Aug 19, 2021

Gujarati-Ramayan-Rahasya-48-ગુજરાતી-રામાયણ-રહસ્ય-48

આજે અત્યારના જમાનામાં નાનાં-મોટાંની કોઈ મર્યાદા રહી નથી,બાળકો મા-બાપને ગાંઠતા નથી.અને મા-બાપ બાળકોમાં સારા સંસ્કારો પડે એવું સ્નેહ-ભર્યું વર્તન કરતા નથી,માબાપોનું પોતાનું વર્તન અને જીવન જ એવું હોય છે કે-બાળકો પર ધર્મના અને સારા સંસ્કાર ક્યાંથી પડે? બાળક તો જેવું જુએ તેવું કરે,જેવું સાંભળે તેવું બોલે. બાળક જેવી રીતે માતૃભાષા શીખે છે,એવી જ રીતે માતા-પિતાના સંસ્કારો ગ્રહણ કરે છે.સંસ્કાર શીખાતા નથી પણ ગ્રહણ થાય છે.
ખબર ના પડે અને ચિત્તમાં જે સ્થાન મેળવે છે તે સંસ્કાર.
આજે ધર્મના શિક્ષણનો શાળા-મહાશાળામાંથી લોપ થયો છે.ધર્મ એટલે શું એ પણ ઘણા જાણતા નથી અને ધર્મનું નામ આવે તો મોં બગાડે છે.એમાં પણ કેટલાક બહુ બહાદુરો તો અમે ધર્મ-ઈશ્વર કે પાપ-પુણ્યમાં માનતા નથી એમ કહેવામાં જાણે તીસમારખાંપણું અનુભવે છે.આવા મનુષ્યો પોતે પોતાના બાળકને શું સંસ્કાર આપવાના?

શ્રીરામચંદ્ર પરમાત્મા છે,પણ મનુષ્ય અવતાર ધારણ કરીને મનુષ્ય-ધર્મ (સ્વ-ધર્મ) ની નાની-મોટી સર્વ 
મર્યાદાઓ નું પાલન કરે છે.રોજ સવારમાં વહેલા ઉઠી સ્નાન કરી માત-પિતાને વંદન કરે છે.
પછી જ વિનય-પૂર્વક બધાં કામ કરે છે.મોટા રાજાના કુંવર છે,યુવાન છે પણ વિનય-વિવેક કદી ચૂકતા નથી.
સ્નાન પછી સંધ્યા-ઉપાસના-પ્રાણાયામ કરે છે,સૂર્યદેવને અર્ગ્ય આપે છે,પોતે જ પૂર્ણ પુરુષોત્તમ છે,તો તેમને પૂજન-અર્ચનની શી જરૂર છે?પણ જગતને બોધ આપવા તેમનો અવતાર થયો છે.ગીતાજીમાં પણ કહે છે કે-
મોટો જેવું કરે તેવું જ નાના કરવાના.એટલે પણ મોટાએ શ્રેષ્ઠ દાખલો બેસાડવો જોઈએ.

માબાપનું જોઈ બાળક શીખે,ગુરૂને જોઈ વિદ્યાર્થી શીખે અને રાજકર્તાઓને જોઈ રૈયત શીખે.
બાકી,આજકાલ તો છોકરાંઓને માતપિતાને વંદન કરતા પણ શરમ આવે છે.તો ભગવાનની તો વાત 
દૂર ની છે.ટી.વી. અને સિનેમાનું આ નવું કલ્ચર છે.

મનુષ્ય મનમાં અભિમાન ભરીને બીજા માટે જેવો ભાવ રાખે તેવો જ ભાવ તે તે બીજો તેના માટે રાખશે.
અભિમાન માત્ર મૂરખને જ ત્રાસ આપે તેવું છે તેમ નથી,જગત જેને માન આપે છે તેવા જ્ઞાનીને પણ અભિમાન પજવે છે.વિષ્ણુ સહસ્ત્ર નામમાં ભગવાન ને અમાની,અને સહુ ને માન આપનારા કહ્યા છે.
ભરતજી કૈકેયી ને કહે છે કે-મા,મોટાભાઈ સમર્થ છે,પણ મને માન આપે છે.

