Nov 10, 2021

Gujarati-Ramayan-Rahasya--ગુજરાતી-રામાયણ-રહસ્ય-૧૨૩

શ્રીરામચંદ્રજી શરભંગમુનિના આશ્રમમાં પધાર્યા છે તે જાણી ઘણા ઋષિ-મુનિઓ તેમના દર્શન કરવા ભેગા થયા. તે બધા જુદે જુદે રહીને તપસ્યા કરતા હતા,તેમણે રાક્ષસોના ત્રાસની વાત રામજીને કરી.અને કહ્યું કે-હવે અમારાથી આ ત્રાસ સહન થતો નથી,તમે અમારું રક્ષણ કરો.અમે તમારા શરણે છીએ.આ સાંભળી શ્રીરામે કહ્યું કે-હે મુનિવરો,તમે નિશ્ચિંત રહો,બહારથી જોતાં હું પિતાજીની આજ્ઞાનું પાલન કરવા વનમાં આવ્યો છું,પણ અંદરથી જોતાં,હું રાક્ષસોનો સંહાર કરી,તમને સુખી કરવા જ વનમાં આવ્યો  છું.રાક્ષસોનો સંહાર કરી તમને સુખી કરવા એ મારું કર્તવ્ય છે,એમ માનીને જ મેં આ દંડકારણ્યમાં પ્રવેશ કર્યો છે,આજે હું પ્રતિજ્ઞા કરું છું કે હું રાક્ષસોને હણીશ.રામચંદ્રે આવી ભીષણ પ્રતિજ્ઞા લઈને ઋષિ-મુનિઓ ને આશ્વાસન આપ્યું.

સીતાજી તે વખતે કશું બોલ્યા નહિ પણ જયારે આગળ પ્રવાસ ચાલુ થયો ત્યારે તેમણે પોતાના મનની વાત રામજીને કરી કે-હે સ્વામી,તમે જીતેન્દ્રિય છો,ધર્મિષ્ઠ છો,સત્યનું પાલન કરનારા છે,અને સર્વ ધર્મો અને સત્યોના તમે આશ્રય છો,તો વિના કારણ પરાયા પ્રાણોની હિંસા કરવાની પ્રતિજ્ઞા કેમ કરી તે મને સમજાતું નથી.
ત્યારે રામજી કહે છે કે-ઋષિ-મુનિઓ અને બ્રાહ્મણો આવી એક ક્ષત્રિયને નમન કરે તે મને અજુગતું લાગ્યું અને જયારે તેમણે શરણું માગ્યું અને રક્ષણ માટેની પ્રાર્થના કરી,ત્યારે મેં કહેલું કે –આપ સર્વ પવિત્ર મુનિઓ એક ક્ષત્રિયને નમે તે મને શરમાવા જેવું થાય છે,માટે આપ ખુશીથી મને આજ્ઞા કરો.

ત્યારે ઋષિ-મુનિઓએ રાક્ષસોને મારવાની જે આજ્ઞા કરી તેને લીધે મેં પ્રતિજ્ઞા કરી છે.ઋષિ-મુનિઓનું 
કાર્ય કરવું એ મારો ધર્મ છે.એમની આજ્ઞા ના હોત તો પણ તેમનું રક્ષણ કરવાની મારી ફરજ છે.
મારા પર પ્રીતિને લીધે તમે મને જે વચન કહ્યું,તેથી હું પ્રસન્ન છું,સ્નેહી-જન જ સ્નેહીને આવી રીતે કહી શકે છે.
તમારા આવા ઉત્તમ સ્વભાવને લીધે જ તમે મને પ્રાણથી યે પ્રિય છો.

શરભંગ-ઋષિનો આશ્રમ છોડ્યા પછી શ્રીરામ સુતીક્ષ્ણ –ઋષિના આશ્રમમાં આવ્યા.રામચંદ્ર આવી રહ્યા છે 
તે જાણી સુતીક્ષ્ણ-મુનિ તેમનો સત્કાર કરવા દોડ્યા.શ્રીરામ તેમના આરાધ્ય દેવ હતા અને આજે જયારે સદેહે તેમની પધરામણી થતી હતી ત્યારે તે પાગલ સરીખા બની ગયા હતા.અને રામ-રામ કરી- અહીં તહીં 
શ્રીરામને શોધતા હતા.રામજી ઝાડના ઓથેથી ભક્તની આતુરતા જોતા હતા.અને પ્રસન્ન થઈને 
ભક્તને દર્શન આપ્યા.અને દર્શન થતાં જ મુનિને રસ્તા વચ્ચે જ સમાધિ લાગી છે.
તુલસીદાસજી તે વખતની મુનિની સ્થિતિનું વર્ણન કરતાં કહે છે કે-
ફણસના ફળની જેમ મુનિનું આખું શરીર આનંદથી રોમાંચિત થઇ ગયું.

શ્રીરામ મુનિની પાસે ગયા અને સમાધિમાંથી જગાડતા કહ્યું કે-મુનિવર,ઉઠો,તમે તો મારા પ્રાણ સમાન છે.
પણ મુનિ જાગે તો ને?મુનિ તો પોતાના અંતરમાં પ્રગટેલ શ્રીરામના દર્શન કરવામાં મસ્ત બની ગયા હતા.
તેમની તમામ ઇન્દ્રિયો,મન ને બુદ્ધિ બધું ભગવાનના સ્વરૂપની સેવામાં લાગી ગયું હતું.
તેમને પોતાના સ્થૂળ શરીરનું ભાન લેશ-માત્ર રહ્યું નહોતું.

તુલસીદાસ કહે છે કે-રામની કૃપાએ મુનિનાં દુઃખ-દારિદ્રયનો નાશ કરી નાખ્યો હતો.રામજીનો એવો સ્વભાવ 
છે કે-ભક્તોને ચિરંતન સુખ નું દાન કરવું.અને મુનિ એ સુખ-સમાધિમાંથી હટવા માગતા નહોતા.
હવે શ્રીરામે પોતાનું રાજવી રૂપ છુપાવ્યું અને મુનિના અંતરમાં તેઓ ચતુર્ભુજ ભગવાન રૂપે પ્રગટ થયા.
પોતાના ઇષ્ટદેવના સ્વરૂપને બદલે ચતુર્ભુજ સ્વરૂપ ઋષિને રુચ્યું નહિ,અને ઇષ્ટદેવના સ્વરૂપને અદશ્ય થયેલું જોઈ,મુનિ વ્યાકુળ થયા ને એમને આંખો ઉઘાડીને જોયું તો પોતાની સામે જ,ઇષ્ટદેવને ઉભેલા જોયા,
અને જોતાં જ એવો હર્ષ થયો કે-શ્રીરામના ચરણમાં ઢળી પડ્યા.

શ્રીરામની કૃપાનો કોઈ પાર નથી,પોતાની વિશાળ ભુજાઓથી તેમણે મુનિને ઉભા કર્યા,
ને બહુ જ પ્રેમથી, હૃદય સરસા ચાંપ્યા.જાણે સોનાના વૃક્ષને તમાલનું વૃક્ષ ભેટ્યું.
મુનિ સ્તબ્ધ બનીને એકીટશે રામજી તરફ જોઈ રહ્યા છે,હજુ પણ તે કોઈ અકળ અભાન અવસ્થામાં છે.

PREVIOUS PAGE         INDEX PAGE           NEXT PAGE