Nov 17, 2021

Gujarati-Ramayan-Rahasya--ગુજરાતી-રામાયણ-રહસ્ય-૧૨૯

માયા ક્યાં છે? તો કહે છે કે-ભોજન,ધન,ઘર,પત્ની,પુત્ર,કપડાં,ફર્નીચર-જ્યાં નજર કરો ત્યાં માયા જ માયા છે.કેટલાકને રોજ ભોજનમાં દહીં જોઈએ,તો કેટલાકને પાપડ-અથાણું જોઈએ.લૂલી (જીભ)ને રોજ આ જોઈએ ને તે જોઈએ.વાતો પરબ્રહ્મની કરે પણ નાનકડી વાત પરથી મન હટતું નથી.લૂલીનાં લાડ લડાયે જાય પણ એ લાડમાં સુખ નથી,પણ લૂલીને વધારે બગાડવાનો તરીકો છે.કેટલાક તો આખો વખત ભોજનમાં જ ફસાયેલા હોય છે-સવાર પડે કે-આજે દાળ બનાવશું કે કઢી? આજે ટીંડોળાનું શાક કે કંકોડાંનું શાક બનાવશું? કે પછી વિચારે કે- હમણાં હમણાં ઘણા સમયથી ભજીયાં કે પાતરાં ખાધાં નથી.તો સાંજે તે બનાવજો.(સાંજનો યે વિચાર સવારથી કરી નાખે)

ભોજન કેવળ સાધન છે,સાધ્ય નથી.જીવ અનેક જન્મોથી ભોગ ભોગવતો આવ્યો છે,
પણ તેને મનથી ભોગ પ્રત્યે ધૃણા આવતી નથી.જો ભોગ પ્રત્યે ધૃણા જાગે તો ભક્તિ માર્ગે જીવ આગળ વધે.
જીભની માયા છે એવી જ મોટી ધનની માયા છે.ગમે તેટલાં પૈસા આવે તો યે માનવીને સંતોષ થતો નથી.તે સમજતો નથી કે લક્ષ્મીજીને બાંધી શકાતી નથી.પુરી શકાતી નથી.અને પોતાની કરી શકાતી નથી.
લક્ષ્મી કેવળ નારાયણની છે,અને તે નારાયણની છે એમ સમજીને જ્યાં સુધી ઓળખવામાં ના આવે તો 
છાતી પર લાત મારી ને છટકી જાય છે.

સાદું ભીજન,સાદું જીવન અને સાદો વેશ –એ સુખી જીવનની ચાવી છે.
પણ,માયામાં જીવ ભળી ગયો છે,જીવ એ ઈશ્વરનો અંશ હોવાં છતાં માયામાં ભળી જાય તે ખોટું છે.
માયા છે તો ખોટી પણ તે છે બહુ જબરી.તે હસાવી-હસાવીને રડાવે છે,અને રમાડી-રમાડીને મારે છે.

માયાને ઓળખવા સ્વપ્નનું દૃષ્ટાંત વારંવાર વપરાય છે.
સ્વપ્ન ખોટું છે,સ્વપ્નમાં જે દેખાય છે તે ખોટું છે,સ્વપ્ન જોનાર પણ ખોટો છે.
સ્વપ્નમાં એકવાર એક જણને ત્રણ વર્ષની જેલ ની સજા થઇ,તેમાં બે વર્ષની સજા ભોગવીને 
આંખ ખુલી ગઈ તો પછી બાકી રહેલી એક વર્ષ ની સજા કોણ ભોગવે?કોઈ નહિ!
હવે તે જાગી ગયો છે,એટલે સજા ભોગવવા ની રહી નથી,તેમ જે આ સંસારમાં જાગી જાય છે,
એના દુઃખનો અંત આવે છે.જરૂર છે માત્ર જાગવાની.
અજ્ઞાનના અંધકારમાંથી નીકળીને જ્ઞાન-ભક્તિના અજવાળામાં આવવાની જરૂર છે. 

ભક્તિ એ માયાને તરવાનું સહેલામાં સહેલું સાધન છે.ભક્તિથી માયાને જીતી શકાય છે.સંતો કહે છે કે-
પ્રભુના “નામ” ને પકડી રાખશો તો ખ્યાલ આવશે કે-માયા કેવી રીતે છૂટે.માયા કોણે સર્જી? 
ને માયા ક્યાંથી આવી?એની ભાંજગડમાં જેને પડવું હોય તે ભલે પડે,અને થોથાં ઉથલાવ્યા કરે.

