૈરાગ્ય આવ્યો અને ગંગા કિનારે જઈ અનશન લઇ ,અનન્ય ભાવે કૃષ્ણ ચરણ નું ધ્યાન કરવા લાગ્યો.
--એકત્રિત થયેલા ઋષિ મુનીઓ માં શુકદેવજી નું આગમન થયું છે.એમને પરિક્ષિત પ્રશ્ન કરે છે----

"સર્વ કાળે અને ખાસ કરીને મરણ કાળે શરીર,ઇન્દ્રિયો અને અંતઃકરણ દ્વારા કરવા યોગ્ય પવિત્ર કાર્ય શું છે?"  (ભા/૧/૧૮/૨૪)

-----પહેલો સ્કંધ સમાપ્ત -----

   PREVIOUS PAGE            NEXT PAGE                INDEX PAGE