Nov 5, 2020

ભાગવત રહસ્ય -૪૩૭

મહાત્માઓ કહે છે કે-ગોકુળના શ્રીકૃષ્ણ અનેરા લાગે છે,ગોકુળનું સ્વ-રૂપ દિવ્ય છે,
ગોકુળમાં શ્રીકૃષ્ણે અલૌકિક પ્રેમ અને આનંદનું દાન કર્યું છે.
તત્વ દૃષ્ટિથી જોવામાં આવે તો,ગોકુળના,મથુરાના અને દ્વારકાના શ્રીકૃષ્ણ એક જ છે.
અગિયાર વર્ષના શ્રીકૃષ્ણ અને બળદેવને વસુદેવે જનોઈ આપી છે,
ગર્ગાચાર્યે ગાયત્રી મંત્રની દીક્ષા આપી છે,શ્રીકૃષ્ણ અને બલરામ “બ્રહ્મચારી”  થયા છે.

આ સંસાર માયામય છે,સંસારમાં આવ્યા પછી મનુષ્યને કંઈક ને કંઈક માયા વળગે જ છે.કોલસાની ખાણમાં ગયા પછી હાથ કાળા થાય જ છે. જે સંસારમાં ફસાયેલો છે,તેને સત્સંગની,સદગુરૂની જરૂર પડે છે,એવો જગત ને આદર્શ બતાવવા,શ્રીકૃષ્ણ સાંદીપની ઋષિને ત્યાં વિદ્યાભ્યાસ માટે ગયા છે.જેના શ્વાસમાંથી વેદ નીકળ્યા છે 
તે પોતે આજે વેદ ભણવા ગયા છે.ગુરુકુળમાં નિવાસ કરે છે.

કેવળ પ્રયત્નથી વિદ્યા મળે તે અભિમાન ને સાથે લાવે છે,સદગુરૂનું મહત્વ એટલે છે કે તેમના ચરણમાં
બેસવાથી અભિમાન જાય છે,અને વિવેક તથા વિનય આવે છે.
ભગવાન શ્રીકૃષ્ણ ગુરુજીને ઘેર પાણી ભરતા,જંગલમાંથી લાકડાં લઇ આવતા.
શ્રીકૃષ્ણ સાંદીપનીના આશ્રમ માં અધ્યાત્મ-વિદ્યા ભણ્યા છે,પૈસા કમાવાની વિદ્યા નહિ.
આજકાલ પૈસા કમાવાની વિદ્યા શીખવાડવામાં આવે છે.પણ સંસાર બંધનમાંથી છોડાવનારી વિદ્યાની,
વિનય,વિવેક,સંયમ અને આત્મસ્વરૂપનું જ્ઞાન આપતી, વિદ્યા કોઈ શીખવાડતું નથી.
અત્યારે જ્ઞાન ખૂબ વધ્યું છે,પણ તે જ્ઞાનનો ઉપયોગ છળકપટ કેમ કરવું તેમાં જ થાય છે,

શ્રીકૃષ્ણ જયારે ગુરુકુળમાં રહ્યા તે વખતે સૌરાષ્ટ્રનો એક ગરીબ બ્રાહ્મણનો છોકરો ત્યાં ભણવા આવ્યો.
તેની સાથે પ્રભુની મૈત્રી થઇ છે. એ મિત્રનું નામ છે સુદામા.
સુદામા એટલે ઇન્દ્રિયોનો દમ (નિગ્રહ) કરનાર.ઇન્દ્રિયોના દમ વગર વિદ્યા મળતી નથી.
તે સૂચવવા શ્રીકૃષ્ણનો સહાધ્યાયી માત્ર એક જ બતાવ્યો છે.
સુદામા સાથે મૈત્રી થાય તો જ સરસ્વતીની ઉપાસના થાય.વિદ્યાર્થી માટે વિલાસી જીવન નથી.

આત્મ-તત્વનું સંદીપન કરી-અને કરાવી શકે તે સાંદીપની.
સદગુરૂ કાંઇ બહારથી કશું લઇ આવે છે તેવું નથી.આપણી અંદર જે આત્મ-તત્વ છે તેનો જ સદગુરૂ
અનુભવ કરાવે છે.જ્ઞાનમાર્ગમાં જે મળ્યું છે (આત્મ-તત્વ) તેની જ પ્રાપ્તિ કરવાની છે.(પ્રાપ્ત ની પ્રાપ્તિ).

ભગવાને સંયમ(સુદામા) સાથે મૈત્રી કરી સદાચારી જીવન ગાળીને વિદ્યાભ્યાસ પુરો કર્યો છે.
સાંદીપનીને કહે છે કે-આપે અમને સાચું સુખ ક્યાં છે તે સમજાવ્યું,આપને ગુરુદક્ષિણામાં શું આપું ?

સાંદીપની ઋષિ કાંઈ માગતા નથી,કહે છે કે-કોઈ અપેક્ષા વગર મેં વિદ્યા આપી છે.મને કાંઇ જોઈતું નથી.
જેના હાથમાં લક્ષ્મીપતિ આવે તે નિરપેક્ષ (અપેક્ષા વગરનો) થઇ શકે છે.હાથમાં એક બે લાખ રૂપિયા આવ્યા હોય તે નિષ્કામ થઇ શકતો નથી,નિષ્કામ તે બને છે જેને ભગવાન મળ્યા છે.

પ્રભુએ કહ્યું કે –તમને જરૂર નથી પણ ગુરુદક્ષિણા આપ્યા વગર મારી વિદ્યા સફળ થાય નહિ.માટે કંઈક માગો. ત્યારે સાંદીપની કહે છે કે-મારી ગુરૂ દક્ષિણા એ જ છે કે-તને કોઈ લાયક સદશિષ્ય મળે તો 
કંઈ પણ લેવાની ઈચ્છા રાખ્યા વગર જ્ઞાનદાન કરી ને વિદ્યા-વંશને આગળ વધારજે.
લાયક ચેલો મળે તો જ્ઞાન આપવામાં સંકોચ રાખીશ નહિ,અન્નદાન-ધન-દાનથી થોડો સમય શાંતિ મળે છે,
પણ વિદ્યાદાન થી હંમેશ માટે શાંતિ મળે છે. મારી વિદ્યાનો વંશ વધારજે,એ જ મારી ગુરુદક્ષિણા છે.
મારો તને આશીર્વાદ છે-કે લક્ષ્મી તારાં ચરણોમાં નિત્ય રહેશે.
(પિતા-પુત્ર ના વંશ ને “બિંદુ-વંશ” કહે છે,ગુરૂ-શિષ્ય ના વંશ ને “નાદ-વંશ” કહે છે.નાદ-વંશ શ્રેષ્ઠ છે)

      PREVIOUS PAGE
     NEXT PAGE
   INDEX PAGE