More Labels

Aug 28, 2020

ભાગવત રહસ્ય -૩૭૪

સોહામણી શરદ ઋતુ આવી છે.વૃંદાવનની શોભા અનેરી બની છે.મંદમંદ સુગંધી પવન વહેતો હતો.એવા વૃંદાવનમાં ગાયો અને ગોવાળ મિત્રો સાથે શ્રીકૃષ્ણ ગાયો ચરાવે છે.શ્રીકૃષ્ણ પોતાના હોઠ પર વાંસળી મૂકી અને મધુર સુરો વહાવે છે. ગોપીઓ આ વાંસળી સાંભળે છે.કનૈયાની વાંસળીનો નાદ સાંભળી ગોપીઓ જે વર્ણન કરે છે તેને વેણુગીત કહે છે.

નામ અને નાદની ઉપાસના કરવાથી ચિત્તની શુદ્ધિ થાય છે.“નાદ” માં રૂપની (દેહની) વિસ્મૃતિ થાય છે. વાંસળી એ નાદ બ્રહ્મની ઉપાસના છે.નાદ બ્રહ્મની ઉપાસના વગર પ્રભુના દર્શન થતા નથી.
કનૈયાની વાંસળીનો નાદ જ્યાં સુધી ના સંભળાય ત્યાં સુધી કૃષ્ણનાં દર્શન થતા નથી.
કનૈયાની મધુર વાંસળીનો નાદ સાંભળતાં ગોપીઓ ને સમાધિ લાગી છે.મધુર નાદમાં મનનો લય કરવા 
આ વેણુગીતની કથા છે.વેણુનાદ ના આ નાદબ્રહ્મના આનંદ આગળ બધા આનંદો ફિક્કા છે.
વેણુગીતમાં પ્રત્યેક શ્લોક બોલનારી ગોપી ભિન્ન ભિન્ન છે.શ્રીધર સ્વામી એ લખ્યું છે કે-દરેક શ્લોક બોલનારી ગોપી જુદીજુદી હોવા ના કારણે,એક બીજા શ્લોક વચ્ચે સંભંધ નથી.

શ્રીકૃષ્ણ ગિરિરાજમાં છે.અને ત્યાં જે વાંસળી વગાડે છે,તે ગોપીઓ પોતાના ઘરમાં બેઠાં બેઠાં સાંભળે છે.
કહેવાય છે કે –ભક્તિ વધે એટલે દૂરદર્શન અને દૂરશ્રવણની શક્તિ આવે છે.
ગોપીઓની ભક્તિ વધી છે,એટલે તેમને આ બંને સિદ્ધિઓ પ્રાપ્ત થઇ છે.
પહેલાં તો ગોપીઓ લાલાના દર્શન કરવા નંદબાબાના મહેલ માં દોડી જતી હતી, પણ આજે હવે તેને 
તેમ કરવાની જરૂરત રહી નથી. ગોપીઓને ઘરમાં જ શ્રીકૃષ્ણનાં દર્શન થાય છે.
લાલાની વનની લીલાઓ તે ઘરમાં બેઠે બેઠે જ જોઈ શકે છે,લાલાની વાંસળીનો નાદ સાંભળી શકે છે.

ઘરનું કામ કાજ પતાવીને ગોપીઓ ટોળે વળી ને બેસે છે અને આપસમાં લાલાની વાતો કરે છે.
એક કહે છે-કે- અરે,સખી,જયારે શ્યામસુંદર શ્રીકૃષ્ણ અને ગૌર સુંદર બલરામની જોડી ગોપબાળકો 
સાથે ગાયોને હાંકીને વન માં લઇ જતા હોય કે-વ્રજ માં પરત આવી રહ્યા હોય,અને 
જયારે,શ્રીકૃષ્ણે હોઠ પર મુરલી ધારણ કરી હોય-પ્રેમભરી તિરછી ચિતવનથી અમારી સામે 
તે જોઈ રહ્યા હોય અને તે સમયે આપણે તેમના મુખની માધુરીનું પાન કરતા હોઈએ,
ત્યારે,આપણા જીવનમાં શરીર ને જે બે આંખો મળી છે,તેની સફળતા સમજાય છે.
કૃષ્ણ-બલરામ ઉત્તમ નટોના સમાન શોભે છે. આવા શ્રીકૃષ્ણના જેઓએ દર્શન કર્યા છે,
તેઓ ને જ આંખનું ફળ પ્રાપ્ત થયું છે. જીવનમાં જે આંખો મળી છે તે સફળ છે.

બીજી સખી કહે છે-કે-આ કનૈયો વાંસળી વગાડે છે તે તો તું સાંભળ.વાંસળીને 
સદાય કનૈયો પોતાની કેડમાં ખોસી રાખે છે,જમવા બેસે કે સુએ ત્યારે પણ તે સાથે જ હોય છે.
તેથી વાંસળી એ શ્રીકૃષ્ણની પટરાણી છે.વાંસળીને લાલાનો નિત્ય સંયોગ પ્રાપ્ત થયો છે.
આ વાંસળીએ પૂર્વ જન્મ માં એવાં શું પુણ્ય કર્યા હશે કે શ્રીકૃષ્ણના અધરામૃતનું નિત્ય પાન કરે છે.
એટલે ગોપીઓ વાંસળીને પ્રશ્ન કરે છે કે-તેં એવું તે શું પુણ્ય કર્યું કે ભગવાને તને અપનાવી છે?
      PREVIOUS PAGE
     NEXT PAGE
   INDEX PAGE