Nov 20, 2021

Gujarati-Ramayan-Rahasya--ગુજરાતી-રામાયણ-રહસ્ય-૧૩૨

રામજી એ જોઈ લીધું કે-હવે ભીષણ સંગ્રામ થશે.તેથી તેમણે લક્ષ્મણની સાથે સીતાજીને થોડે દૂર આવેલી ગુફામાં મોકલી દીધાં અને પોતે એકલા ચૌદ હજારની સેના સામે સજ્જ થઇને ઉભા.હાકોટા અને પડકારો પાડતું રાક્ષસોનું સૈન્ય આવી પહોંચ્યું.રામચંદ્રને આમ એકલા ઉભેલા જોઈને આકાશમાં યુદ્ધ જોવા આવેલા દેવો ફફડવા માંડ્યા.લડવાવાળો બીતો નથી પણ દેવો બીએ છે.દેવોને વિજય જોઈએ છે પણ એમને લડવું નથી,જોવું છે ને ફૂલો વરસાવવા છે.

તુલસીદાસજી એ દેવોની ખૂબ હાંસી ઉડાવી છે.દેવતાઓ ન્યાયના પક્ષમાં છે ખરા પણ કશું કરવાના 
કે લડાઈમાં મદદ કરવા આવતાં ડરે છે. ભોગ ના છોડી શકે તે હાંસીપાત્ર બને છે.
શ્રીરામે એકલા હાથે,ચૌદ હજાર સેનાનો વધ કર્યો,હળાહળ ઝેર ખાનારો જેમ તરત મરી જાય,તેમ આ
ક્રૂર-કર્મી રાક્ષસોને તેમના ક્રૂર-કર્મોનું તરત જ ફળ મળી ગયું.ખર-દૂષણ પણ ધરાશયી થયા.

ચૌદ હજારમાંથી એક માત્ર બચેલો રાક્ષસ રાવણને આ મહાવિનાશની ખબર આપવા દોડી ગયો.
અને છંછેડાયેલી શૂર્પણખા પણ રાવણને ઉશ્કેરવા લંકા પહોંચી.અને આખી ઉપજાવેલી વાત રાવણને કરતાં 
કહે છે કે-દંડકવનમાં બે છોકરા અને એક છોકરી આવી છે,તે રૂપાળી છોકરીને જોઈ મને થયું કે-આ મારા 
ભાઈ રાવણના ઘરમાં શોભે તેવી છે,એટલે તારા વાસ્તે હું ત્યાં ગઈ,પણ તે છોકરીનો ધણી ભારે અદેખો,
તેણે એના નાના ભાઈને ઈશારો કર્યો,એટલે તે નાના ભાઈએ એ મારાં નાક-કાન કાપી નાખ્યાં.
મે ખર-દૂષણની મદદ માગી,તો તે ખર-દૂષણની સાથે ચૌદ હજારની સેનાનો પણ રામે નાશ કર્યો.
સેનાનો નાશ થયો,તેનું મને દુઃખ નથી પણ તે સીતા હાથથી ગઈ તેનું મને દુઃખ છે.

શૂર્પણખા માનસશાસ્ત્રની ઉસ્તાદ છે,રાવણની નબળાઈને તે જાણે છે,તેથી એની સ્વભાવ-ગત વાસનાને 
ઉશ્કેરે છે.શૂર્પણખાને ખબર છે કે રાવણને શૂર્પણખાના-પોતાના અપમાનની કંઈ પડી નથી,
શૂર્પણખાના પતિને હણનારો રાવણ જ હતો.એટલે કદાચ તે પોતાનું (શૂર્પણખાનું) વેર લેવા ના જાય 
પણ સીતાજીના રૂપના લોભથી લલચાઈને ત્યાં જાય,એ ગણત્રીથી તેણે રજૂઆત કરી.

રાવણ વિચારે છે કે-કોણ હશે આ રામ?જેણે એકલા હાથે ખર-દૂષણ અને ચૌદ હજારની સેનાને મારી,તે કોણ હશે? ખર-દૂષણ તો મારા જેવા બળવાન હતા,એટલે તેમને મારનાર ભગવાન સિવાય કોઈ હોઈ શકે નહિ.

રાવણ કેવો મહાજ્ઞાની છે !! એ રામને તરત ઓળખી લે છે.હનુમાનજી પણ એટલા સહેલાઈથી રામને
ઓળખી શક્યા નહોતા.શ્રીરામને ઓળખવા માટે હનુમાનજીને તેમની પાસે જવું પડે છે જ્યારે 
રાવણ કોસો દૂર બેઠા બેઠા રામને ઓળખી કાઢે છે.પણ જાણવું કે એકલું બુદ્ધિથી સમજવું એટલું બસ નથી.જાણવાથી મનુષ્ય જ્ઞાની બને અને જ્ઞાની બને એટલે જ્ઞાનનો અહંકાર આવે. 
અને જ્ઞાનનું અભિમાન આવે તો તે જ્ઞાન સાચું નથી.

રાવણને થયું કે ભગવાનનો રામ-રૂપે અવતાર થઇ ગયો છે,પણ તેને રામ-નામ લેવાની બુદ્ધિ નથી.
રામનું ભજન તે કરતો નથી,પણ એ તો કહે છે કે-ભજન-બજન મારાથી નહિ બને.
એનો અહંકાર તેણે વઢે છે, અને કહે છે કે-તું કેવો મૂરખ છે,ઈશ્વર આવી ગયા છે તે માની લેવાની શી જરૂર છે? જરા એની પરીક્ષા તો કરી જો,કે તે ઈશ્વર છે કે સામાન્ય માનવી છે.
રાવણ ને તેના અહંકારની આ વાત ગમી ગઈ અને તેણે રામજીની પરીક્ષા લેવાનો નિશ્ચય કર્યો.

PREVIOUS PAGE         INDEX PAGE           NEXT PAGE