More Labels

Mar 13, 2019

Gujarati-Ramayan-Rahasya--ગુજરાતી-રામાયણ-રહસ્ય-૧૨૮

ભગવાન નો ભક્ત કદી ભગવાનની આશા છોડતો નથી.ભગવાન પરની અપાર શ્રદ્ધાને લીધે,તેને નિરાશ થવું પડતું નથી.પણ જો પ્રભુ પરની શ્રદ્ધા જો ઓછી થાય તો તે ઓછી થયેલી જગા પુરવા નિરાશા દોડી આવે છે.એટલે જો શ્રદ્ધાથી હૃદય ભરાયેલું હોય તો નિરાશાને કદી સ્થાન જ નથી.

ભગવાનનાં બધાં જ નામ શ્રેષ્ઠ છે,પણ રામ-નામ સહુથી સહેલું અને મધુર છે.
અને આ રામ-નામનો મહિમા સાચા ભક્તો જાણે છે.તેથી તે રામ-નામના તરાપા પર બેસીને ભવ-સાગર પાર કરવા નીકળી પડે છે.ડૂબવાની એમને કોઈ ધાસ્તી નથી,અને ભવ-સાગર ક્યારે પાર થશે તેની કોઈ માથા પર ચિંતા નથી,કારણ કે ભવ-સાગર પાર થશે જ તેની તેમને હૃદયમાં ખાતરી છે.

મા જેમ ભણેલા દીકરાની બહુ કાળજી લેતી નથી,તેમ,પ્રભુ પણ જ્ઞાનીઓની ઉપેક્ષા કરે છે,પણ ભક્તને સંભાળે છે,તેમનો તરાપો ચલાવે છે.જ્ઞાનનો અધિકાર બધાને નથી,અને જ્ઞાન મેળવવું પડે છે.પણ ભક્તિનો અધિકાર સર્વેને છે,ભક્તિ તો ઉગે છે,ઉગવા જેવી જમીન તૈયાર કરવામાં આવે તો ભક્તિ ફૂલે-ફાલે છે.
ભક્તિ કરતાં મનુષ્યની આંખ ભીંજાય, તો જ પરમાત્માનાં દર્શન થઇ શકે.

પરમાત્મા તો જડ-ચેતન સર્વમાં હાજરા હજુર છે,એ તો સર્વ જગ્યાએ છે એટલે એને ખોળવાનો પણ નથી,
પણ જેને ઘરમાં કુટુંબી-જનોમાં ભગવાન દેખાતા નથી,તેને મંદિરમાં કે પછી ક્યાંય તે દેખાવાના નથી.
ઘરમાં અને સર્વમાં જો ભગવાનને જોવામાં આવે તો દુનિયાની સમસ્યાઓનો હલ થઇ જાય.
આખું દૃષ્ટિ-બિંદુ જો બદલાઈ જાય અને “આ બીજો છે,હું નથી” એવો તારા-મારાનો ભેદ જતો રહે તો
દુનિયાનાં કષ્ટો પેદા થાય જ નહિ.એટલે જ રામજી પાયાનો અર્થ સમજવતા કહે છે કે-“હું અને મારું,તું અને તારું” આ જ માયા છે અને તે માયાને લીધે જ ઈશ્વર દેખાતા નથી.અને જગત નથી છતાં દેખાય છે.

વેદાંત કહે છે કે-માયા અંધકાર જેવી છે,અંધારામાં જે છે તે દેખાતું નથી,ને જે નથી તે દેખાય છે.
અંધારામાં દોરી પડી હોય તો તે સાપ દેખાય છે,સાપનો ભાસ થાય છે,
તેમ અજ્ઞાન-વશ જીવ માયાને આધીન બનીને પરમાત્માને પિછાની શકતો નથી.
માયાને જે આધીન (વશ) રહે છે,તે જીવ અને માયા જેને આધીન રહે છે તે પરમાત્મા.

ભગવાનને પણ થોડી માયાની જરૂર પડે છે,કોઈ પણ કાર્ય કરવા માટે માયાની જરૂર પડે છે.
સંતો કહે છે કે-વ્યવહારમાં માયાની જરૂર પડે તો માયાનો ઉપયોગ કરો,પણ માયાને આધીન ના બનો.
માયાનો ઉપયોગ કરો ત્યારે યાદ રાખો કે-હું ઈશ્વર સ્વ-રૂપ છું,જો આ વાત ભૂલ્યા તો માયા માથા પર ચડી બેસશે,ને માયાના હાથનો માર ખાવો પડશે.

માયા એ અગ્નિ જેવી છે,અગ્નિ દઝાડે છે,પણ અગ્નિ વિના વ્યવહાર થતો નથી,એના વિના ચાલતું નથી.
એટલે લોકો અગ્નિ જોડે વ્યવહાર કરે છે,પણ અગ્નિને હાથ થી ઉપાડતા નથી,ચીપિયાથી ઉપાડે છે.
આમ માયાને પણ વિવેક-રૂપી ચીપિયાથી ઉપાડવાની છે.માયા દઝાડી ના જાય તે જોવાનું છે.

માયા એ છાયા જેવી છે,જેમ, મનુષ્ય,સૂર્યની સન્મુખ ઉભો રહે તેને પોતાની છાયા ના દેખાય,પણ
જેવો તે સૂર્યથી વિમુખ થાય તો પોતાની છાયા (પડછાયો) તેની સામે આવે.
તેમ,જે ઈશ્વરની સમક્ષ ઉભો છે તેની સામે માયા નહિ આવે,માયા તેને નહિ ડરાવે,પણ જેવો તે 
ઈશ્વરથી વિમુખ થાય તો માયા હાજર થઇ જાય છે.
માટે પ્રતિક્ષણ સાવધાન થઇને ઈશ્વરની સન્મુખ રહેવાનું છે.એક ક્ષણ પણ પ્રભુને ના ભૂલવા જોઈએ.


PREVIOUS PAGE         INDEX PAGE           NEXT PAGE