Aug 20, 2021

Gujarati-Ramayan-Rahasya-49-ગુજરાતી-રામાયણ-રહસ્ય-49

તે જમાનામાં ગુરૂની વ્યાખ્યા જુદી હતી.ગુરૂ શિષ્યની પાસેથી કશાની અપેક્ષા રાખતો નહોતો.પણ પોતાનું સર્વસ્વ,પોતાની સર્વ વિદ્યા તે શિષ્યને અર્પણ કરતો.તેના કલ્યાણનો બોજો પોતાની માથે લઇ લેતો.ગુરૂ એક પથદર્શક હતો.આજે તો ઠેર ઠેર ગુરૂઓનો સુમાર નથી,આશ્રમોનો સુમાર નથી.લોકો ગુરૂને એક છટકબારી તરીકે મેળવે છે.પોતાને કંઈક જરૂર છે,સંતાન નથી,જિંદગીમાં દુઃખ છે,તો વળી કોઈની ભેંસ ને દુધ નથી આવતું –તો તેવા માટે ગુરૂની પાસે પહોંચી જાય છે.જો કોઈ ગુરૂ તે દુઃખમાંથી મુક્તિ અપાવે,તો ઠીક છે નહિતર બીજા ગુરૂની શોધ ચાલુ થઇ જાય છે.

ગુરૂ અને સદગુરૂમાં ફેર છે.સાચો ગુરૂ તો શિષ્યની પરીક્ષા કર્યા વિના તેને શિષ્ય તરીકે સ્વીકારતો નથી.
કારણ કે- ગુરૂ થવાથી ચેલાના પાપની જવાબદારી તેના માથા પર આવે છે.ચેલાના પાપનો ઇન્સાફ કરતી 
વખતે ગુરૂને બોલાવવામાં આવે છે અને પૂછે છે કે-ચેલાનું પાપ કેમ છોડાવ્યું નહિ? 
તેને સત્યના રસ્તે કેમ વાળ્યો નહિ?ચેલાની જોડે ગુરુને પણ બે દંડા પડે છે.

આજકાલ તો લોકો પલંગમાં પડ્યા પડ્યા ચોપડીઓ વાંચીને પંડિત કે જ્ઞાની બની જાય છે.અને
પોતાને પ્રખર (ખર થી યે આગળ તે પ્રખર?) પંડિત કે જ્ઞાની સમજે છે.
જ્ઞાન મેળવવું અઘરું નથી પણ જ્ઞાનનો અનુભવ કરવો અને જ્ઞાનમાં સ્થિર રહેવું અઘરું છે.
શિષ્યને ગુરૂ,સત્ નું દર્શન કરાવે છે.સત્ એટલે પરમાત્મા.સર્વ કાળે અને સર્વમાં પરમાત્માનું (સત્ નું)
દર્શન કરતો હોય તે સદ-ગુરૂ. પણ આવો સદગુરૂ મળવો મુશ્કેલ હોય છે,અને મળે તો જ શિષ્ય તરે.

રામચંદ્રજી ગુરૂ વશિષ્ઠ-ઋષિના આશ્રમમાં વિધ્યાધ્યયન કરે છે.અને જ્ઞાન પ્રાપ્ત કરે છે.
તેઓ વેદ વિદ્યા ભણે છે ને ધનુર્વિદ્યા પણ ભણે છે.વિદ્યાથી વિનય મળે છે.ગુરૂના આશ્રમમાં રહેવાથી શીલ
મળે છે.ગુરૂને ઘેર ગરીબ ને શ્રીમંત ભેગા રહે છે,સાથે ભણે છે,સાથે કામ કરે છે અને સૌજન્યનો વિદ્યા સાથે સમન્વય થાય છે.

