Nov 11, 2021

Gujarati-Ramayan-Rahasya--ગુજરાતી-રામાયણ-રહસ્ય-૧૨૪

બહુ વારે જયારે સુતીક્ષ્ણ-મુનિ ભાનમાં આવ્યા ત્યારે તેઓ શ્રીરામને આશ્રમમાં લઇ ગયા,
અને ત્યાં ઉંચા આસન પર બેસાડી મુનિએ તેમની પૂજા કરી.અને બે હાથ જોડી ને પ્રાર્થના-સ્તુતિ કરતાં કહ્યું કે-હે,પ્રભુ,આપનો મહિમા અપાર છે,મારી બુદ્ધિ અલ્પ છે,સૂર્યના આગળ આગિયા જેવી મારી બુદ્ધિ આપની કિસવિધ સ્તુતિ કરી શકે? અગ્નિ વનને બાળે તેમ તમે અમારા મોહને બાળો છે.સૂર્ય કમળને પ્રફુલ્લિત કરે તેમ તમે અમ સંતોને પ્રફુલ્લિત કરો છો.
ગરુડ સર્પને ગળી જય છે તેમ તમે અમારા ગર્વને ગળી જાઓ છો.તમે નિર્ગુણ છો અને સગુણ પણ છો,સમ છો ને વિષમ પણ છો,તમે જ્ઞાનથી પર,ઇન્દ્રિયોથી પર,અને વાણીથી પણ પર છો.
સંસાર સાગરના તમે પુલ છો.તમે બળ-ધામ છો,ધર્મનું કવચ છો.
હે,રામ તમે અવિનાશી અને સર્વ-વ્યાપક છો,આપ મારા હૃદયને તમારું ઘર કરીને રહો.

મુનિના વચન સાંભળી શ્રીરામ અતિ પ્રસન્ન થયા ને તેમણે કહ્યું કે-હે,મુનિ તમારી જે ઈચ્છા હોય તે માગો.
ત્યારે મુનિએ કહ્યું કે-પ્રભુ,તમે જાણો છો છતાં પૂછો છો તે તમારી કૃપાનો જ પ્રકાર છે.
હે,પ્રભુ,હું તમારી પાસે એટલું જ માગું છું કે-સીતાજી અને લક્ષ્મણજી સહિત તમે મારા હૃદયાકાશમાં,
ચંદ્રમાની પેઠે સદા પ્રકાશ્યા કરો.શ્રીરામે પ્રસન્ન થઇને મુનિ ને વર આપ્યો.

વનવાસ દરમિયાન શ્રીરામ ઋષિ-મુનિઓના સત્સંગનો લાભ લેવા જુદા જુદા આશ્રમમાં જતા અને ત્યાં અનુકુળતા મુજબ રોકાતા.કોઈ જગાએ એક બે દિવસ તો કોઈ જગ્યાએ બે થી છ માસ પણ રોકાતા.
કોઈ આશ્રમમાં ફરીવાર પણ જતા હતા.આમ દશ વર્ષ વીતી ગયા,પણ હજુ સુધી મહા-મુનિ અગસ્ત્યના આશ્રમમાં જવાણું નહોતું.અગસ્ત્યનો આશ્રમ એવા ગાઢ વનમાં હતો કે ત્યાં સરળતાથી જઈ શકાય નહિ.

રામચંદ્રની ઈચ્છા અગસ્ત્યના આશ્રમમાં જવાની છે એવું જયારે સુતીક્ષ્ણ મુનિના જાણવામાં આવ્યું,
ત્યારે સામેથી સુતીક્ષ્ણ મુનિએ સામે ચડીને શ્રીરામ ને કહ્યું કે –“પ્રભુ આપને રસ્તો બતાવવા હું આપની સાથે આવીશ.” આમ કહેવામાં સુતીક્ષ્ણનો એક ઉદ્દેશ હતો,સુતીક્ષ્ણ એ અગસ્ત્યના શિષ્ય હતા.તેમના ચરણમાં બેસીને પોતે બ્રહ્મ-વિદ્યા પ્રાપ્ત કરી હતી.વિદ્યાના અંતે જયારે તેમણે ગુરુને ગુરૂ-દક્ષિણા વિષે પૂછ્યું ત્યારે 
અગસ્ત્ય-મુનિએ કહ્યું કે-મારે કોઈ જરૂર નથી,મેં કંઈ લેવાની ઈચ્છાથી વિદ્યાદાન કર્યું નથી,તારું કલ્યાણ થાઓ. તો યે સુતીક્ષ્ણનું મન માન્યું નહિ અને તેમણે આગ્રહ કર્યો.અને કહ્યું કે-મારે ગુરૂ-દક્ષિણા આપવી જ છે,
ગુરૂ-દક્ષિણા વગર વિષય મને ભાર-રૂપ થઇ પડે.

