Nov 19, 2021

Gujarati-Ramayan-Rahasya--ગુજરાતી-રામાયણ-રહસ્ય-૧૩૧

સત્યમાં જોવા જાવ તો શૂર્પણખા વિધવા છે,છતાં કહે છે કે-હું કુંવારી છું.એના 
ધણીને રાવણે જ માર્યો હતો,અને પોતાની બહેનને વિધવા કરી હતી.રાવણને તો 
બહેન શું કે બનેવી શું? એના અહંકારની વચ્ચે જે આવે તેને તે ખતમ કરી નાખતો.
અહંકાર માત્ર સ્વાર્થને જ ઓળખે છે.
રામજી શૂર્પણખાને કહે છે કે-હું તો પરણેલો છું,બાઈ,જો આ રહી મારી પત્ની સીતા.આ સાંભળતાં જ શૂર્પણખા દંત કટકટાવીને ભયંકર અવાજ કરી બોલી-એ સીતા તો મહા વિરૂપ છે,તે તારી સ્ત્રી થવાને યોગ્ય નથી,પણ તું જરા પણ ગભરાતો નહિ,પરણ્યા પછી એને હું ખાઈ જઈશ.

શૂર્પણખાનાં આવા વચન સાંભળી,રામજીને હસવું આવ્યું,તેમણે જોયું કે મોહમાં ફસાયેલી આ બાઈ
સમજાવે સમજવાની નથી,એટલે તેની શાન ઠેકાણે લાવવા તેમણે વિચાર કર્યો.અને મશ્કરી કરતાં કહ્યું કે-
“હે શૂર્પણખા.તું સાંભળ,તું મને પરણવાનું કહે છે,પણ મને પરણીને તું સુખી નહિ થાય,એના કરતાં મારો 
આ નાનો ભાઈ લક્ષ્મણ અત્યારે એકલો છે,તેને તારે જે કહેવું હોય તે કહે.”

શૂર્પણખાએ લક્ષ્મણ તરફ નજર ફેરવી અને બોલી-તારું નસીબ ખુલી ગયું,લખન,તું રાજા અને હું રાણી.
આ સાંભળતાં જ લક્ષ્મણનું શરીર ક્રોધથી ભરાઈ ગયું,પણ રામજીની મજાકને આગળ લંબાવી અને કહ્યું કે-હે,રૂપવતી,હું તો રામજીનો દાસ છું,મને પરણીને તારે પણ રામજીની દાસી થવું પડશે.
તું રાજા રાવણની બહેન થઈને શું કોઈની દાસી થવાનું પસંદ કરશે? માટે જે કહેવું હોય તે તું રામજીને જ કહે,
એ રાજા છે,અને બીજું લગ્ન પણ તે કરી શકે છે.

શૂર્પણખા હવે ફરીથી રામજીની તરફ ફરી અને બોલી-હે રામ તું મને પરણ,આ સીતાને લીધે જો તું ના કહેતો હોય તો,દેખ,તારા દેખતાં જ હું તેને ફાડી ખાઉં છું.આમ કહી તેણે પોતાનું અસલી રાક્ષસીનું રૂપ ધારણ કર્યું અને પોતાના લાંબા તીણા નખ વડે એ સીતાજીને ફાડી ખાવા ધસી.ત્યારે રામજી એ મોટો હાકોટો કરીને તેને અટકાવી.રામજીને માટે તો સ્ત્રી અવધ્ય (સ્ત્રી ને મારી ના શકાય) છે,રાક્ષસી હોય તેથી શું?

રામજીએ ના છુટકે તાડકાનો વધ કર્યો હતો,તેમણે લક્ષ્મણને ઈશારાથી કહ્યું કે- તેને માર્યા વગર તેનાં 
નાક-કાન કાપી લે.અને રામજીની આજ્ઞા થતાં જ લક્ષ્મણે શૂર્પણખાના નાક-કાન કાપી નાખ્યાં.
શૂર્પણખા દુઃખથી ચીસ પાડી ઉઠી અને ત્યાંથી ભાગી.વાસનાની સામે સદા સાવધ રહે તે મહાત્મા.
અને એવો સાવધ મહાત્મા સામે ધસી આવતી વાસનાનાં,નાક-કાન કાપી અને તેને ભગાડી મુકશે.

શ્રીરામની જિંદગીમાં ત્રણ સ્ત્રીઓએ બહુ અગત્યનો ભાગ ભજવ્યો છે.તાડકા,મંથરા અને શૂર્પણખા.
તાડકા ક્રોધનું સ્વરૂપ છે,મંથરા લોભનું સ્વરૂપ છે અને શૂર્પણખા કામ-વાસનાનું સ્વરૂપ છે.
કામ,ક્રોધ અને લોભની આપત્તિઓ પણ શ્રીરામની સામે આવીને તરખાટ મચાવે છે.
એમાં તાડકા પર રામજી પોતે પ્રહાર કરે છે,તે ક્રોધનું સ્વરૂપ છે,ને “માયા-મૃગ” ની મા છે,એટલે 
સ્વયં શ્રી હરિ તેને સંહારે છે,ક્રોધને સંહારવો જ પડે છે,લોભ કામ ને દંડ દઈને જતા કરે છે.

મંથરા-લોભ- ને નિર્લોભી શત્રુઘ્ન સજા કરીને હટાવે છે,અને કામ-શૂર્પણખાને જીતેન્દ્રિય લક્ષ્મણ હટાવે છે.
શૂર્પણખા ત્યાંથી ભાગીને છાવણીમાં ગઈ અને તેણે ખર-દૂષણને બદલા માટે ઉશ્કેર્યા,અને કહે છે કે-
એ ત્રણેનું મારે લોહી પીવું છે,એ વિના મને તૃપ્તિ થવાની નથી.
એટલે ખરે પોતાના ચુનંદા ચૌદ બહાદુરોને બોલાવી ને હુકમ કર્યો કે-જાઓ અને તે ત્રણેને મારીને,
શૂર્પણખાને તેમના લોહીનું પાન કરાવો.

ચૌદ બહાદુરો ઉપડ્યા,સાથે શૂર્પણખા પણ ગઈ.પરંતુ ત્યાં તેણે નહિ ધારેલું બન્યું,રામજીનાં બાણે,
એ ચૌદની છાતી વીંધીને તેમને જમીનમાં ખૂંપી દીધા.ચૌદ બહાદુરો મરી ગયા એટલે શૂર્પણખા ફરીથી ખર-દૂષણ પાસે ગઈ,ખર કહે છે કે-હવે હું છાવણીની આખી સેના લઈને જઈશ,હું ખુદ મોતને ય ભરી પીવું એવો છું એ મગતરાંને હું ઘડીકમાં ચોળી નાખીશ.અને આખી છાવણીની સેના લઇને ખર-દૂષણ રામ-લક્ષ્મણને મારવા નીકળ્યા.સેનાની બૂમોથી આકાશ ગાજી રહ્યું.

PREVIOUS PAGE         INDEX PAGE           NEXT PAGE