Jul 19, 2021

Gujarati-Ramayan-Rahasya-18-ગુજરાતી-રામાયણ-રહસ્ય-18

કળિયુગમાં રામનું નામ કલ્પવૃક્ષ જેવું છે.તે કલ્પવૃક્ષની છાયામાં વાલિયો લુંટારો વાલ્મીકિ બની ગયો અને તુચ્છ તુલસીદાસ તુલસી જેવા પવિત્ર બની ગયા..
કળિયુગમાં રામ નામ ઈચ્છિત ફળ આપે છે,તેથી તેને કલ્પતરુ પણ કહ્યું છે.કળિયુગમાં ભક્તિ નથી,જ્ઞાન નથી પણ કેવળ રામનામ જ મનુષ્યનો સહારો છે.જ્ઞાન અને વૈરાગ્ય બધું રામનામમાંથી જ મળી આવે છે તે જ ગુરૂ અને તે જ તારણહાર છે.

શિવજી કહે છે કે-જ્યાં જ્યાં રામકથા થાય છે ત્યાં હનુમાનજી તે સાંભળવા હાજર રહે છે,
રામરક્ષા સ્તોત્રમાં ભક્ત રામજીનું શરણું સ્વીકારે છે સાથે સાથે હનુમાનજીનું પણ શરણું માગે છે.

હનુમાનજી ને મનના જેવા વેગવાળા,જીતેન્દ્રિય અને બુદ્ધિમાનોમાં વરિષ્ઠ કહ્યા છે.તેમને રામદૂત કહીને ભક્તો તેનું શરણ લે છે.રામદૂતને શરણે ગયા એટલે રામ સુધી પહોંચાડવાની જવાબદારી રામદૂતની.

રામનામ લેનારની રક્ષાનો ભાર હનુમાનજી ના માથે છે.
'મનોજવં મારુતતુલ્ય વેગં,જીતેન્દ્રીયમ બુધ્ધિમતાં વરિષ્ઠમ,
વાતાત્મજં વાનરયુથ મુખ્યમ,શ્રીરામ દુત્તમ શરણંપ્રપદ્યે'

બ્રહ્માજીએ વાલ્મીકીજીને વચન આપ્યું છે કે-જ્યાં સુધી પૃથ્વી પર નદીઓ અને પહાડો રહેશે ત્યાં સુધી તમારી રચેલી રામકથા લોકોમાં પ્રચાર પામશે.તુલસીદાસજી રામકથાને તરી ના શકાય તેવી નદી પરના મોટા પુલ જોડે સરખાવે છે.નદી પર પુલ ના હોય તો નદી પાર ના કરી શકાય,
પણ પુલ હોય તો એક નાની કીડી પણ નદી પાર કરીને સામે કિનારે પહોંચી જાય છે.

રામકથા સર્વે પાપોને હરનારી છે.કળિયુગની કામધેનુ છે,સંજીવની છે,અમૃતની કુપી છે,
ગંગાજી-જમુનાજી છે,ચિત્ત છે ,ચિત્રકૂટ છે,ચિંતામણી છે,મંગળ કરનારી છે,મુક્તિ આપનારી છે,
ભયંકર રોગોનો નાશ કરનારી છે,કામ,ક્રોધ,લોભ,મોહને હણનારી છે,વિષયોરુપી ઝેર ઉતારનાર મહામણિ છે,
લલાટમાં લખેલા કઠિન લેખોને ભૂંસનાર ઔષધિ છે,અને અંધકારને હણનાર રવિ (સૂર્ય) છે.

શિવજી સતત રામનામ જપે છે.પાર્વતીજી એનાં સાક્ષી છે.
એકવાર પાર્વતીજીએ પૂછ્યું કે-આપ રાત અને દિવસ રામ-રામ જપો છો,એ રામ શું અયોધ્યાના રાજા દશરથ ના પુત્ર છે કે પછી અજન્મા,નિર્ગુણ અને અગોચર બીજા કોઈ રામ છે ?
અને રામ જો બ્રહ્મ જ હોય તો સીતાજીના વિરહમાં સામાન્ય માનવીની જેમ આવા વિહ્વળ કેમ બની ગયા?
કૃપા કરી મારા મનની આ ગૂંચ આપ ઉકેલો.

રામનું નામ પડતાં જ શિવજી ગદગદ થઇ જાય છે.એમની આંખોમાંથી પ્રેમાશ્રુ ઝરે છે.
થોડી વાર ધ્યાનમગ્ન રહીને તેમણે રામજીની સ્તુતિથી શરૂઆત કરી કહ્યું કે-
જેમ,જાણ્યા વિના દોરીમાં સર્પનો ભ્રમ થાય છે,જેમ જાણ્યા વિના અસત્ય પણ સત્ય જણાય છે,
જેમ જાગ્યા પછી સ્વપ્નનો ભ્રમ જતો રહે છે,
તેમ,જેને જાણ્યા પછી સર્વ જગતનો લોપ થઇ જાય છે તેવા શ્રીરામચંદ્રજી ને હું વંદન કરું છું.
જેમનું નામ જપતાં સર્વ સિદ્ધિઓ સુલભ થાય છે તે મંગલ નામના ધામરૂપ અને અમંગળને દૂર કરનારા,શ્રી દશરથના આંગણામાં ખેલનારા,બાળસ્વરૂપ શ્રીરામચંદ્રજી મારા પર કૃપા કરો.

આમ રામજીની સ્તુતિ-યશ ગાઈ અને તેમની પ્રાર્થના કરી,તેમની કૃપાની યાચના કરી
શિવજી પાર્વતીજીને કહે છે કે-હે પાર્વતી જી,રામકથા એવી દિવ્ય છે કે,એના શ્રવણથી સ્વપ્ને પણ માણસને શોક,મોહ કે સંદેહ ના થાય.ભગવાને કાન દીધા છે,તે રામકથા સાંભળવા,પ્રભુએ આંખ દીધી છે તે
રામજીના દર્શન કરવા,પ્રભુએ મસ્તક દીધું છે તે હરિના ચરણમાં નમવા,પ્રભુએ હૃદય દીધું છે તે
રામજીની ભક્તિમાં સમર્પિત કરવા.અને પ્રભુએ જીભ દીધી છે તે રામનું નામ બોલવા.
પ્રભુએ દીધેલ ઇન્દ્રિયોનો સદુપયોગ ના કરે તે મનુષ્ય નથી પણ પશુ છે.


PREVIOUS PAGE         INDEX PAGE         NEXT PAGE