Dec 5, 2020

ભાગવત રહસ્ય -૪૬૭

જરાસંઘના પિતા બૃહદ્રથ મોટા ધર્માત્મા અને સત્યવાદી રાજા હતા.પણ તેમને કોઈ સંતાન નહોતું.એક વખત કૌશિક મુનિ તેમના નગરમાં આવ્યા,રાજાએ તેમની પૂજા કરી સન્માન કર્યું.મુનિએ રાજાને વરદાન માગવા કહ્યું, રાજાએ પુત્ર-પ્રાપ્તિની ઈચ્છા દર્શાવી.
ત્યારે મુનિએ ફળ આપ્યું અને કહ્યું કે આ તારી રાણીને ખવડાવજે તેથી તેને પુત્ર થશે.

રાજાને બે રાણીઓ હતી,બંને વચ્ચે સગી બહેન જેવો પ્રેમ હતો.એક બીજીને કહે કે તું ખા.
અંતે સ્ત્રી બુદ્ધિ વાપરી અને અડધું અડધું ફળ ખાધું જેથી બંને એ અડધા અડધા બાળકનો જન્મ આપ્યો.અડધા અડધા અંગનું શું કરવું ? એટલે તે નગર બહાર ફેંકી દીધાં.જરા નામની એક રાક્ષસીએ તે બંને અંગોને જોડીને એક કર્યા.એટલે તેનું નામ જરાસંઘ પડ્યું.જુદી જુદી વસ્તુને જોડો તો તે સાંધાની સ્થળે દુર્બળ હોવાની જ. એટલે ચીરી નાખવાથી જરાસંઘ મર્યો.

આ કથા નું રહસ્ય એવું છે કે-અર્જુન જીવાત્મા છે,શ્રીકૃષ્ણ પરમાત્મા છે અને ભીમ એ પ્રાણ છે.
જરા-એટલે કે વૃદ્ધાવસ્થામાં પ્રાણ (ભીમ) બહુ અકળાય છે.
આ પ્રાણ (ભીમ) શ્રીકૃષ્ણના સન્મુખ બને (શ્રીકૃષ્ણના સામું જુએ) તો તે વૃદ્ધાવસ્થા (જરા) ને મારી શકે.
પ્રતિ-શ્વાસે પ્રભુનું સ્મરણ થાય તો જરાસંઘ (જન્મ-મરણનો ત્રાસ) મરે છે.
આમ જરાસંઘને મારીને રાજાઓને કેદમાંથી છોડાવ્યા છે.

પાંડવોનો રાજસૂય યજ્ઞ થયો,તેમાં પહેલી પૂજા કોની કરવી જોઈએ તેનો પ્રશ્ન થયો.
યજ્ઞમાં વીસ હજાર ઋષિઓ આવેલા.બધાં એ નિર્ણય આપ્યો-શ્રીકૃષ્ણની પૂજા પહેલી કરવી જોઈએ.
બધા શ્રીકૃષ્ણની પહેલી પૂજા કરે છે.શિશુપાલથી આ સહન થયું નહિ.તે ફાવે તેમ બોલવા લાગ્યો.
“શ્રીકૃષ્ણ તો ગોવાળ છે,તેને શ્રેષ્ઠ કોને કહ્યો ?તે પૂજન ને યોગ્ય નથી”
આમ કહી તે શ્રીકૃષ્ણને ગાળો આપવા લાગ્યો.

શ્રીકૃષ્ણ શાંતિ થી સાંભળે છે,તેને શિક્ષા કરતા નથી. અર્જુન-ભીમ વગેરે તેને મારવા તૈયાર થયા.
તેમને પ્રભુ એ રોક્યા.કહે છે કે-મેં મારી ફોઈને વચન આપ્યું છે.
યુધિષ્ઠિર પૂછે છે કે-આપ તેને શિક્ષા કરતા નથી,તો એવું શું ફોઈને વચન આપ્યું છે?
શ્રીકૃષ્ણ કહે છે કે-આ શિશુપાલ જન્મ્યો ત્યારે તેને ચાર હાથ અને ત્રણ નેત્ર હતાં.તેની મા શ્રુતશ્રુવા ચિંતા
કરવા લાગી.તેવામાં આકાશવાણી થઇ કે-જેની ગોદમાં બેસવાથી તેના વધારાના હાથ ને નેત્ર ખરી પડશે,
તેના હાથે તેનું મરણ થશે.વિચિત્ર બાળક નો જન્મ થયાનું સાંભળી ને ઘણા રાજાઓ તેને જોવા આવ્યા અને ગોદમાં રમાડે.એક દિવસ હું પણ ત્યાં ગયો અને જેવો મેં તેને ગોદમાં લીધો કે તેના વધારાના હાથ અને નેત્ર ખરી પડ્યા.મારાં ફોઈ ગભરાયાં.તેમણે મારી પાસે વરદાન માગ્યું કે આ શિશુપાલ તારો જે કંઇ અપરાધ કરે તેને તું માફ કરજે.એટલે મેં કહ્યું કે તેના સો અપરાધ હું માફ કરીશ.

મારાં ફોઈ તેથી ખુશ થયાં.તેમણે વિચાર્યું કે તેમનો પુત્ર સો અપરાધ તો કરશે નહિ,એટલે તે મરશે નહિ.
પ્રભુ આજે શિશુપાલ જે ગાળો આપે છે તે ગણે છે.જેવી સો ગાળો પુરી થઇ એટલે સુદર્શન ચક્રથી તેનું માથું ઉડાવી દીધું. શિશુપાલ એ ક્રોધનું સ્વરૂપ છે,સુદર્શનચક્ર એ જ્ઞાનનું સ્વરૂપ છે.
ક્રોધને મારવાનો-શાંત કરવાનો ઉપાય છે જ્ઞાન.

એક વર્ષ રાજસૂય યજ્ઞ ચાલ્યો.યજ્ઞમાં બધાને આનંદ થયો છે,એક દુર્યોધન નારાજ થઇ અને અક્કડ બનીને ચાલ્યો ગયો છે. દુર્યોધને પછી કપટ કરીને પાંડવો ને જુગાર રમવા બોલાવી,હરાવી,વનમાં મોકલ્યા.
વનવાસ પછી પાંડવો એ રાજ્યની માગણી કરી,તે દુર્યોધને નામંજુર કરી.યુદ્ધના મંડાણ થયા છે.

દાઉજીને થયું કે અત્રે રહીશ તો કોઈના પક્ષમાં રહેવું પડશે એટલે તે તીર્થ યાત્રા કરવા નીકળી પડ્યા છે.
દાઉજીની  યાત્રાનું ખૂબ વર્ણન કર્યું છે.તેના પછી શુકદેવજી હવે સુદામા-ચરિત્રની કથા સંભળાવે છે..

      PREVIOUS PAGE
     NEXT PAGE
   INDEX PAGE