Jan 14, 2022

Gujarati-Ramayan-Rahasya--ગુજરાતી-રામાયણ-રહસ્ય-૧૭૬

હનુમાનજી અતિ ભાવ-પૂર્ણ થઇ સીતાજી સામે હાથ જોડીને ઉભા છે,ને સીતાજીનો રામજીને કહેવાનો સંદેશો સાંભળી રહ્યા છે.સીતાજી કહે છે કે-રામજીને મારા વતી કહેજો કે-તમે જો એક મહિનામાં નહિ આવો તો મને જીવતી નહીં ભાળો.હે,પવનપુત્ર, હનુમાન,તમને જોઈને મારા મનને ટાઢક થઇ હતી,જીવવાનો ઉત્સાહ આવ્યો હતો,પણ તમે તો ચાલ્યા,ને પાછાં મારા નસીબે તો તે જ દિવસ અને તે જ રાત રહ્યાં.“પૂનિ મો કહું,સોઈ દિનુ,સો રાતી”

વિદાય વખતે,માતાજીએ હનુમાનજીને આશિષ દીધી-કે-તમે બળ અને શીલના ભંડાર થાઓ,
અજર અને અમર થાઓ,શ્રીરામની તમારા પર ઘણી કૃપા હો.“પ્રભુની કૃપા હો,” 
એ શબ્દો કાને પડતાં જ હનુમાનજી અત્યંત ભાવવિભોર બની ગયા.
“અજર-અમર ગુનનિધિ,સુત હોઉ,કરહું બહુત રઘુનાયક છોહું.
કરહું કૃપા પ્રભુ,અસ સુની કાના,નિર્ભર પ્રેમ મગન હનુમાના.”

સીતાજીના ચરણોમાં મસ્તક નમાવી,હનુમાનજી કહે છે કે-હે માતા,આજે તો હું કૃત-કૃત્ય થઇ ગયો,
કહેવાયછે કે આપના અમોઘ,અને વિખ્યાત આશીર્વાદ સદા સફળ છે.
“અબ કૃત-કૃત્ય ભયઉ મૈ માતા,આશિષ તવ અમોઘ વિખ્યાતા.”
અને પછી,હનુમાનજીએ,સીતાજી ને બહુ બહુ સમજાવીને -બહુ ધીરજ આપી,અને સીતાજીને વંદન કરી,
રઘુ-નાયક નું સ્મરણ કરી ને પાછા રામજી પાસે જવા નીકળ્યા.
“જનકસુતહિ સમજાઈ કરી,બહુ બિધિ ધીરજ દીન્હ,ચરણ કમળ સિરું નાઈ કપિ,ગવનું રામ પહિ કીન્હ”

રામાયણમાં સીતાને હનુમાનના આ મિલનનો પ્રસંગ સર્વોત્તમ છે.
સીતાજી અને હનુમાનના,શ્રીરામ પ્રત્યે, ઊંડામાં ઊંડા અને પ્રબળમાં પ્રબળ,મનોભાવો અહીં પ્રગટ થયા છે.
એક એવી કથા છે કે-હનુમાનજી લંકા છોડી જવા નીકળ્યા ત્યારે –બ્રહ્માજીને થયું કે-
હનુમાનજી શ્રીરામને મળશે ત્યારે લંકા-દહનના પરાક્રમની પોતાની વાત, પોતાના સ્વ-મુખે તો તે 
કહેશે નહિ (.હનુમાનજીની નમ્રતાનો કોઈ પાર નથી,) 
એટલે હનુમાનજીના બધા પરાક્રમની વાર્તા એક કાગળમાં લખીને,બ્રહ્માજીએ પોતે ,
હનુમાનજીને આપ્યો ને કહ્યું કે-આ કાગળ તમારે લક્ષ્મણજીને આપવો.હનુમાનજી એ કાગળ 
પોતાની સાથે લઇ ગયા હતા,ને તે કાગળ લક્ષ્મણજી એ રામજીને વાંચી સંભળાવ્યો હતો.

સીતાજીની આજ્ઞા લઇ,ત્યાંથી વિદાય લઈને હનુમાનજી સમુદ્ર કુદીને સામે પાર પહોંચી ગયા.
ત્યાં અંગદ –વગેરેની મંડળી તેમની રાહ જોતી ઉભી હતી.હનુમાનજીને દુરથી આવતા જોઈને સર્વનીખુશીનો 
પાર ન રહ્યો,વળી હનુમાનજીના મુખ પરની પ્રસન્નતા જોઈને બધા સમજી ગયા કે રામજીનું કાર્ય પૂર્ણ થયું છે.હનુમાનજી આવ્યા ને બધાને ભેટ્યા ને લંકામાં સીતાજીની પરિસ્થિતિના સમાચાર કહ્યા.

તરત જ બધાએ કિષ્કિંધા જવા પ્રયાણ કર્યું ને રાત-દિવસ મજલ કાપીને કિષ્કિંધા પહોંચી ગયા.
સુગ્રીવને ખબર પડતાં જ તે દોડતો સામે આવ્યો ને બધાને ભેટ્યો,
ને બધા હનુમાનજીને આગળ કરીને રામજી પાસે જવા નીકળ્યા.
શ્રીરામ અને લક્ષ્મણ,એક સ્ફટિક-શિલા પર બેઠા હતા.બધાએ તેમના ચરણમાં પ્રણામ કર્યા.

પછી,જાંબવાને હનુમાનજીના સમુદ્રને કુદીને સીતાજીની ભાળ લઇ આવ્યા,તે પ્રસંગનું વર્ણન કર્યું.
હનુમાનજી, સીતાજીને મળી ને તેમના સમાચાર લઈને આવ્યા છે તેવું સાંભળતા જ,
શ્રીરામ હર્ષથી ગદગદ થઇ ઉભા થયી ને હનુમાનજીને ભેટી પડ્યા.અને બોલ્યા કે-
મને હવે જલ્દી કહો કે,સીતા ત્યાં કેવી રીતે રહે છે? કેવી રીતે પોતાના પ્રાણની રક્ષા કરે છે?

PREVIOUS PAGE         INDEX PAGE           NEXT PAGE