ત્યારે અગસ્ત્યથી એમના મનની વાત પ્રગટ થઇ જાય છે અને કહે છે કે-તારે ગુરૂ દક્ષિણા આપવી જ છે તો ગુરુદક્ષિણામાં હું એ માગું છું કે મને શ્રીરામના દર્શન કરાવજે.ગુરૂચરણમાં વંદન કરીને,તેમની આજ્ઞા લઈને, સુતીક્ષ્ણ પછી ત્યાંથી વિદાય થયા.અને ત્યાર પછી શ્રીરામના ધ્યાનમાં જ જીવન વિતાવવા માંડ્યું.શ્રીરામ પ્રસન્ન થાય તો તેમની ઝાંખી થાય અને ગુરુદક્ષિણા દેવાની તક ઉભી થાય. એમની આવી વિહ્વળ દશામાં જયારે રામજી તેમને ત્યાં પધાર્યા ત્યારે અને શ્રીરામે જયારે અગસ્ત્યના આશ્રમ માં જવાની ઈચ્છા દેખાડી,ત્યારે સુતીક્ષ્ણને લાગ્યું કે-ગુરુદક્ષિણા દેવાની પળ આવી પહોંચી છે,એટલે તેઓ રસ્તો બતાવવાના નિમિત્તે શ્રીરામ સાથે,અગસ્ત્યના આશ્રમે જવા નીકળ્યા.

શ્રીરામ જાણતા હતા કે સુતીક્ષ્ણને તેમની ગુરુદક્ષિણા આપવી છે.એટલે જયારે અગસ્ત્યના આશ્રમ નજીક 
જયારે તેઓ પહોંચ્યા એટલે તેમણે સુતીક્ષ્ણને કહ્યું કે-તમે અગસ્ત્ય-મુનિ ને અમારા આવવાના સમાચાર આપો.
સુતીક્ષ્ણને તો એ જ જોઈતું હતું,એટલે તેઓ દોડતા આશ્રમમાં ગયા,
અગસ્ત્ય-મુનિને દંડવત પ્રણામ કરીને તેમણે કહ્યું કે-ગુરુજી આપની ગુરુદક્ષિણા વ્યાજ સાથે લાવ્યો છું.
ગુરૂ દક્ષિણામાં શ્રીરામનાં દર્શન અને વ્યાજમાં સીતાજી અને લક્ષ્મણનાં દર્શન.

આ સાંભળતા જ અગસ્ત્ય ઉભા થઈને દોડ્યા.તેમને આવતા જોઈ ને રામજી પણ સામે દોડ્યા 
અને બંને ખૂબ આનંદથી ભેટ્યા.પછી તો આશ્રમમાં આવી અગસ્ત્યમુનિએ અતિથી રામચંદ્રનું પૂજન કર્યું.
ત્યારે રામચંદ્રે કહ્યું કે-આપ પૂજ્ય છો આ રીતે ક્ષત્રિયનું પૂજન કરો તે યોગ્ય નથી.
ત્યારે અગસ્ત્ય મુનિએ કહ્યું કે-અતિથીનું પૂજન કરવું એ તપસ્વી-જનોનો ધર્મ છે.

ભારતના પ્રાચીન ઋષિમુનિઓમાં અગસ્ત્યનું સ્થાન અવિચળ છે.વ્યોમ-મંડળમાં ઝળહળતા તારાઓમાં
દક્ષિણ દિશાનો એક તારો અગસ્ત્યના નામે ઓળખાય છે.તે વખતે વિંધ્ય પર્વતની દક્ષિણે આવેલો 
ગાઢ વન પ્રદેશ અસંસ્કૃત પ્રજાઓથી ભરેલો હતો.વિંધ્ય ઓળંગીને જવું ઘણું અઘરું હતું.પણ 
અગસ્ત્ય વિંધ્ય ઓળંગીને દક્ષિણ પ્રદેશમાં પ્રવેશ્યા અને આર્ય-સંસ્કૃતિનો પ્રચાર કરતા-કરતા અને ઠેર ઠેર આશ્રમો સ્થાપતા આગળ વધ્યા,અને છેક દરિયા કિનારા સુધીના પ્રદેશ સુધી ફરી વળ્યા.કહે છે કે 
એટલેથી પણ તે અટકેલા નહિ અને દરિયો ઓળંગીને આગળ વધીને મહાસાગરમાં આવેલા અસંખ્ય 
ટાપુઓમાં પણ તેમણે આર્ય-સંસ્કૃતિનાં થાણાં નાંખેલા,અને પછી એ ત્યાં જ રહ્યા.
વિંધ્ય ઓળંગીને ગયા ત્યારે વિંધ્યને “વાયદો” આપીને ગયેલા કે તે પાછા આવશે,
પણ તે પાછા આવ્યા નહિ.(અગસ્ત્ય નો વાયદો)

PREVIOUS PAGE         INDEX PAGE           NEXT PAGE