રામજી ની બાળલીલા બહુ સરળ છે.મા પાસે પણ તે કંઈ માગતા નથી.કે માતાને કદી પજવ્યા નથી.
કનૈયાએ વિચાર કર્યો કે રામાવતારમાં મેં મર્યાદાનું બહુ પાલન કર્યું પણ હવે કૃષ્ણાવતારમાં હું મર્યાદાનું પાલન નહિ કરું.એટલે કનૈયો મા ને પજવે છે.મા ને કહે છે કે બધું કામ છોડી ને માત્ર મને રમાડ્યા કર.
શ્રીકૃષ્ણ પુષ્ટિ-પુરુષોત્તમ છે,તેમની લીલામાં પ્રેમ છે.રામજીની લીલામાં મર્યાદા છે.
કૃષ્ણને તે જ સમજી શકે જે રામની મર્યાદાનું પાલન કરે.

ભારત દેશમાં ગુરૂ-શિષ્યની પરંપરા હતી.રાજાનો છોકરો પણ બીજા સામાન્ય છોકરાંઓની પેઠે
રાજમહેલ છોડીને ગુરુના આશ્રમમાં ભણવા જતો.ગુરૂની સેવા ચાકરી કરે ને વિદ્યા પ્રાપ્ત કરે.
શ્રીકૃષ્ણ સાંદીપની ઋષિને ત્યાં અને રામચંદ્ર વશિષ્ઠને ત્યાં ભણવા ગયા હતા.

આજકાલ તો તે પરંપરા નષ્ટ થઇ ગઈ છે.આજે છોકરાનો બાપ શ્રીમંત હોય તો છોકરાને ભણાવવા
ગુરૂને ઘેર બોલાવશે,અને પૈસાની લાલચે સ્વમાન ભૂલી, ગુરૂ તેના ઘેર ભણાવવા જાય છે,
શિષ્યને એમ છે કે પૈસા આપીને માસ્તર ભણાવે છે તેમાં કોઈ ઉપકાર કરતા નથી.અને માસ્તર પણ
નિશાળમાં કંઈ ભણાવે નહિ અને ટ્યુશન કરાવે કે જેથી જે - બે ચાર કાવડિયા વધારે મળ્યા.
ધનનો લોભી ગુરૂ,ધન કમાવાની વિદ્યા જ જાણે ભણાવે છે,ધર્મ  વિદ્યા વિદાય થઇ ગઈ છે.
“સા વિદ્યા યા વિમુક્તયે” એમ કહ્યું છે,પણ ધર્મથી વિમુખ બનેલી વિદ્યા,વિમુક્ત ક્યાંથી કરી શકે?

સંત કબીર,મીરાંબાઈ અને એવા અસંખ્ય ભક્તો કોઈ નિશાળમાં ભણવા ગયા નહોતા.પણ તેમણે
મૂળને એટલે કે પરમાત્માને પકડ્યા હતા.ડાળ-પાંદડાંને નહિ.જ્ઞાનનું-સત્યનું મૂળ પરમાત્મા છે.
એ મૂળ ને જે પકડે તો જ્ઞાન એની મેળે આવે છે.પરમાત્મા કોઈ મંદિરોમાં કે પથ્થરની મૂર્તિમાં
છુપાયા નથી.પરમાત્માનું સ્વ-રૂપ આનંદમય-પ્રેમ મય છે,પણ એ પ્રેમ જ ક્યાં જોવા મળે છે?

કબીર કહે છે કે-પોથી પઢપઢ જગ મુઆ પંડિત હુઆ ના કોઈ,ઢાઈ અછર પ્રેમ કા પઢે સો પંડિત હોઈ.
જ્ઞાન બહારથી ચોપડીઓનું કદાચ બરોબર હશે,પણ અંદરનું જ્ઞાન પ્રાપ્ત કરવાનું છે.
ધર્મ એટલે કે સ્વ-ધર્મનું પાલન કરવાની જરૂર છે.તો જ અજ્ઞાનનો અંધકાર દૂર થાય.અને 
જગતમાં જ્ઞાનનો પ્રકાશ ફેલાઈ રહે.

PREVIOUS PAGE         INDEX PAGE           NEXT PAGE