More Labels

Apr 12, 2014

Gujarati-Ramayan-Rahasya-101-ગુજરાતી-રામાયણ-રહસ્ય-101

દશરથ રાજા ના દેહ નો અગ્નિ સંસ્કાર અને ઉત્તરક્રિયા વગેરે પતી ગયા પછી,વશિષ્ઠજી એ મંત્રીઓ,મહાજનો ને બોલાવી અને સભા બોલાવી,અને સભામાં ભરતને પોતાને પડખે બેસાડ્યો. પછી,સભામાં વશિષ્ઠજીએ ઉભા થઇ ને કહ્યું કે-
લાભ-હાનિ,જીવન-મરણ,જશ-અપજશ-વગેરે આપણા હાથની વાત નથી,તો એણે માટે કોને દોષ દેવો અને કોના પર ક્રોધ કરવો? દશરથરાજા શોક કરવાને પાત્ર નથી,તેઓ તો શ્રીરામનું સ્મરણ કરતાં મંગલમય મૃત્યુ ને વર્યા છે.એમનો રામ-પ્રેમ સત્ય છે કે,રામના વનમાં ગયા પછી,તેમના વિયોગમાં તે જીવ્યા નહી.

હે,ભરતજી,સાંભળો,રાજાએ રાજ્ય તમને સોંપ્યું છે,પિતાનું વચન તમને ગમે ન ગમે તો યે તમારે તેણે સત્ય કરવું જોઈએ.રાજાને પ્રાણ કરતાં યે વચન પ્રિય હતું.માટે પિતાનું વચન તમે માથે ચડાવો તેમાં જ તમારું કલ્યાણ છે.શ્રીરામે જેમ પિતાની ઈચ્છા ને માન આપ્યું,તેમ તમે પણ તેમની ઈચ્છા ને માન આપો તો વનવાસમાં રહેલા શ્રીરામ ને પણ આનંદ થશે.ચૌદ વર્ષ પછી રામજી વનમાંથી આવે ત્યારે તમને ઠીક લાગે તેમ કરજો,પરંતુ આવતી કાલે અમે તમને ગાદી પર બેસાડીશું.અને અનાથ અયોધ્યા ને સનાથ કરીશું.

તે પછી મંત્રીઓએ ઉભા થઇ ને વસિષ્ઠજી વાત ને ટેકો આપ્યો.કૌશલ્યાજી બોલ્યા કે-ગુરુની આજ્ઞા પાળવી એ એ તારો ધર્મ છે,બેટા,તારા પિતા સ્વર્ગમાં છે,અને રામ વનમાં છે,એટલે જે અહીં રહ્યા છે તે સૌનો તુ આધાર છે,માટે તુ કાયર ના થા અને હિંમતથી રાજ્ય ની ધુરા ધારણ કર.

ભરતજી એ ઉભા થઇ,સૌની સામે હાથ જોડ્યા,ને બોલવાનું શરુ કર્યું.

ભરતજી નું આ ચરિત્ર નું વર્ણન કરતાં તુલસીદાસજી ને સમાધિ લાગી છે.એમની એક એક ચોપાઈ અદભૂત અને માધુર્ય થી ભરપૂર છે.ભરતજી નો રામ પ્રત્યે નો પ્રેમ અતિ ઉત્કટ છે,જો કે એવો જ પ્રેમ લક્ષ્મણ માં પણ રામજી પ્રત્યે છે,પણ અહીં ભરતજી નો વિવેક અને ધર્મબુદ્ધિ,રામજી પ્રત્યે નો ઉત્કટ ભાતૃપ્રેમ બતાવે છે.

