Aug 16, 2021

Gujarati-Ramayan-Rahasya-45-ગુજરાતી-રામાયણ-રહસ્ય-45

દશરથજીએ શ્રીરામનું બાલ-સ્વ-રૂપ જોયું અને આનંદની જાણે ભરતી ચડી.
દશરથજીને તે વખતે જે આનંદ થયો તેનું વર્ણન કરવાની જીભમાં શક્તિ નથી.
તુલસીદાસજી કહે છે કે-જીભ વર્ણન કેમ કરી શકે? એ બોલી શકે છે પણ એણે રામજીના દર્શન ક્યાં કર્યા છે?દર્શન તો નેત્રો એ કર્યા છે.અને તે નેત્રો ને વાચા નથી એટલે તે કેવી રીતે બોલી શકે ?

રામજી અને દશરથજીની આંખો મળી,રામજીએ સ્મિત કર્યું.દશરથજીને થયું કે-નક્કી લાલો મને ઓળખે છે.
પછી દશરથજી રામજીને મધ ચટાડવા લાગ્યા.તે વખતે તેમણે વશિષ્ઠને કહ્યું કે તમે વેદ મંત્રો તો બોલો.પણ તે વખતે વશિષ્ઠની દશા પણ જોવા જેવી હતી.પરબ્રહ્મનાં દર્શન થતા જ તેમનું સ્વ-નું ભાન ભૂલાઈ ગયું હતું.
તે કહે છે કે-હું શું વેદમંત્રો બોલું?રામના દર્શન કરતાં હું તે ભૂલી ગયો છું, હું તો મારું નામ પણ ભૂલી ગયો છું.
દર્શનમાં નામ-રૂપ ભુલાય ત્યારે દર્શનનો આનંદ આવે છે.ઈશ્વર દર્શન પછી વેદો પણ ભુલાય છે.
વેદા અવેદા ભવન્તિ,અત્ર મર્ત્યો અમર્ત્યો ભવતિ,અત્ર બ્રહ્મ સમશ્રુતે.
પ્રભુ વેદોથી પર છે,જ્ઞાનથી પણ પર છે,ઈશ્વરનો સાક્ષાત્કાર થયા પછી વેદોની પણ જરૂર નથી.


રાજમહેલનું આખું આંગણું સ્ત્રી-પુરુષોથી ભરાઈ ગયું હતું.લાલાનાં દર્શન કરવા લોકો પડાપડી કરતાં હતાં.મહેલમાં કેટલાં આવી શકે?અને જે અંદર આવ્યું તે બહાર નીકળવાનું નામ દેતું નથી, અને બહારના અંદર આવવા ધસારો કરતા હતા. ત્યારે દશરથજીએ કૌશલ્યાજી ને કહ્યું કે –તમે જ લાલાને લઇ બહાર આવો અને સૌને લાલાના દર્શન કરાવો.એટલે કૌશલ્યા લાલાને લઇ બહાર આવે છે,અયોધ્યાની પ્રજાને રામનાં દર્શન થાય છે.પરમાનંદ થયો છે.

અયોધ્યા નગરીમાં ઘેર ઘેર રામ-જન્મનો ઉત્સવ થઇ રહ્યો.
નવનો અંક એ સગુણ બ્રહ્મનું સૂચક છે.૧ થી ૮ સુધીના અંક અષ્ટધા પ્રકૃતિના સૂચક છે.
આઠ સુધી પ્રકૃતિ (માયા)નો વિસ્તાર અને તે પછી,નવના રૂપે પૂર્ણ બ્રહ્મનું પ્રાગટ્ય.

ઉત્ એટલે ઈશ્વર અને સવ એટલે પ્રાગટ્ય.ઈશ્વરનું પ્રાગટ્ય એ-ઉત્સવ.

જીવનમાં રોજ પ્રભુ પ્રાગટ્યનો ઉત્સવ કરવો જોઈએ.અંતરમાં પ્રભુનું પ્રાગટ્ય કરવાનું.
ઉત્સવ બહાર નહિ પણ અંદર કરવાનો છે.હૃદયમાં ઈશ્વરનું પ્રાગટ્ય થાય ત્યારે માનવી,
દેહમાં હોવાં છતાં દેહનું ભાન ભૂલી જાય છે.
શરીર અયોધ્યા બને,અને તે ભક્તિ (સરયુ) ને કાંઠે વસે,અને શ્રીરામ પ્રભુના પ્રાગટ્યનો મહોત્સવ પુર બહારમાં થાય તો,તુલસીદાસજીની જેમ જ તેને રામ-જન્મના આનંદનો અનુભવ રોમે રોમમાં થાય.અને તે મનુષ્ય પણ તુલસીદાસજી ની જેમ જ કહી શકે કે-અયોધ્યામાં શ્રીરામના જન્મના મંગળગીતો ગાવામાં હું પણ હતો.

રામનવમીને દિવસે ઘણા લોકો ઉપવાસ કરે છે.ઉપવાસ એટલે શું?
ઉપ એટલે નજીક અને વાસ એટલે રહેવું.
રામનવમીના દિવસે ચોવીસે કલાક જે પ્રભુની સમીપ રહે તેનો ઉપવાસ સાચો.
સંત તુકારામ કહે છે-કે-જે માણસ કોળીયે કોળીયે રામનું નામ લે છે,તે ભોજન કરે તો પણ ઉપવાસી છે.
દુર્વાસા મુનિને ગોપીઓ થાળ આરોગાવે છે,તો યે તે પોતાને સદાના ઉપવાસી કહે છે.ને એવા એ સદાના
ઉપવાસી દુર્વાસાની આણ માની જમુનાજી માર્ગ પણ આપે છે.

બાકી મન ખાઉં ખાઉં કરતુ હોય ને સાબુદાણાની ખીચડી અને રાજગરાનો શીરો આરોગવામાં આવતો હોય તો,તે ઉપવાસ ઉપવાસ નથી.પણ દૂર વાસ છે.
એકાદશી વ્રતનો જે નિયમ છે તે રામનવમીના વ્રત ને પણ લાગુ પડે છે.
બધાં વ્રતોમાં એકાદશીનું વ્રત શ્રેષ્ઠ છે.એકાદશીનું વ્રત ત્રણ દિવસનું છે.
દશમના દિવસે એકવાર અને બની શકે તો દૂધ-ભાત જેવો સાત્વિક આહાર કરવો.
એકાદશી બને તો નિર્જળા કરવી.એ અઘરું લાગે તો છેવટે દૂધ પર અને વધુમાં વધુ ફળ લેવું.
વ્રત કરવાનો મકકમ વિચાર હશે તો ભગવાન શક્તિ આપે છે.

પાંચ કર્મેન્દ્રિય, પાંચ જ્ઞાનેન્દ્રિય,અને અગિયારમું મન –આ અગિયાર ઇન્દ્રિયો ને પ્રભુમાં પરોવી રાખવી,
એનું નામ એકાદશી.બાકી આજકાલ તો એકાદશીના દિવસે અગિયાર રસો ને કાઢવાના બદલે સ્થાન આપે છે. દિવાળી આવી હોય એમ બજારમાં ફરાળના નામે કેટલીયે વાનગીઓ ફૂટી નીકળે છે.અને
આવા અસંખ્ય રસોને પેટમાં સ્થાન આપવાનું હોય તો તેવી એકાદશીનો કોઈ અર્થ નથી.
બારસના દિવસે પણ બ્રાહ્મણ કે ગરીબનું સન્માન કરી ને માત્ર એકવાર પ્રસાદ ગ્રહણ કરવો.

PREVIOUS PAGE         INDEX PAGE           NEXT PAGE