More Labels

Feb 2, 2014

Gujarati-Ramayan-Rahasya-43-ગુજરાતી-રામાયણ-રહસ્ય-43

રામ-જન્મ ની આગલી રાતે દશરથ રાજા સૂતેલા હતા ત્યાં તેમને રાત્રિના પાછલા પહોરે સુંદર સ્વપ્ન દેખાયું.તે સ્વપ્ન માં જુએ છે કે-તેમને આંગણે મહાત્મા અને ઋષિઓ પધાર્યા છે.અને પોતે સરયુ નદીમાં સ્નાન કરી,ઘેર આવી ઠાકોરજી ની પૂજા કરી ભગવાન ની આરતી ઉતારતાં ભગવાન ના શ્રીઅંગ ને નિહાળે છે,ત્યારે ભગવાન તેમની સામે જોઈ મરકમરક હસે છે.પછી તેમના શ્રીઅંગમાંથી દિવ્ય તેજ પ્રગટ થાય છે અને કૌશલ્યાજી ના શરીરમાં પ્રવેશ કરે છે.આટલું જુએ છે ત્યાં રાજા જાગી જાય છે.
જાગી ને દશરથ રાજા સીધા વશિષ્ઠ ઋષિ પાસે જઈ અને સ્વપ્નની વાત કહે છે.

મહર્ષિ આનંદ થી સ્વપ્ન નો વૃતાંત સાંભળે છે અને કહે છે કે-ઉત્તમ સ્વપ્ન-ઉત્તમ ફળ.
રાજા તમે ભાગ્યશાળી છો,ભગવાન નારાયણ તમારે ત્યાં પુત્ર-રૂપે અવતરવાના છે,તેનું આ સૂચન છે.
ચોવીસ કલાકમાં જ તમને આ સ્વપ્ન નું ફળ દેખાશે.
દશરથ ના આનંદનો પાર નથી.તેઓ પ્રભુ ની પોતાના પર ની અત્યંત કૃપા નો અનુભવ કરે છે

ચૈત્ર સુદ નવમી નો દિવસ છે,જડ અને ચેતન હર્ષ થી ભરપૂર છે.યોગ,વાર,તિથી બધું અનુકૂળ છે.
બપોર નો વખત છે,બહુ તાપ નથી કે બહુ ટાઢ નથી,મંદ શીતલ સુગંધી પવન વાય છે.
અયોધ્યા ના આકાશમાં બ્રહ્માદિ દેવો ની ભીડ જામી છે,ગંધર્વો ગીતો ગાય છે,દુંદુભિ ગડગડે છે.
ઋષિ-મુનિઓ,દેવો સ્તુતિ કરે છે.પૃથ્વી પરનાં બધાં તીર્થો આજે અયોધ્યામાં ભેગાં થયાં છે.
રામજી નાં દર્શન કરી ને તીર્થો પણ પાવન થવા આવ્યાં છે.
જેહિ દિન રામ જનમ શ્રુતિ ગાવાહિં.તીરથ સકળ તહાં ચલિ આવાહિ.

ભગવાન શંકર પણ કૈલાસધામ છોડી ને અયોધ્યામાં આવ્યા છે.એમને વૃદ્ધ બ્રાહ્મણ નું રૂપ ધર્યું છે.
ને માથે ટીપણું ખોસી ને જોષી બન્યા છે.”સદાશિવ જોષી” એવું નામ ધારણ કર્યું છે.અને
અયોધ્યા ની ગલીઓ માં –રામરામ-જપતા ફરે છે.વણપૂછી આગાહીઓ કરતા ફરે છે-કે-
આજે મારા આરાધ્ય-દેવ રામજી નો જન્મ થવાનો છે,હું તેમના દર્શન કરીશ અને તેમને રમાડીશ.

પવિત્ર સમય આવી પહોંચ્યો છે.ચૈત્ર માસ,શુક્લ પક્ષ,નવમી તિથી,પુનર્વસુ નક્ષત્ર,અને મધ્યાહ્ન કાળ,
ભગવાન નારાયણ શંખ,ચક્ર,ગદા,પદ્મધારી,ચતુર્ભુજરૂપે કૌશલ્યા ની સન્મુખ પ્રગટ થયા.
સિયાવર રામચંદ્ર કી જય !!!!

ભયે પ્રગટ કૃપાલા,દીનદયાલા,કૌશલ્યા હિતકારી,
હરર્ષિત મહતારી મુનિમન,અદભૂત રૂપ બિચારી,
લોચન અભિરામા,તનુ ઘનશ્યામા,નિજ આયુધ ભુજ ચારી,
ભૂષણ બનમાલા,નયન બિસાલા,શોભા સિંધુ ખરારી.

કૌશલ્યા-હિતકારી,દીનદયાળ કૃપાળુ પ્રભુ પ્રગટ થયા.મુનિઓ નાં મન હરનારા,તેવા તેમના અદભૂત રૂપ નો વિચાર કરી માતા ના હર્ષ નો પાર ના રહ્યો.નેત્રો ને આનંદ આપનારા,મેઘ સમાન શ્યામ શરીર વાળા,
ચારે ભુજાઓમાં આયુધો ધારણ કરેલાં છે,વિશાળ આંખો વાળા,અને આભૂષણો થી સજ્જ,
એવા ભગવાન નાં દર્શન કરી,કૌશલ્યાજી બે હાથ જોડી પ્રાર્થના કરવા લાગ્યાં.

હે અનંત,હું કયા પ્રકારે તમારી સ્તુતિ કરું?વેદ-પુરાણ કહે છે કે તમે માયાથી પર છો,ગુણાતીત છો,જ્ઞાનાતીત છો,માયાતીત છો.શ્રુતિઓ અને સંતો તમને કરુણા સાગર,સુખના સાગર અને સર્વ સદગુણો ના ભંડાર કહે છે.
હે પ્રભુ,મારા પર તમારો કેવો પ્રેમ કે તમે મારી ખાતર પ્રગટ થયા!!!!

ભગવાને શતરૂપા રાણી ને વરદાન આપેલું-કે-હું પુત્રરૂપે તમારે ત્યાં આવીશ,અને મારું ઈશ્વર-રૂપ તમે જોઈ શકશો. એ વચન સત્ય કરવા ભગવાન ચતુર્ભુજ રૂપે પ્રગટ થયા છે.

ચતુર્ભુજ એટલે ચારે બાજુ થી રક્ષણ કરવા વાળા,ચારે પુરુષાર્થ ના માલિક.
ભગવાનના એક હાથમાં શંખ છે –શંખ એટલે શબ્દ.શબ્દ માંથી સૃષ્ટિ પેદા થઇ છે,તે નાદ-બ્રહ્મ નું પ્રતિક છે.
ચક્ર એ ભક્ત જનોની રક્ષા અને દુર્જનો ના નાશ નું પ્રતિક છે.
ગદા એ જે શક્તિ વિશ્વ ને ધારણ કરી રહી છે તેનું પ્રતિક છે. અને

પદ્મ એ આનંદનું-સુખ નું-સૌન્દર્યનું પ્રતિક છે.પ્રભુ આનંદ-રૂપ,સૌન્દર્ય-રૂપ છે તે બતાવે છે. 

PREVIOUS PAGE         INDEX PAGE           NEXT PAGE