ભરતજી કહે છે કે-આપ સૌ વડીલ છો,પૂજ્ય છો,ગુરુજન છો.આપની આજ્ઞા માથે ચડાવવી એ મારો ધર્મ છે. માતા-પિતા અને ગુરુજનો ની વાણી વિષે યોગ્ય-અયોગ્યતા નો વિચાર કરવો એ પાપ છે.
આપની સલાહ મારું કલ્યાણ કરનારી છે તે હું સમજુ છું,પણ તેમ છતાં મારા જીવ ને સંતોષ કે સુખ નથી.
તેથી આપ સૌની ક્ષમા માગી હું પુછું છું કે-શું હું ગાદીએ બેસું તેથી આપ ખુશ થશો?
કે પછી શું હું સુખી થાઉં એમ કરવાથી આપ સૌ સુખી થશો?
ખરેખર,તો શું હું રાજા થવાથી સુખી થઈશ? શું અયોધ્યાની પ્રજા સુખી થશે? એમ આપ સહુ સમજો છો?

સત્ય માં તો આ સર્વ અનર્થ નું કારણ હું છું,આ જગતમાં ભરતનો જન્મ ના થયો હોત તો આ પ્રસંગ બનત જ નહિ. આજે મારા પિતા સ્વર્ગે સિધાવ્યા તેનું મને જે દુઃખ છે તેના કરતાંયે અધિક,મારા રામ,વલ્કલ પહેરી ઉઘાડા પગે વનમાં ફરે છે,તેનું દુઃખ મારાથી અસહનીય છે.
શ્રીરામ વગર સઘળું વ્યર્થ છે,શ્રીરામ વિનાનું રાજ્ય મારા માટે શોકાગાર છે.
જેમ કપડાં વગર ઘરેણાં નો ભાર વ્યર્થ છે,વૈરાગ્ય વિના બ્રહ્મ-વિચાર વ્યર્થ છે.
તેમ શ્રીરામ વિના મારું સર્વ વ્યર્થ છે.

હવે અયોધ્યા ના સુખ ની વાત કરું.તો આ કૈકેયી નો પુત્ર કૈકેયી કરતાં પણ અધમ છે,જે ગાદી પર રાજા ભગીરથ વિરાજતા હતા તે ગાદી પર બેસવાને તે લાયક નથી.મારા જેવા અધમ ને ગાદી એ બેસાડી ને તમે કયા સુખ ની આશા રાખો છો? હું સત્ય જ કહું છું.રાજા તો ધર્મ-શીલ જ હોવો જોઈએ.તમે હઠ કરી ને મને રાજા બનાવશો તો પૃથ્વી રસાતળે જશે.મારે લીધે જ રામને વનવાસ મળ્યો ને મારા પિતાજી સ્વર્ગે સિધાવ્યા,તો એવા પાપ નું કારણ એવો હું ગાદીએ બેસી તમારું શું ભલું કરી શકવાનો?

આટલો જગતમાં હાંસીપાત્ર થવા છતાં હું જીવતો છું એ શું બતાવે છે? તે એજ બતાવે છે કે,
જેમ,કારણ કરતાં કાર્ય, એટલે કે હાડકાં કરતાં હાડકામાંથી બનાવેલું વજ્ર વધારે કઠોર હોય છે,
તેવી જ રીતે કૈકેયી કરતાં પણ આ ભરત વધારે કઠોર છે. એવા ભરત ને રાજતિલક કરી
તમે સર્વ શું સુખી થવાની આશા રાખો છો?

શ્રીરામ વિના મારા દિલમાં આજે આગ લાગી છે,અને શ્રીરામના દર્શન વિના એ આગ બુઝાવાની નથી,
એટલે મેં નિશ્ચય કરી લીધો છે કે-આવતીકાલે સવારે જ હું રામની પાસે જઈશ,મને વિશ્વાસ છે કે શ્રીરામ અત્યંત દયાળુ છે,અને તેઓ મારા તમામ અપરાધ ક્ષમા કરી મને શરણમાં લેશે.
શ્રીરામે તો કદી દુશ્મન નું યે બુરું ઈચ્છયું નથી.તેઓ મારા માલિક છે ને હું તેમનો સેવક છું..

PREVIOUS PAGE         INDEX PAGE           NEXT PAGE