More Labels

Nov 8, 2013

ભાગવત રહસ્ય -૪૬૮

સુદામા કહે છે કે-મારો મિત્ર છે લક્ષ્મીનારાયણ અને હું છું દરિદ્રનારાયણ.મને જતાં સંકોચ થાય છે.
શ્રીકૃષ્ણ ને મળવા જઈશ તો લોકો કહેશે કે આ બ્રાહ્મણ માગવા આવ્યો છે.
મારો નિયમ છે કે-હું પરમાત્મા ને ઘેર પણ માગવા નહિ જાઉં,માગવું તે મારા માટે મરણ સમાન છે.
      PREVIOUS PAGE
     NEXT PAGE
સ્કંધ-૧૦  (ઉત્તરાર્ધ) -૧૭

જયારે તન્મયતા થાય છે ત્યારે સમાધિ લાગે છે.
ભાગવતની કથા કરતાં કરતાં  શુકદેવજી ને બે વખત સમાધિ લાગેલી છે.
પહેલી વખત જયારે શ્રીકૃષ્ણ બ્રહ્માને માયા બતાવે છે ત્યારે,(શ્રીકૃષ્ણ ગોપ-બાળકો,વાછરડાંનું  રૂપ લઇ ને ગયા ત્યારે) અને બીજી વખત –આ સુદામા ચરિત્ર નું વર્ણન કરતી વખતે.

શુકદેવજી વર્ણન કરે છે કે-
સુદામા ભગવાન ના ખાસ મિત્ર છે.સુદામા પોરબંદર માં બિરાજે છે.
સુદામા પવિત્ર,જીતેન્દ્રિય અને મહાજ્ઞાની છે.ચાર વેદ અને છ શાસ્ત્ર નું તેમને જ્ઞાન છે,આખો દિવસ પૂજા પાઠમાં ગાળે છે,જ્ઞાન અને ભક્તિ નું ફળ પૈસો નહિ,પ્રતિષ્ઠા નહિ,પણ પરમાત્મા ને મેળવવાનું છે.સતત પરમાત્મા નું ધ્યાન કરે તે લક્ષ્મીજી ને ગમતો નથી.લક્ષ્મીજી વિચારે છે કે-
“આ મારા માલિક સાથે પાંચ મિનિટ વાત પણ કરવા દેતો નથી” સુદામા ગરીબ પણ છે.

તેમ છતાં સુદામાએ અયાચક વ્રત લીધું હતું. (કોઈની પાસે કાંઇ માગવું નહિ-તેવું વ્રત)
સુદામા એ નિશ્ચય કરેલો કે-મારા જ્ઞાન નો ઉપયોગ મારે પરમાત્મા ના ધ્યાન માટે જ કરવો છે,પૈસા માટે નહિ.તેમને પ્રભુ સિવાય ની બીજી કોઈ પ્રવૃત્તિ ગમતી નથી.
સુદામા તેમના અપરિગ્રહ વ્રત મુજબ ઘરમાં સૂર્યોદય પહેલા જે આવે તે સૂર્યાસ્ત પહેલા વાપરી નાખે છે.
બીજા દિવસ માટે કશું રાખવાનું નહિ કે કોઈની પાસે માગવાનું નહિ. ઘરમાં દારિદ્રય છે.

સુદામા ની પત્ની નામ ભાગવત માં બતાવ્યું નથી પણ ઈતર ગ્રંથ મુજબ,તેમની પત્ની નું નામ સુશીલા હતું.
સુશીલા સુશીલ છે.પહેરવાને માત્ર એક વસ્ત્ર છે,સ્નાન કરી શરીર પર જ સાડી સૂકવે છે.
સુશીલા મહાન પતિવ્રતા છે.ગરીબી ને કારણે અનેકવાર ઉપવાસ થાય તેમ છતાં
સુશીલાએ કદી કીધું નથી કે,”તમે વિદ્વાન છો,બ્રાહ્મણ છો તો ક્યાંક કમાવા જાવ.”
ઘરમાં રહી પતિ-પત્ની સત્સંગ કરે કૃષ્ણ-કીર્તન કરે.એમનો ગૃહસ્થાશ્રમ,સન્યાશ્રમ ને શરમાવે તેવો છે.

પતિ પત્ની એકલાં હતાં ત્યાં સુધી ઘરમાં શાંતિ હતી.ભગવાન ની લીલા છે કે ઘરમાં બે ત્રણ બાળકો થયાં.
સુદામા ના ઘરમાં ઘણીવાર બાળકોને ખવડાવવા માટે કંઇ હોતું નથી.બાળકો માતા ને પજવે છે.
શિયાળા ની ઠંડીમાં છોકરાં ઉઘાડા દિલે-ઉઘાડા પગે ફરે છે,ઘરમાં ઓઢવાનું પૂરતું સાધન નથી.
બાળકો માતા ની પાછળ પડે છે.સુશીલા ને દુઃખ થાય છે,પોતાની જાત ને ધિક્કારે છે,અને વિચારે છે કે-
“મને પરમાત્મા એ માતા બનાવી પણ ખાવાનું કાંઇ આપ્યું નથી.એના કરતા મને વાંઝણી રાખી હોત તો
સારું હતું.મારા પતિદેવ ને હું કેમ કહું કે- તમે પ્રવૃત્તિ કરો.તે તો આખો દિવસ જપ-ધ્યાન કરે.
હું એકલી હતી ત્યાં સુધી બરોબર હતું પણ બાળકો ની આ દશા મારાથી જોવાતી નથી.”

એક દિવસ બહુ વ્યાકુળ થઇ એટલે પતિદેવ ને કહ્યું કે-નાથ, મારે તમને એક પ્રાર્થના કરવી છે,આપે કથામાં કહ્યું છે કે કનૈયો બહુ પ્રેમાળ છે,તેને મિત્રો બહુ વહાલા લાગે છે.મિત્રો માટે તે ચોરી પણ કરતો.
મેં સાંભળ્યું છે કે તમે કનૈયા ની સાથે ગુરુકુળ માં સાથે ભણતા હતા અને તમે કનૈયા ના મિત્ર છો.
તો તમારા મિત્ર ને મળવાની ઈચ્છા તમને થતી નથી?એક દિવસ તેમને મળવા જાવ. તમે તેને મળો તો આપણું દુઃખ દૂર થાય.

સુદામા કહે છે કે-મારો મિત્ર છે લક્ષ્મીનારાયણ અને હું છું દરિદ્રનારાયણ.મને જતાં સંકોચ થાય છે.
શ્રીકૃષ્ણ ને મળવા જઈશ તો લોકો કહેશે કે આ બ્રાહ્મણ માગવા આવ્યો છે.
મારો નિયમ છે કે-હું પરમાત્મા ને ઘેર પણ માગવા નહિ જાઉં,માગવું તે મારા માટે મરણ સમાન છે.

ડોંગરેજી મહારાજ ની કથા પર આધારિત
      PREVIOUS PAGE
     NEXT PAGE
   INDEX PAGE