Feb 12, 2015

Yog-Vashisth-Gujarati-યોગવાશિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-78



જેમ મરીની અંદર રહેલી તીખાશ -તેના ખાનાર વિના અન્યને જાણવામાં આવતી નથી-
તેમ,બ્રહ્મ નું ચિદ્રુપ-પણું -એ પ્રલય-કાળ માં "જીવ" જો હોય જ નહિ તો તે કેવી રીતે જાણી શકે?

જેમ, પ્રલય-કાળમાં જીવ નું  "જીવ-પણું" નિવૃત્ત થાય છે,તેમ,જગત નું "જગત-પણું" પણ નિવૃત્ત થાય છે.
એટલે કે-જીવ અને જગત -એ બંને "બ્રહ્મ-રૂપ"  જ થઇ જાય છે. અને ત્યારે-
સઘળા બહારના દેખાવો અને મન ની અંદરના દેખાવો પણ "બ્રહ્મ-રૂપ" થઇ જાય છે,બીજું કશું રહેતું નથી.

"સમાધિ" ના કાળમાં પણ આ પ્રલય ના કાળ ની જેમ સંપૂર્ણ જગત "સુષુપ્ત-રૂપ" થઇ જાય છે.અને
"જ્ઞાન-કાળ" માં જગત "તુર્ય-રૂપ" થઇ જાય છે.
આમ સમાધિ-કાળમાં જગત સુષુપ્ત થઇ જાય છે તેથી-
"સમાધિ-કાળ" માં "સર્વ-સંસ્કારો ના ડાબલા-રૂપ" "યોગી" સંસાર-રહિત થઇ ને "બ્રહ્મ-રૂપે" રહે છે, એટલે-
"જ્ઞાન-કાળ" માં "સર્વ-સંસ્કારોના ડાબલા-રૂપ"  "જ્ઞાની" (વ્યવહારવાળો છતાં પણ) સંસ્કાર-રહિત "બ્રહ્મ-રૂપે" છે.

આમ,આકાર વગરના પર-બ્રહ્મ (સંપૂર્ણ-બ્રહ્મ) માં  બ્રહ્મ-રૂપે જગત રહેલું છે,અને
સંપૂર્ણ-બ્રહ્મ માંથી જે -જગત અને જીવ પ્રસરેલ છે તે બ્રહ્મ-રૂપે જ પ્રસરેલ છે,માટે,
જગત અને જીવ -એ પૂર્ણ જ છે અને નિરાકાર જ છે.

બ્રહ્મ માંથી જગતનું સ્ફૂરણ માનવામાં આવ્યું ,
એટલે તે જગતના દ્રષ્ટા-રૂપે જીવનું સ્ફૂરણ પણ માનવામાં આવ્યું છે.
(અહીં દ્રષ્ટા-જગતને જોનાર--એ -જીવ છે)
જગત એ પૂર્ણ (બ્રહ્મ) માં થી પૂર્ણ-પણે જ પ્રસરેલું છે.અને પૂર્ણ-પણે જ રહેલું છે.
માટે જગત ઉત્પન્ન થયું જ નથી-અને જો ઉત્પન્ન થયું  હોય તો પણ તે બ્રહ્મ-રૂપ જ છે.
"પ્રલય"માં જીવ ને જગત નું "દ્રષ્ટા-પણું" નહિ રહેવાથી,જગતમાં "દૃશ્ય-પણું" પણ રહેતું નથી.
એટલે પછી જગતમાં "જગત-પણું" ક્યાંથી બાકી રહ્યું?

બ્રહ્મમાં ચિત્ત-દૃશ્યપણું-વગેરે છે જ નહિ છતાં તે મિથ્યા પ્રતીત થાય છે.
બ્રહ્મ માં કોઈ "ઉપાધિ" (માયા) છે જ નહિ,
તો પછી "ઉપાધિ (માયા) માં બ્રહ્મ -"જીવ-રૂપે પ્રતિબિમ્બિત" થાય છે -તેમ પણ કેમ કહેવાય?
આ બ્રહ્મ એ પરમાણું  ના પણ "કારણ-રૂપ" છે,સુક્ષ્મ કરતાં પણ અતિ સુક્ષ્મ છે,શુદ્ધ છે,અને અત્યંત શાંત છે.
તે દેશ-કાળ-વગેરે ના વિભાગથી રહિત છે.તેથી તે અત્યંત વિસ્તરાયેલો છે.
તે આદિ અને અંત થી રહિત છે,પ્રકાશ-માત્ર છે અને પ્રકાશ્ય-પદાર્થો થી રહિત છે.
આ બ્રહ્મ માં દૃશ્ય થયું જ નથી તો પ્રતિબિમ્બિત થયેલો કહેવાતો અને નિરંતર વાસનામય કહેવાતો-
દ્રષ્ટા (જીવ) તો ક્યાંથી થયો જ હોય?

દૃશ્ય નો ઉદય નહિ થવાથી-બ્રહ્મ માં -જીવ-પણું નથી,બુદ્ધિ-પણું નથી,ચિત્ત-પણું નથી,
ઇન્દ્રિય-પણું નથી કે વાસના-પણું પણ નથી.
આમ,એ પર-બ્રહ્મ ભલે બીજાઓને તે  જગત-રૂપી -મોટા આડંબર થી ભરેલો લાગે,પણ,
અમને તો તે શાંત -અને -આકાશ કરતાં પણ અધિક શૂન્ય લાગે છે.

શ્રીરામ પૂછે છે કે-એ અપાર ચૈતન્ય-મય પર-બ્રહ્મ નું રૂપ કેવું છે? તમે ફરીવાર એ મને  સારી-પેઠે કહો.
એટલે મારા જ્ઞાનમાં વૃદ્ધિ થાય.

   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE