Nov 18, 2021

Gujarati-Ramayan-Rahasya--ગુજરાતી-રામાયણ-રહસ્ય-૧૩૦

ગોદાવરીમાં સ્નાન કરીને એકવાર રામજી પર્ણકુટીમાં પાછા ફરતા હતા,
ત્યારે એક રાક્ષસીની નજર તેમના પર પડી,તે રાક્ષસીનું નામ હતું શૂર્પણખા.
શૂર્પણખા એ વાસનાનું સ્વરૂપ છે.લંકાના રાજા રાવણની એ બહેન હતી.
દંડકારણ્યમાં રાવણના લશ્કરની એક છાવણી હતી અને ખર-દૂષણ નામના બે રાક્ષસો તેના મુખ્ય અધિપતિ હતા,અને રાવણની બહેન તરીકે શૂર્પણખા આખા પ્રદેશ પર હકૂમત ભોગવતી હતી.ખર-દૂષણ પણ તેનાથી ડરીને ચાલતા.

રામચંદ્રજીનું રૂપ જોઈને શૂર્પણખા મોહી પડી.મોહમાં પડેલાને ભાન રહેતું નથી,તે વિનય અને વિવેકને ભૂલી 
જાય છે.ને લાજ શરમ ખોઈ બેસે છે.આ તો રાક્ષસી હતી,એને તો વિનય-વિવેક કે લજ્જાની કંઇ પડી નહોતી,
એ તો સીધી રામજીની પાછળ તેમની પર્ણકુટીમાં ઘુસી ગઈ.સીતાજી અને લક્ષ્મણ પણ તે વખતે ત્યાં હાજર હતા. રામજીએ શૂર્પણખાને પૂછ્યું-કે -અરે,બાઈ તું કોણ છે અને અહીં કેમ આવી છે?

શૂર્પણખાએ કહ્યું-કે-પહેલાં તું કહે કે તું કોણ છે અને અહીં શું કરે છે?
રામજી કહે છે-હું અયોધ્યાના રાજા દશરથનો પુત્ર રામ છું,આ મારો ભાઈ લક્ષ્મણ અને મારી ધર્મપત્ની સીતા છે,
પિતાની આજ્ઞાથી અમે વનવાસ ભોગવીએ છીએ,હવે તું બતાવ કે તું કોણ છે?
“મારું નામ શૂર્પણખા, હું રાવણની બહેન છું,અને આ આખું વન મારા અધિકારમાં છે.
હું આજે અહીં ખાસ કામે આવી છું.અત્યાર સુધીમાં હું ત્રણે લોક ફરી પણ મને મારા યોગ્ય કોઈ પુરુષ મળ્યો નહી,
તેથી આજ સુધી હું કુંવારી રહી છું,પણ આજે તમને જોઈને મારું મન માન્યું છે,હું ખાતરીથી કહું છું કે-
જગતમાં તમારા સમાન કોઈ પુરુષ નથી અને મારા સમાન કોઈ સ્ત્રી નથી,
વિધાતા એ જ આપણી જોડી બનાવી છે,એટલે હું તને પરણવા માગું છું.

શૂર્પણખા અત્યારે ખૂબ સુંદર રૂપ ધારણ કરીને રામજીની પાસે આવી હતી.શૂર્પણખા એ વાસનાનું સ્વરૂપ છે,
અને વાસના હંમેશા પોતાનું અસલી રૂપ છુપાવીને સુંદર રૂપ ધારણ કરીને મનુષ્ય પાસે આવે છે.
એનું લોભામણું રૂપ જોઈને મનુષ્ય ફસાય છે,ને વાસનાને અપનાવે છે.વાસના એકવાર મનુષ્યનો કબજો લઇ 
લે પછી તે પોતાનું અસલી રૂપ ધારણ કરે છે.અને પછી મનુષ્ય તેની પકડમાંથી છૂટી શક્ત્તો નથી.

શૂર્પણખા નફ્ફટ થઈને રામજીને કહે છે કે-હું તમને પરણવા માગું છું.
વાસના પણ આવી નફ્ફટ હોય છે,નફ્ફટ થઈને એ ગળે પડવા આવે છે.
શૂર્પણખા સામે છે પણ રામજી તેની સામે ઉંચી નજર કરીને દેખતા નથી,તે માત્ર સાંભળે છે.પણ તેને આંખ આપતા નથી. વાસનાને ભગવાન આંખ આપતા નથી.વાસનાને મનુષ્ય આંખ આપે તો તે તરત જ આંખમાં ભરાય છે.અને આંખ દ્વારા તે મન,બુદ્ધિ અને આખા શરીરનો કબજો લઇ લે છે.આ વાસના-રાક્ષસી એટલી વિકરાળ અને ભયંકર છે કે-તેને જેમ ખવડાવો તેમ તેમ તે વધતી જાય છે.અને વધુને વધુ ખાવા માગે છે.

મહાત્માઓ કહે છે કે-કોઈ ને આંખ આપતાં પહેલાં વિચાર કરજો કે- હું કોને આંખ આપું છું.
પણ મનુષ્ય આંખનો ઉપયોગ કરતાં સહેજ પણ વિવેક રાખતો નથી.

PREVIOUS PAGE         INDEX PAGE           NEXT PAGE