વિદ્યા પ્રાપ્ત કર્યા પછી રામચંદ્રજી તીર્થયાત્રા’ માટે જાય છે.પ્રાચીન ભારતવાસીના જીવનમાં તીર્થયાત્રાનું એક વિશિષ્ટ સ્થાન હતું.યાત્રાનો અર્થ છે “યાત્ર –ત્રાતિ”.
ઇન્દ્રિયોને પ્રતિકૂળ વિષયોમાંથી હટાવી દઈ અને અનુકૂળ વિષયમાં જોડી દેવી તેનું નામ યાત્રા.
જે તીર્થ જેવો પવિત્ર થઇને પાછો આવે છે તેની તીર્થયાત્રા સફળ થઇ છે એમ કહેવાય.
આજકાલ તો વિલાસી લોકો વેકેશન માણવા અને હવા ખાવા યાત્રાએ જાય છે.
મહાપ્રભુજીએ આ વિષે પોતાની વેદના ઠાલવી છે ને કહે છે કે-વિલાસી અને પાપી લોકો 
તીર્થમાં વસવા લાગ્યા અને તીર્થમાં જવા લાગ્યા એટલે તીર્થનું તીર્થત્વ લુપ્ત થયું છે.
તીર્થયાત્રાના અનેક નિયમો છે.પણ આજકાલ તે રીતે કોઈ યાત્રા કરે તે શક્ય જ નથી લાગતું.

રામજી તીર્થયાત્રા કરીને આવ્યા પછી ઉદાસ રહેવા લાગ્યા.પરમાત્મા શું ઉદાસ થાય ?
પણ જગત ને વૈરાગ્યનો બોધ આપવા પ્રભુ આવી લીલા કરે છે.
રામજીને રાજમહેલનું જીવન ગમતું નથી.જગત એમને મિથ્યા,દુઃખરૂપ ભાસે છે.બધું છોડી દેવાનું 
તેમને મન થાય છે.રામજીની આવી દશા જોઈ દશરથ રાજાની ચિંતાનો પાર રહ્યો નથી.
હજી તો એમની ઉંમર માત્ર સોળ વર્ષની છે.રાજાએ ગુરૂ વશિષ્ઠને વાત કરી.

વશિષ્ઠજી એ રામજીને ઉપદેશ કર્યો.તે ઉપદેશ -સંવાદરૂપે
"યોગવાશિષ્ઠ મહા રામાયણ" માં સંગ્રહાયેલો છે.
યોગવાશિષ્ઠનું પહેલું પ્રકરણ તે વૈરાગ્યનું પ્રકરણ છે.તે દરેક મનુષ્યે વારંવાર વાંચવા જેવું છે.
છેવટે એક વખત તો વાંચવું જ જોઈએ. 
જેમ,જાગતા માણસની આગળ દીવો બળતો હોય તો તે માણસની ઈચ્છા વગર પણ પ્રકાશ થાય છે,
તેમ,યોગ વાશિષ્ઠ –ગ્રંથનો અભ્યાસ કરનારને તેની ઈચ્છા ના હોય તો પણ મુક્તિ મળે છે.
જેમ,શરદ ઋતુમાં તળાવનું પાણી શુદ્ધ થાય છે,
તેમ,યોગવાશિષ્ઠ ના અભ્યાસથી,મન સ્વચ્છ થાય છે.અને બ્રહ્મત્વમાં સ્થિર થાય છે.

યોગવાશિષ્ઠ અને ગીતા એ બંને ઉત્તમ ગ્રંથો છે.
ગીતાજીમાં ભગવાન શ્રીકૃષ્ણ (નારાયણ) અર્જુન ને (નર ને) ઉપદેશ આપે છે,
જયારે યોગવશિષ્ઠમાં વશિષ્ઠજી (નર) એ રામજી (નારાયણ) ને ઉપદેશ આપે છે.
આમ રામજી એ અહીં પણ ગુરૂનો મહિમા વધાર્યો છે.

PREVIOUS PAGE         INDEX PAGE           NEXT PAGE