Jan 5, 2022

Gujarati-Ramayan-Rahasya--ગુજરાતી-રામાયણ-રહસ્ય-સુંદરકાંડ-૧૬૭

સુંદરકાંડ
તુલસીદાસજી કહે છે કે-શ્રી રઘુનાથજીનું બાણ છૂટે એવા વેગથી હનુમાનજીએ લંકા તરફ પ્રયાણ કર્યું.
'જિમિ અમોઘ રઘુપતિ કર બાના,એહી ભાંતિ ચલેંઉ હનુમાના.'
તેમના વેગીલા સુસવાટથી,કેટલાંય વૃક્ષો ઉખડી પડ્યાં,અને પ્રવાસે જતા સંબંધીને વળાવવા જતા હોય,
તેમ થોડે દૂર સુધી,હવામાં તેમની પાછળ ઉડ્યા.હનુમાનજીના ઉડવાના વેગથી સમુદ્રનાં મોજાં ખેંચાઈને ઉંચે ઉંચે ઉછળવા લાગ્યાં.હનુમાનજીએ ઉડતી વખતે,પૂંછડું ઊંચું રાખ્યું હતું,જે આકાશમાં મેઘ-ધનુષ્ય સમાન ભાસતું હતું.
હનુમાનજીને પોતાની ઉપરથી જતા જોઈને,સમુદ્રને થયું કે મારે પણ,હનુમાનજીને કંઈ મદદ કરવી જોઈએ.એટલે એણે પોતાની અંદર પોઢેલા પર્વત મૈનાક ને કહ્યું કે- તું બહાર આવ,જેથી હનુમાનજી ઘડીક આરામ કરીને આગળ વધે. એટલે મૈનાક તરત સમુદ્રમાંથી બહાર ઉંચે આવ્યો,અને હનુમાનજીને પોતાના શિખર પર આરામ કરવા વિનંતી કરવા લાગ્યો.હનુમાનજીએ તેણે માત્ર હાથથી સ્પર્શ કરી તેનો આભાર માની કહ્યું,કે-
શ્રીરામનું કામ કર્યા વિના મને વિસામો કેવો?. “રામ કાજુ કીન્હેં બિનુ મોહિ કહાં વિશ્રામ?”

બીજી બાજુ દેવોને થયું કે-હનુમાનજીમાં જેવું બળ છે તેવી બુદ્ધિ છે કે નહિ –તે જોવું પડશે.
તેમણે સુરસા નામની નાગ માતાને મોકલી,સુરસા વિકરાળ રાક્ષસીનું રૂપ ધરી,
હનુમાનજીના માર્ગમાં આવી ઉભી,ને બોલી-તું મારો ખોરાક છે,ચલ મારા મોમાં પેસી જા.
દેવોએ તારું ભોજન કરવાની મને આજ્ઞા આપી છે.

આ સાંભળી હનુમાનજીએ કહ્યું કે-તું મને ખાવા જ માગે છે તો મને ભલે ખાજે પણ હમણાં નહિ,
હમણાં હું શ્રીરામનું કામ કરવા જાઉં છું,ત્યાંથી પાછા ફરી,સીતાજીનો સંદેશો રામને પહોંચાડી દઉં,
ત્યાં લાગી થોભી જા,પછી હું જાતે જ તારા મોમાં પેસીશ.
પણ સુરસા કહે છે કે –“ના-હમણાં જ હું તને ખાઉં.હાલ જ તું મારા મોમાં પેસ.”
બહુ લાંબી વાત કરવાનો વખત નહોતો-હનુમાનજી એ કહ્યું કે-“તો ફાડ મોં.”

સુરસાએ હનુમાનજીને ગળી જવા મોં ફાડ્યું,ત્યારે હનુમાને પોતાનો દેહ બમણો મોટો કર્યો,
સુરસાએ મોઢું બમણું પહોળું કર્યું,હનુમાનજીએ ચારગણો દેહ કર્યો એટલે સુરસાએ પણ ચાર ગણું 
મોં પહોળું કર્યું....એમ કરતાં કરતાં સુરસાનું મોં સોળ ગણું પહોળું થયું,
ત્યારે હનુમાનજીએ પોતાનું શરીર એકદમ અંગુઠા જેવડું કરી ને સુરસાના મોમાં પ્રવેશ કરીને,
ઘડીમાં તો બહાર નીકળી આવ્યા,ને તેને કહેવા લાગ્યા કે-
તારા કહેવા મુજબ મેં તારા મોમાં પ્રવેશ કર્યો પણ તું મને ખાઈ શકી નહિ,એટલે હું બહાર આવી ગયો છું,
હનુમાનજીની બુદ્ધિ પર પ્રસન્ન થઇને સુરસા એ પોતાનું મૂળ સ્વરૂપ ધારણ કરીને કહ્યું કે
ધન્ય છે,હનુમાન,ધન્ય છે તારી બુદ્ધિ શક્તિને.જા,તારું કામ સિદ્ધ કરીને આવ.
જેમાં શક્તિ અને બુદ્ધિનો સમન્વય છે તે હનુમાન.
શક્તિ હોય પણ બુદ્ધિ ના હોય તો શક્તિ અનર્થ-રૂપ બની જાય છે.

સુરસાની કથાનું રહસ્ય એવું છે કે-
સંસારના સર્વ જીવોને આ સંસાર-રૂપી સમુદ્ર ઓળંગવાનો છે.ને એ સમુદ્ર ઓળંગતા,સામે સુરસા આવે જ છે.
એ સુરસાને જેર (હરાવી) કરી શકે તે જ આ (સંસાર) સમુદ્ર પાર કરી શકે.
નૈષ્ઠિક બ્રહ્મચર્ય અને રામ-ભક્તિ વગર સુરસાને હરાવી શકાય નહિ,સમુદ્ર પાર થઇ શકે નહિ,અને,
સમુદ્રને પાર કર્યા પછી પરા-ભક્તિ-સ્વ-રૂપ સીતાજીનાં દર્શન થાય નહિ.
સુરસા-એટલે “સુ”-રસા=સારા રસ-વાળી-એટલે કે જીભ.
જીભ જો લૌકિક રસમાં અટવાઈ જાય,તો એ પ્રભુના નામનો રસ માણી શકશે નહિ.
પ્રભુનું કે-પ્રભુએ બતાવેલું-કામ કરી શકશે નહિ.

PREVIOUS PAGE         INDEX PAGE           NEXT PAGE