જેમ,ખોળામાં ઓચિંતો સાપ આવી ચડે તો,તે સાપ ક્યાંથી આવ્યો?કોણે મોકલ્યો?કેમ મોકલ્યો? 
એ વિષે,કોઈ વિચાર કરવા બેસતું નથી,પણ એ સાપને ફેંકી દઈ ને તત્કાળ છુટો થઇ જાય છે.
તેમ,માયા પણ સર્પ જેવી છે,વિચાર કર્યા વગર,પ્રભુનું નામ લઇ,તેને ફેંકી છૂટા થઇ જાઓ.
સતત એવું ધ્યાનમાં રાખો કે-હું ભગવાનનો અંશ છું,જન્મ્યા ત્યારે તમે પતિ,પત્ની,પુત્ર કે પિતા નહોતા.

શ્રી રામે લક્ષ્મણજી ને કહ્યું કે-માયાની બે શક્તિ છે,વિદ્યા અને અવિદ્યા.
વિદ્યા પંડિતોને નચાવે છે અને અવિદ્યા મુર્ખાઓને નચાવે છે.
વિદ્યા વચનાંત (વચનોનો અંત )થતી નથી અને અવિદ્યા રચનાંન્ત (રચનાઓનો અંત) થતી નથી.
અવિદ્યાથી રચનાઓ (નવા નવા બંગલાઓ –વગેરે) વધતી જાય છે.તેનાથી કોઈને શાંતિ મળતી નથી.

વિદ્યાનો પણ અંત આવતો નથી,મનુષ્યો સારાં પુસ્તકો વાંચીને જ્ઞાન વધારે જાય છે,સારાં પ્રવચનો (કથાઓ) સાંભળે છે,પણ આચરણમાં મૂકતા નથી.ધ્યાન એ શું છે?એ ખબર છે,પણ ધ્યાનમાં બેસતા નથી.
ખૂબ વાંચે તેનું શબ્દ-ભંડોળ વધી જાય છે,તેની પાસે માહિતી વધી જાય છે,તેથી તર્ક-વિતર્કનું જોર 
બહુ વધી જાય છે.કોઈક સાચો ભક્ત કે સંત હોય તો તેની સામે જીભાજોડી (ચર્ચા)કરવા તે દોડે છે.

તેને જ્ઞાનનું અભિમાન ખૂબ વધી જાય છે અને પોતે જ સર્વ-શ્રેષ્ઠ છે એમ તે માને છે.
લોકોને કહે છે કે-ફલાણો ભક્ત કે સંત કેવો છે તે હું જાણું છું,મને આ ખબર છે ને મને તે ખબર છે.
કદાચ એ ભક્ત કે સંતને કે ભગવાનને નમસ્કાર કરશે પણ તે માત્ર વિવેક ખાતર,દિલથી નહિ.
આવો ભણેલો (પુસ્તકિયો-જ્ઞાની) કુતર્કો કરે છે અને ચમત્કાર જોવા માગે છે,કે –પ્રભુ-ભક્ત કોઈ 
ચમત્કાર કરે તો નમસ્કાર કરું.પણ તેને પ્રભુની બનાવેલી આ અનંત સૃષ્ટિમાં ચમત્કાર દેખાતો નથી.

થોથાં મગજમાં ભરવાથી વિદ્યાવાન થવાતું નથી.વિદ્યા તો ભોજન જેવી છે.
ભોજન પચે અને ભૂખ હોય એટલું જ ખવાય,ભૂખ વિનાનું અને વધારે ખાધેલું ઝેર થાય છે.
વિદ્યાની ભૂખ હશે તેને પચી શકે તેટલી વિદ્યા લાભકારી થાય,અતિ વિદ્યા ઝેર સમાન છે.
દયારામ કહે છે કે-
ઉત્તમ વસ્તુ અધિકાર વિના મળે,તદપિ અર્થ નવ સરે,
ચિત્ત તું શીદને ચિંતા કરે,કૃષ્ણને કરવું હોય તે કરે.

PREVIOUS PAGE         INDEX PAGE           NEXT PAGE