Oct 13, 2021

Gujarati-Ramayan-Rahasya-100-ગુજરાતી-રામાયણ-રહસ્ય-100

કૈકેયીની વાત સાંભળી ભરતના કાળજે આગ લાગી,પિતાના મરણનો શોક પણ 
તે જાણે ભૂલી ગયા.અને આ સર્વ અનર્થનું કારણ પોતે છે,એ જાણી તેમના દુઃખનો પાર રહ્યો નહિ.મનમાં ભરાયેલા ગુસ્સાથી તે બોલી ઉઠયા કે-અરેરે,તેં તો કુળનો 
નાશ કરી નાખ્યો,જો તારી આવી દુષ્ટ ઈચ્છા હતી તો મને જન્મતાં જ કેમ 
મારી ના નાખ્યો? તેં તો ઝાડને કાપીને પાંદડાંને પાણી સીંચ્યું,મને રામ-લક્ષ્મણ 
જેવા ભાઈ મળ્યા,પણ વિધિની વક્રતા છે, કે માતા તરીકે મને તું મળી.
તને મા, કહેતાં પણ મારી જીભ અચકાય છે, અરે,આવું માગતાં તારી જીભ કેમ ના તૂટી પડી? 
તારા મોં મોં કીડા કેમ ના પડ્યા? તારા હૃદયના કટકા કેમ ના થયા?

તું મારી માતા છે,ને રામ પણ તને માતા કહે છે,એટલે રામની માતાનો હત્યારો હું બનવા માગતો નથી,
નહિતર હાલ જ હું તારો વધ કરું,એવું મારા મનમાં થાય છે.પિતાજી ખૂબ ભોળા હતા કે તે તારા છળમાં 
આવી ગયા,પણ રામજી પાછળ જીવ આપીને એ તો ધન્ય થઇ ગયા.પત્ની થઇને પણ તેં પતિનું હિત જોયું નહિ,
તેં રામને વનમાં મોકલ્યા,મારા પિતાને મારી નાખ્યા,અને લોકોમાં મારી અપકીર્તિ કરી. હવે તો,લોકો પણ 
એમ કહેશે કે ભરત પણ તેની મા જેવો પાક્યો.બોલતાં બોલતાં ભરત મૂર્છા પામી ગયો.

એટલામાં જ હરખાતી હરખાતી મંથરા ત્યાં આવી.એણે જોતાં જ શત્રુઘ્નનો ક્રોધ ઉછળી આવ્યો,એણે તેને જોરથી લાત મારી,ને એનો ચોટલો પકડીને તેને ઘસેડવા માંડી, આ ગરબડમાં ભરતને થોડો હોશ આવ્યો,
દયાળુ ભરતે તેને છોડાવી.તે પછી ભરત કૌશલ્યાજીને મળવા ચાલ્યો,અને માને મળતાંની સાથે 
તેમના ચરણમાં ઢગલો થઇ પડ્યો.અને બોલ્યો-કે હે,માતા,રામજી વનમાં છે ને પિતાજી સ્વર્ગમાં છે,
પણ હું જ આ અનર્થોનું કારણ બન્યો છું,હું જ વાંસના વનમાં અગ્નિ પાક્યો.મને ધિક્કાર છે.

કૌશલ્યામાએ ઉઠીને ભરતને છાતી સરસો લીધો,તેમની આંખોમાંથી પણ અશ્રુઓનો પ્રવાહ ચાલ્યો.
પછી એક હાથે ભરતને અને બીજા હાથે શત્રુઘ્નને પડખામાં લીધા,જાણે રામ-લક્ષ્મણ ફરી આવી મળ્યા ના હોય ! ભરતને પોતાના ખોળામાં બેસાડી તેમણે ભરતના આંસુ લૂછ્યાં,અને બોલ્યાં કે-ભાઈ,કોઈને દોષ જેવા જેવું નથી,
વિધાતાને ગમ્યું તે ખરું.રાજાએ જીવી જાણ્યું ને મરી યે જાણ્યું.એનું નામ બાપ કહેવાય,હું મા નથી પણ પથરો છું, આટલું દુઃખ પડવા છતાં હું હજી કેમ જીવું છું? અરે,રે,મારા રામે વસ્ત્રાભૂષણ ઉતારીને વલ્કલ
પહેર્યા ત્યારે હું ફાટી કેમ ના પડી? કૌશલ્યાએ કરુણ આક્રંદ કર્યું,સાથે ભરત,શત્રુઘ્ન પણ રડે છે.

થોડો આવેગ ઓછો થયો ત્યારે કૌશલ્યાએ કહ્યું –હે,પુત્ર,જેવો મારે રામ તેવો જ તુ,મારે મન તો બે ય સરખા છે.
એને ગાદી મળે કે તને ગાદી મળે, મને તેમાં કંઈ ફરક લાગતો નથી.પણ રામને વનમાં મોકલવામાં,
તારી માતા કૈકેયીને શું વિશેષ લાભ દેખાયો હશે? તે મને સમજાતું નથી,પણ થયું તે થયું.
મારો રામ તો વનમાં ગયો ત્યારેય તેનું મન પ્રસન્ન હતું.હવે તું ગાદીપતિ થા,અને રાજ્ય ભોગવ.

કૌશલ્યા મા કંઈ ટોણો મારતાં હોય,એવો ભરતને ભાસ થયો.એની વેદનાનો પાર રહ્યો નથી.
એ હાથ,ઉંચો કરી બોલ્યો-હે,મા,સાંભળો,હું સત્યના સોગંદ ખાઈને પ્રતિજ્ઞા-પૂર્વક કહું છું,કે-
જો આ બધામાં મારો હાથ હોય,તો – મન,વચન અને કર્મથી થનારાં જેટલાં પાપ છે તે ઉપરાંત 
શાસ્ત્ર માં બીજાં જેટલાં પાપ કહ્યા છે તે મને લાગો.
“તે પાતક મોહિ હોહું બિધાતા,જૌઊ યહુ હોઈ મોર મત માતા.”

ત્યારે કૌશલ્યાએ ફરી ભરતને ખોળામાં ખેંચીને સ્નેહથી એના માથે હાથ ફેરવી કહ્યું,કે-
બેટા,હું જાણું છું કે શ્રી રામ તારા પ્રાણના પણ પ્રાણ છે,અને તું પણ રામને પ્રાણથી યે પ્રિય છે.
ચંદ્રમાંથી કદી વિષ ઝરે, હિમમાંથી કદી આગ વરસે,પણ તુ કદી શ્રીરામની વિરુદ્ધ જાય તે બને જ નહીં.
જે કોઈ પણ આ કાર્યમાં તારી સંમતિ છે તેવું કહેશે તે કદી સ્વપ્ને પણ સુખી નહીં થાય.

દશરથરાજાએ મરતા પહેલાં કહ્યું હતું કે-જો રામને વનમાં કાઢવામાં ભરતનો હાથ હોય તો તેને હાથે મારો 
અગ્નિ સંસ્કાર ન થાય.પણ ભરતના આવા શબ્દોથી સર્વેને એની નિર્દોષતાની ખાતરી થઇ, 
તેથી બીજે જ દિવસે,ભરતને હાથે જ રાજાનો વિધિ પૂર્વક અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યો.

PREVIOUS PAGE         INDEX PAGE           NEXT PAGE