Feb 16, 2022

Gujarati-Ramayan-Rahasya--ગુજરાતી-રામાયણ-રહસ્ય-૨૦૦

પછી રામે પ્રસન્ન થઇ સુલોચનાને કહ્યું કે-કહો તો તમારા પતિને સજીવન કરું,ને હજારો વર્ષનું આયુષ્ય આપું.રામની આવી વાત સાંભળી સુલોચનાને ખાતરી થઇ ગઈ કે-લોકો શ્રીરામનાં વખાણ કરે છે,તે સાચાં જ છે.શ્રી રામ એ સામાન્ય માનવી નહિ,પરંતુ અવતારી પુરુષ છે,ખુદ પરમાત્મા જ છે.તેણે કહ્યું કે-ના, મારા પતિ તમારા ચરણમાં સદગતિને પામ્યા છે,તેમને જીવતા થઇ,ફરીથી આનાથી વધારે સારું મૃત્યુ કેમ કરીને મળવાનું?આપનાં દર્શન એ જ મારે માટે મોટું વરદાન છે,મારે બીજું કશું જોઈતું નથી,આપનાં દર્શનથી મારું પણ મૃત્યુ મંગલમય થશે.અને તે પછી સુલોચના પતિનું મસ્તક ખોળામાં લઇને સતી થઇ.

ઇન્દ્રજીતના મરણથી રાવણને ખૂબ આઘાત લાગ્યો.વાલ્મીકિજીએ એનું કરુણ વર્ણન કર્યું છે.
અતિ શક્તિશાળી રાવણ પણ પુત્રપ્રેમના લીધે,મૂર્છિત થાય છે,ભાનમાં આવી,રુદન કરે છે,અને 
શોક કરતાં કરતાં તેનો રાક્ષસી સ્વભાવ જાગ્રત થઇ જાય છે,અને એ ક્રોધમાં આવી કહે છે કે-
“આ સર્વનું મૂળ સીતા છે.” અને ખુલ્લી તલવાર લઇ સીતાજીનો વધ કરવા દોડે છે.

કોઈ તેની પાસે જવાની હિંમત કરતુ નથી,ત્યારે સુપાર્શ્વ નામનો તેનો મંત્રી વચમાં ઉભો થઇ જઈને કહે છે કે-અરે,મહારાજ,તમારો બધો ક્રોધ રામ પર ઉતારવાને બદલે.તમે આ શું કરો છો? 
તમે વેદ-શાસ્ત્રને જાણનારા ને અગ્નિ-હોમ કરનારા સ્ત્રી-હત્યા કરવા કેમ તત્પર થયા છો?
મંત્રીનાં આવા વચનોથી રાવણનો વિવેક જાગૃત થયો,ને ત્યાંથી તે પાછો ફરી ગયો.

ઇન્દ્રજીતના મરણથી આખી લંકામાં હાહાકાર ફેલાઈ ગયો હતો.અત્યાર સુધીમાં અસંખ્ય રાક્ષસોનો નાશ થઇ ચુક્યો હતો.તેમની પત્નીઓ,બહેનો,માતાઓ-આજ લાગી રાવણની બીકે રોઈ પણ શકતાં નહોતાં,પણ આજે રાવણના મહેલમાં જ કલ્પાંત ચાલે છે,એટલે હવે રાક્ષસીઓને કોણ રોકી શકે?
બધી રાક્ષસીઓ ભેગી થઇને રાવણની નિંદા કરે છે,શૂર્પણખાને ગાળો દે છે.

રાવણે આ કરુણ રુદન સાંભળી નિસાસો નાખ્યો,અને પોતાની નિંદા કરીને પોતાને “બીકણ-બાયલો” 
વગેરે કહેવાતી વાતો પણ સાંભળી રહ્યો છે.જિંદગીમાં પહેલીવાર રાવણ બીજાના દુઃખે. દુઃખી થતો દેખાય છે.
અને પોતાના સ્વભાવથી વિરુદ્ધ,સેનાપતિઓને હાથ જોડી વિનવે છે ને તેમને નાસીપાસ ન થવા કહે છે.
ઇન્દ્રજીતના મરણ પછી મંદોદરી ફરી સમજાવવા મથે છે-કે-કદી કોઈથી ન મરે તેવો ઇન્દ્રજીત મર્યો,
હજી તો કંઈ સમજો,ને રામને શરણે જાઓ.

ત્યારે રાવણે કહ્યું કે-હું એ જ કરી રહ્યો છું,આજે તને હું પેટ-છૂટી વાત કહું છું તે તું સાંભળ.
મેં જાણી-સમજીને રામની જોડે વેર બાંધ્યું છે.રામને ભજવાથી મારો એકલાનો ઉદ્ધાર થાત,પણ તેમની સાથે વેર બાંધવાથી આખું રાક્ષસ કુળ તેમના હાથે મરીને ઉદ્ધાર પામશે.હું પણ રામની તીર ગંગામાં સ્નાન કરીને પાવન થઇ જઈશ,અને તું પણ રામનાં છેલ્લાં દર્શન કરીને પાવન થઈશ.આમાં ચિતા કરવા જેવું શું છે?
પહેલી જ વાર રાવણ ના મોઢેથી આ રહસ્ય સાંભળી મંદોદરી સ્તબ્ધ થઇ ગઈ.!!!!

હવે રાવણ યુધ્ધે ચડે છે.તેણે રાક્ષસોને હુકમ કર્યો કે-તમે રીંછ-વાંદરાંને મસળી નાખો,હું રામ-લક્ષ્મણને મારું છું.રાવણ યુદ્ધમાં આવ્યો છે તે સાંભળી રામ-સેના,અતિ-જુસ્સામાં આવી ગઈ.ઇન્દ્રજીતનો વધ થવાથી 
તેમની તાકાત વધી ગઈ હતી.જાણે પર્વતને પાંખો આવી હોય એવો એમનો જુસ્સો જોઈને લાગતું હતું.
નખ,દાંત,પર્વત ને વૃક્ષ તેમના હથિયાર હતાં. “રામજીનો જય” પોકારી સેનાએ જાહેર કર્યું કે-
ગાંડા હાથી જેવા રાવણને અમારા સિંહ જેવા રામ ઘડીકમાં ધૂળ ચાટતો કરી દેશે.

શ્રીરામને રાવણની સામે પગપાળા લડવા જતા જોઈ વિભીષણ મનમાં વિચારે છે કે-
આમની પાસે રથ નથી,કવચ નથી,પગમાં જોડા નથી- તો રાવણને કેમ કરી ને જીતશે?
પ્રેમ વશ થઇને તેણે શ્રીરામને પોતાની મુંઝવણ કહી પણ નાખી.
ત્યારે શ્રીરામે કહ્યું કે-મારી પાસે જીતવાનો બીજો રથ છે,અને તેનું નામ “વિજય-રથ” છે.
જેની પાસે વિજય રથ હોય તે કદી હારતો નથી.
વિભીષણ નવાઈ પામ્યો,અને કહે છે કે –વિજય-રથ? અહીં તો કશું દેખાતું નથી!!

PREVIOUS PAGE         INDEX PAGE           NEXT PAGE