More Labels

Nov 6, 2020

ભાગવત રહસ્ય -૪૩૮

શ્રીકૃષ્ણે ગુરૂ-સાંદીપનીની આજ્ઞાનું બરોબર પાલન કર્યું છે.(૧) જયારે મહાભારતના યુદ્ધમાં,અર્જુન બે હાથ જોડીને કહે છે કે હું તમારો શિષ્ય છું,તે વખતે,પ્રભુએ ગીતાના જ્ઞાનનો ઉપદેશ કર્યો છે.જે ગીતાના જ્ઞાનનો અભ્યાસ મહાપુરુષો આખી જિંદગી કરે છે,
તેવું દિવ્ય જ્ઞાન અર્જુનને આપ્યું,પણ ભગવાને કંઈ (ગુરુદક્ષિણા) માગ્યું નથી.અર્જુનની સેવા પણ લીધી નથી,પણ ઉપરથી સેવા કરી છે.યુદ્ધમાં થાકેલો અર્જુન સૂઈ જાય ત્યારે ઘોડાઓની પણ સેવા કરી છે,બદલામાં કશું લીધું નથી.

શ્રીકૃષ્ણે શિષ્યની સેવા કરીને જગતને બોધ આપ્યો છે,એટલે તો-શ્રીકૃષ્ણમ વંદે જગદગુરુમ –કહેવાય છે.
(૨) શ્રીકૃષ્ણે છેલ્લે ઉદ્ધવને પણ જ્ઞાનનો ઉપદેશ (ઉદ્ધવ-ગીતા) કર્યો છે,બદલામાં કંઈ માગ્યું નથી.

ગુરૂ નિરપેક્ષ (અપેક્ષા વગરનો) અને શિષ્ય નિષ્કામ હોવો જોઈએ.
આજકાલ તો લોકો ગુરૂ પાસે આશા રાખીને જાય છે,”મહારાજના આશીર્વાદથી મારે ઘેર બાબો આવે.”
પરંતુ સંતતિ અને સંપત્તિનો આશીર્વાદ ખરા સંત આપતા નથી.
સંત તો વિકાર-વાસનાનો નાશ કરી કોઈ અપેક્ષા વગર અલૌકિક ભજનાનંદનું  દાન કરે છે.

શ્રીકૃષ્ણને ગુરૂ દક્ષિણા આપવાની બહુ જ ઈચ્છા હતી.એટલે ઘરની અંદર ગયા અને ગુરુપત્નીને કહે છે-કે-
ગુરુજી ભલે ના પાડે,પણ મારે ગુરુજીને કાંઇક આપવું છે.ત્યારે ગુરુપત્ની કહે છે કે-અમે પ્રભાસની જાત્રાએ 
ગયા હતા,ત્યારે મારો પુત્ર સમુદ્રમાં ડૂબી મરણ પામેલો,ગુરુદક્ષિણામાં તે બાળક લાવી આપો.
આવી દક્ષિણા તો માત્ર ભગવાન જ આપી શકે.

ભગવાન શ્રીકૃષ્ણ તે બાળકને ખોળવા માટે સમુદ્રમાં ગયા,બાળક તો ત્યાં મળ્યો નહિ,
પણ ત્યાંથી “પાંચ જન્ય” શંખ મળ્યો.તે ધારણ કર્યો,હવે મુરલીધર કૃષ્ણ,શંખધર બન્યા છે.
ત્યાંથી શ્રીકૃષ્ણ યમપુરીમાં ગયા,યમરાજે ક્ષમા માગી અને મરી ગયેલા (ગુરુદેવના) પુત્રને લઇ આવ્યા.
ગુરૂ-પત્નીએ હૃદયથી આશીર્વાદ આપ્યા છે.

શ્રીકૃષ્ણે ગોકુળની લીલા -૧૧-વર્ષ સુધી કરી.
મથુરાની લીલા -૧૪-વર્ષ ચાલી.પછીની દ્વારકાની લીલા ૧૦૦ વર્ષ ની છે.
શ્રીકૃષ્ણ -૧૨૫- વર્ષ પૃથ્વી પર રહ્યા તેવું એકાદશ સ્કંધમાં વર્ણન છે.
શ્રી કૃષ્ણ વિદ્યાભ્યાસ કરીને મથુરા આવ્યા છે,યાદવોને પરમાનંદ થયો છે.રાજમહેલમાં મુકામ કર્યો છે.

હવે ઉદ્ધવાગમનનો પ્રસંગ આવે છે. આ પ્રસંગમાં જ્ઞાન-અને ભક્તિનો  “મધુર” કલહ બતાવ્યો છે.
ઉદ્ધવજી માને છે કે જ્ઞાન શ્રેષ્ઠ છે,જયારે ગોપીઓની નિષ્ઠા છે કે “સગુણ-પ્રેમ” (ભક્તિ) શ્રેષ્ઠ છે.
આ પ્રસંગમાં જ્ઞાન અને ભક્તિનો સમન્વય થયો છે.ભક્તિ જ જ્ઞાનરૂપે પરિણમે છે.

જ્ઞાન એ ભક્તિ વગર “લંગડું” છે, જયારે ભક્તિ જ્ઞાન વગર “આંધળી”  છે.
પરમ તત્વને પામવાના રસ્તા પર, ભક્તિ અને જ્ઞાન બંનેની જરૂર છે.
કેટલાક વિપત્તિ (દુઃખ) આવે ત્યારે ભક્તિ કરે છે,સંપત્તિ (સુખ)માં નહિ.પણ
જેનું જ્ઞાન પરિપૂર્ણ હશે તે સુખમાં પણ ભક્તિ કરશે,અને પરમ-તત્વને પામશે.

આરંભમાં “દાસોહમ” (હું સેવક છું) એવી ભાવના દૃઢ કરી આરાધના કરતા સાધકને થાય છે કે-
“ભગવાન મારા છે” તે પછી અનુભૂતિ વધે ત્યારે દેહભાન (હું શરીર છું) ભુલાય છે,
અને માત્ર એક ભગવાન જ રહે છે,અને સાધકને અનુભવ થાય છે કે-“હું જ ભગવાન છું.”
“દાસોહમ” માંથી હવે “સોહમ” થાય છે. જીવન સફળ થાય છે.

      PREVIOUS PAGE
     NEXT PAGE
   INDEX PAGE