More Labels

Dec 4, 2020

ભાગવત રહસ્ય -૪૬૬

નારદજી તે પછી જુદા જુદા મહેલ માં ગયા.દરેક મહેલમાં શ્રીકૃષ્ણ હાજર છે.
કોઈ મહેલમાં તે બાળકો ને રમાડે છે,કોઈ મહેલમાં ભોજન કરે છે,કોઈ મહેલમાં જપ કરે છે.નારદજી જ્યાં જાય છે,ત્યાં ભગવાન છે.ભગવાને ગૃહસ્થાશ્રમનો આદર્શ બતાવ્યો છે.ફરતાં ફરતાં નારદજી થાકી ગયા છે,વિચારે છે કે હવે ક્યાંય જળપાનનો પ્રબંધ થાય તો સારું.તે બીજા એક મહેલમાં પ્રવેશ્યા,તો ત્યાં ભગવાન પૂછે છે કે –નારદજી ક્યારે આવ્યા? નારદજી તો ચાર કલાકથી અથડાતા હતા છતાં તેમણે કહ્યું કે –અત્યારેજ આવ્યો.

આ તો મહાયોગેશ્વર શ્રીકૃષ્ણની માયા હતી.શ્રીકૃષ્ણે નારદજીને જોડે બેસાડી ત્યાં આજુબાજુ બેઠેલા
બધાને અને નોકરોને બહાર જવાનું કહ્યું.અને હવે શ્રીકૃષ્ણ નારદજીને કહે છે કે-
અલ્યા,નારદ,તું આવે એટલે હું ઉઠીને ઉભો થાઉં છું,તારું સન્માન કરું છું,તારી પૂજા કરું છું,એટલે,
તું શું મારાથી મોટો છે?એ તો જગતને હું ગૃહસ્થાશ્રમનો આદર્શ બતાવું છું,તું કાંઇ મારાથી વધારે નથી.
તારો અને મારો ખાનગી સંબંધ છે.તું બ્રહ્માનો પુત્ર છે તો બ્રહ્મા મારો પુત્ર છે.એટલે હું તારો દાદો થાઉં.
મારો વૈભવ જોઈને તારે રાજી થવું જોઈતું હતું, તેને બદલે કલહ જગાડવા આવ્યો છું?
નારદજીએ માફી માંગી અને ત્યાંથી વિદાય થયા છે.

તે પછી અધ્યાય -૭૦માં ભગવાનના દિનચર્યાની કથા કહી છે.
શ્રીકૃષ્ણ રોજ સવારે ચાર વાગે ઉઠતા,ધ્યાન,સ્નાન,સંધ્યા અને સૂર્યને અર્ઘ્ય-દાન,ગાયત્રી જપ વગેરે
કરી,માતપિતાને વંદન કરી,તે પછી વ્યવહારિક કર્મો કરતા.
અગ્નિને આહુતિ આપી,ગરીબોને અન્ન-દાન,બ્રાહ્મણોને ગાયોનું દાન કરે છે,ગાયોની સેવા કરે છે.

એક વખત નારદજી આવ્યા અને શ્રીકૃષ્ણને કહે છે કે-જરાસંઘે અનેક રાજાઓને કેદમાં રાખ્યા છે,
તેમને મુક્ત કરાવો.બીજી તરફ યુધિષ્ઠિર તરફથી રાજસૂય યજ્ઞનું આમંત્રણ આવ્યું.
પ્રભુ વિચારે છે કે આમાં કયું કામ પહેલું કરવું ? નારદજી કહે છે કે-પહેલાં રાજસૂય યજ્ઞમાં પધારો.

રાજસૂય યજ્ઞ તે કરી શકે છે કે જે જગતના સર્વ રાજાઓને હરાવે છે.
જુદી જુદી દિશામાં જુદાજુદા યોદ્ધાઓ ને દિગ્વિજય કરવા માટે મોકલવામાં આવે છે.
યજ્ઞના બહાને અનેક રાજાઓનો હરાવ્યા છે.એક જરાસંઘ બાકી છે.
જરાસંઘ મહાન શિવભક્ત છે.તેને કેવી રીતે જીતવો ?
પ્રભુ કહે છે કે-કપટ કર્યા વગર જરાસંઘ જીતાય તેમ નથી.હું,અર્જુન અને ભીમ, બ્રાહ્મણનો વેશ ધારણ કરી
ત્યાં જઈએ,અને દાનમાં ભીમસેનની સાથે દ્વંદ-યુદ્ધની માગણી કરીશું.

આમ નક્કી કર્યા મુજબ,શ્રીકૃષ્ણ,ભીમ અને અર્જુન જરાસંઘને બારણે બ્રાહ્મણ બનીને આવ્યા છે.
જરાસંઘે દાન માગવા કહ્યું અને દ્વંદ-યુદ્ધની માગણી કરવામાં આવી.ભીમ અને જરાસંઘ સતાવીશ દિવસ 
સુધી દ્વંદ-યુદ્ધ કરે છે પણ જરાસંઘ મરતો નથી.ભીમે શ્રીકૃષ્ણને ફરિયાદ કરી,તમે તો રોજ મોજ કરો છો પણ અહીં મારો માર ખાઈને દમ નીકળે છે,કોઈ યુક્તિ બતાવો.

શ્રીકૃષ્ણ કહે છે કે-તું મારા સામે જોયા વગર લડે છે તેથી તે જરાસંઘ મરતો નથી.
મારી સામે જોતો જોતો તું જરાસંઘ સામે લડ અને હું યુક્તિ બતાવું તે પ્રમાણે કર,એટલે તે મરશે.
બીજે દિવસે યુદ્ધ થયું,શ્રીકૃષ્ણે વૃક્ષની એક શાખા ચીરી ભીમને સૂચવ્યું કે-આ પ્રમાણે ચીરી નાખ.
ભીમે જરાસંઘનો એક પગ નીચે દબાવ્યો અને બીજો પગ ખેંચી તેને ચીરી નાખ્યો.જરાસંઘ મરાયો છે.
જરાસંઘ નું આ પ્રમાણે મરણ થવાનું એક કારણ હતું.

      PREVIOUS PAGE
     NEXT PAGE
   INDEX PAGE